શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Updated : શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024 (09:17 IST)

અનાથોનું એ ગામ' જ્યાં રશિયાના મિસાઇલ હુમલામાં પરિવારો તબાહ થઈ ગયા

કિશોર વયના દિમાએ પોતાનાં માતા, પિતા અને દાદા-દાદી ગુમાવ્યાં છે. એ બધાં ઉત્તર-પૂર્વ યુક્રેનમાંના રોઝા ગામમાં મિસાઇલ હુમલામાં માર્યા ગયા હતા.
 
16 વર્ષના દિમા બીબીસીને કહે છે, "મને કંઈ સમજાતું નથી. હવે મારા ઘરની જવાબદારી મારા પર છે. મને સૌથી વધુ ચિંતા મારી નાની બહેનની થાય છે. આ ઘટના બની એ પહેલાં હું તેને ભેટું એ ગમતું ન હતું, પરંતુ હવે તે ઇચ્છે છે કે હું તેને સતત હગ કરું."
 
2023ની પાંચમી ઑક્ટોબરે રોઝા ગામના એક કાફે પર મિસાઇલ ત્રાટક્યું હતું. તેમાં 59 લોકો માર્યા ગયા હતા. યુક્રેનના સૈન્યમાં સ્વયંસેવક તરીકે જોડાયેલા એન્ડ્રી કોઝીર નામના એક માણસના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ગામના દરેક પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ આવી હતી.
 
એ હુમલામાં ગામની કુલ વસ્તીનો પાંચમો હિસ્સો માર્યો ગયો હતો. તેથી રોઝા હવે અનાથોના ગામ તરીકે ઓળખાય છે.
 
બે વર્ષ પહેલાં રશિયાએ વ્યાપક આક્રમણ શરૂ કર્યું પછીનો યુક્રેનના નાગરિકો પરનો તે સૌથી ઘાતક હુમલો હતો.
 
રશિયાએ આ હુમલા બાબતે ક્યારેય સીધી ટિપ્પણી કરી નથી, પરંતુ રશિયાના સરકારી મીડિયાના જણાવ્યા મુજબ, તેના સૈન્યએ કહ્યું હતું કે તેમણે એ ક્ષેત્રમાંના લશ્કરી લક્ષ્યાંકો પર હુમલો કર્યો હતો.
 
યુક્રેનના કહેવા મુજબ, ત્યાં કોઈ સૈન્ય લક્ષ્યાંકો નથી અને સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલમાં તેને સમર્થન આપવામાં આવ્યું હતું.
 
તેમાં જણાવવામાં આવ્યું હતું કે "એ વિસ્તારમાં કોઈ લશ્કરી કર્મચારીઓ અથવા કોઈપણ કાયદેસર મિલિટરી ટાર્ગેટ્સ હોવાના સંકેત મળ્યા નથી."
 
દુનિયાના માથે પરમાણુ હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે?
રિસેક્સ: યુક્રેનના ઘાયલ સૈનિકોની સેક્સ લાઇફ એક યુવતી કેવી રીતે સારી બનાવી રહી છે?
બાળકોનું સામાન્ય જીવન થયું વેરવિખેર
દિમાનાં માતાપિતાની અંતિમ તસવીર
 
યુદ્ધ પહેલાં દિમાનું જીવન સામાન્ય કિશોર (ટીનેજર) જેવું હતું. તેઓ તેમનાં માતા-પિતાની સાથે રહેતા હતા. દોસ્તો સાથે હરતાફરતા અને ક્યારેક તેમની બહેનો સાથે ઝઘડતા હતા.
 
હવે દિમા તેમના ગામની સીમમાં આવેલા કબ્રસ્તાનમાં તેમનાં માતા-પિતા અને દાદા-દાદીની ખુલ્લી કબરો પરની ચમકતા રંગની પુષ્પમાળાઓને જોયા કરે છે. તેમને હજુ દફનાવવામાં આવ્યાં નથી, પરંતુ તેમનાં સ્મિત કરતા ચહેરાઓ સાથેના ફોટોગ્રાફ્સ લાકડાના ક્રૉસ સાથે લગાવેલા છે.
 
અહીં બહુ ઓછા મુલાકાતીઓ આવે છે. યુક્રેનના ખાર્કિએવ પ્રદેશમાં આવેલું દિમાનું ગામ રશિયાની સરહદની બહુ નજીક છે અને લગભગ 30 કિલોમીટર દૂર આવેલા કુપ્યાન્સ્ક શહેરની આસપાસ જોરદાર લડાઈ ચાલી રહી છે. યુક્રેનના રાષ્ટ્રીય વાદળી તથા પીળા રંગના ફૂલો દેખાય છે અને નજીકમાં સમયાંતરે થતા વિસ્ફોટને લીધે શાંતિમાં વિક્ષેપ સર્જાય છે.
 
રશિયાનું આ પગલું વિશ્વને એક નવા સંકટ તરફ ધકેલી રહ્યું છે? 
નેપાળના યુવાનો રશિયાની સેનામાં કેમ ભરતી થઈ રહ્યા છે?
‘હું પરિવારને તૂટવા નહીં દઉં, અન્યથા બાળકોએ અનાથાશ્રમનો આશરો લેવો પડશે’
પોતાના નાના સાથે દિમા અને તેમનાં બહેન ડેરિના
 
શોકગ્રસ્ત અને બરબાદ થઈ ગયેલા દિમા તથા તેમનાં બહેનોને તેમનાં નાના-નાનીએ સધિયારો આપ્યો છે.
 
દિમાના 62 વર્ષીય નાના વેલેરી સમજાવે છે, "હુમલામાં અનેક લોકો માર્યા ગયા છે. ગામ અચાનક ખાલી થઈ ગયું છે. આ પીડા ક્યારેય ભૂલી નહીં શકાય. અમારા ઘરમાં ચાર શબપેટી હતી. મારું મન જાણે છે કે શું થયું હતું, પરંતુ મારું હૃદય હજી પણ માની શકતું નથી."
 
તેઓ મને તેમની પુત્રી ઓલ્ગા અને જમાઈ ઍનાટોલીનો છેલ્લો ફોટો દેખાડે છે. વેલેરી કહે છે, "આ બન્ને એકમેકને બહુ પ્રેમ કરતા હતા. તેમનો પરિવાર બહુ સારો હતો."
 
વેલેરીના જણાવ્યા મુજબ, એક વખત ઍનાટોલીએ મજાકમાં કહ્યું હતું કે ઓલ્ગા વહેલી મૃત્યુ પામશે તો તેઓ ઝડપથી બીજાં લગ્ન કરી લેશે, પરંતુ ઓલ્ગાએ, જાણે તે ભવિષ્યને જાણતી હોય તેમ, કહ્યું હતું, "પ્રિય ઍનાટોલી, આપણે એકસાથે મૃત્યુ પામીશું." આ વાત કહેતી વેળા આંખમાં ધસી આવતા આંસુને રોકવાના પ્રયાસ વેલેરી કરે છે.
 
ઑક્ટોબરના હુમલા પછીની ઘટનાઓને વેલેરી "સ્પીડ-અપ હોરર મૂવી" જેવી ગણાવે છે. તેઓ તેમની દીકરીને શોધવા દોડી ગયા હતા, પરંતુ સમયસર પહોંચી શક્યા નહીં.
 
ઓલ્ગાનું મૃત્યુ થયું ત્યારે તેમની સાથે જે મહિલા હતી તેણે વેલેરીને કહ્યું હતું,"ઓલ્ગાના છેલ્લા શબ્દોઃ 'હું જીવવા માંગુ છું' હતા."
 
દિમા, તેમનાં 17 વર્ષનાં મોટાં બહેન ડેરીના તથા 10 વર્ષની નાની બહેન નાસ્ત્યાને લેવા વેલેરી તેમનાં પત્ની લુબોવ સાથે ગયા હતા. તેઓ કહે છે, "મારા પૌત્ર-પૌત્રીઓએ અમારી સાથે અહીં જ રહેવાનું છે. હું પરિવારને તૂટવા નહીં દઉં." અન્યથા આ બાળકોએ અનાથાશ્રમમાં આશરો લેવો પડે.
 
રશિયા-યુક્રેન યુદ્ધ : યુક્રેનમાં લડી રહેલા રશિયાના વૅગનર ગ્રૂપના 'ભાડૂતી સૈનિકો' કોણ છે?
યુક્રેન યુદ્ધ : દુશ્મન દેશમાંથી માતાઓએ કેવી રીતે તેમનાં બાળકોને મહામુસીબતે પાછાં મેળવ્યાં?
ગામનાં 14 બાળકોએ મિસાઇલ હુમલામાં ગુમાવ્યાં માતા કે પિતા
પોતાનાં માતાપિતાની કબર પાસે ઊભેલા દિમા
 
 
પૌત્ર-પૌત્રીઓની સંભાળ રાખવાનું આસાન નથી, એ કબૂલતાં વેલેરીએ જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં તેઓ એકમેકની પડખે રહેશે.
 
તેઓ કહે છે, "દિમા બગીચાની આસપાસ પરિવારના ડુક્કરોની સંભાળ રાખવામાં મદદરૂપ થાય છે. ડેરીના રસોઈ બનાવતાં શીખી ગઈ છે અને નાસ્ત્યા બહુ વિચારશીલ તથા દયાળુ છે."
 
ગામનાં 14 બાળકોએ મિસાઇલ હુમલામાં પોતાનાં માતા કે પિતા એ બેમાંથી કોઈ એકને ગુમાવ્યાં છે.
 
આઠ બાળકોએ તેમનાં માતા-પિતા બન્ને ગુમાવ્યાં છે. આ તમામ બાળકોને અનાથાશ્રમમાં મોકલવા ન પડે એટલે માટે તેમનાં દાદા-દાદી અથવા અન્ય સંબંધીઓ તેમને સંભાળવાનું નક્કી કર્યું છે.
 
જે બન્યું તેનાથી મોટા ભાગના લોકો હજુ પણ ભયભીત છે. આ વિસ્તારમાં રહેતાં ડાયના નોસોવા કહે છે, "અંતિમ સંસ્કાર વખતે બાળકો એકમેકના હાથ પકડીની ઊભા હતા, એ દૃશ્યને હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મારું દિલ તૂટી ગયું હતું."
 
14 વર્ષના વ્લાદ સહિતના કેટલાક અનાથોએ હુમલા પછી સલામત વિસ્તારોમાં જવાનું નક્કી કર્યું હતું.
 
વ્લાદનાં માતા, દાદા, કાકા અને આઠ વર્ષનો પિતરાઈ ભાઈ બધા માર્યા ગયા પછી એ તેમનાં કાકી સાથે પશ્ચિમ યુક્રેનમાં રહેવા ચાલ્યા ગયા હતા.
 
વ્લાદ તેમની દાદીને વીડિયો કૉલ પર કહે છે, "હું તમને બહુ યાદ કરું છું." વેલેન્ટીના જવાબ આપે છે, "હું પણ."
 
પોતાના પતિ, પુત્રી, પુત્ર અને એક પૌત્ર સહિતના પરિવારના મોટા ભાગના સભ્યોને આ હુમલામાં ગુમાવવા છતાં વેલેન્ટીનાએ ગામમાં જ રહેવાનું નક્કી કર્યું છે.
 
હું 57 વર્ષનાં વેલેન્ટીના સાથે, તેઓ જ્યાં આખું જીવન જીવ્યાં છે એ ગામમાં ચક્કર લગાવું છું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
 
યુક્રેનના હુમલામાંથી બચવા માટે રશિયાએ 'સરહદે' કેવી તૈયારીઓ કરી છે?
પુતિન યુદ્ધ હારી ગયા તો રશિયાના ટુકડા થઈ જશે?
‘મારી પાસે કોઈ નથી બચ્યું’
મિસાઇલ હુમલાને લીધે ક્ષતિગ્રસ્ત બિલ્ડિંગ પાસેથી અમે પસાર થઈએ છીએ ત્યારે તેઓ કહે છે, "આ બહુ ડરામણી જગ્યા છે. તમે જાણતા હો કે તમારાં બાળકો અહીં જમીન પર પડ્યાં હતાં. અહીં મૃત્યુ પામ્યા હતાં ત્યારે બહુ ડરામણી છે."
 
"જેટલો વધારે સમય પસાર થાય છે તેટલી માઠી અનુભૂતિ મને થાય છે. મારી પાસે કોઈ નથી. લગભગ કોઈ બચ્યું નથી."
 
વેલેન્ટીનાના જણાવ્યા મુજબ, તેમને તેમનાં પાળેલાં બે કૂતરાં અને સ્ટીફન નામની બિલાડી પાસેથી શાતા મળે છે.
 
તેમના કહેવા અનુસાર, હવે વ્લાદ તેમની અગ્રતા છે. વ્લાદ સારી રીતે ભણે એવું તેઓ ઇચ્છે છે. તેઓ વ્લાદને વારંવાર વીડિયો કૉલ કરે છે અને તે એકસ્ટ્રા આઈટી ક્લાસમાં જઈ શકે એટલા માટે ફી ભરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે વ્લાદ સલામત રહે. વેલેન્ટીનાના કહેવા મુજબ, વ્લાદ હવે ખાર્કિએવ પ્રદેશમાં નથી એનાથી તેઓ સૌથી વધારે ખુશ છે.
 
ફેબ્રુઆરી, 2022માં યુદ્ધ શરૂ થયું ત્યારથી ખાર્કિએવને હિંસામાં બહુ ઓછી રાહત મળી છે. આક્રમણના પ્રારંભે રશિયન દળોએ રોઝા સહિતનો પ્રદેશ કબજે કર્યો હતો. સપ્ટેમ્બર, 2022માં મોટા વળતા હુમલા પછી યુક્રેને તેને ફરી કબજે કર્યું હતું. એ પછી પણ લડાઈ ચાલુ રહી હોવાથી આ પ્રદેશ રશિયન ડ્રોન, બૉમ્બ અને મિસાઇલ્સ હુમલાઓનું નિશાન બનતો રહે છે.
 
યુક્રેનની સિક્યૉરિટી સર્વિસને શંકા છે કે પક્ષપલટો કરીને રશિયા સાથે ભળેલા યુક્રેનના બે ભૂતપૂર્વ નાગરિકોએ રશિયન સૈન્યને રોઝા વિશેની બાતમી આપી હશે.
 
બીબીસી તેની ચકાસણી કરી શક્યું નથી, પરંતુ અન્ય કિસ્સાઓમાં રશિયાને માહિતી આપવા બદલ યુક્રેનના કેટલાક લોકોને દોષી ઠેરવવામાં આવ્યા છે.
 
એ લોકો સરહદ નજીકના વિસ્તારોમાં રહેતા હતા અને તે વિસ્તારો અગાઉ રશિયાએ કબજે કર્યા હતા.
 
દિમાના ઘરે પાછા ફરીએ. અહીં તેમનાં મોટાં બહેને તેમનાં મૃત્યુ પામેલા પ્રિયજનોના ફોટોગ્રાફ્સ દીવાલ પર ટાંગ્યા છે. તેઓ નવેસરથી જીવન શરૂ કરવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તેમના નાના વેલેરી હકારાત્મક વલણ દર્શાવે છે.
 
તેઓ કહે છે, "બધું સરસ છે." આ સદચિંતન હોઈ શકે, કારણ કે યુદ્ધનો અંત નજીકમાં દેખાતો નથી અને રશિયા નજીકના કુપ્યાન્સ્કમાં વધુ સૈનિકો એકત્ર કરી રહ્યું છે.
 
અહીં આટલું બધું થયું હોવા છતાં વેલેરી ઉત્સાહિત રહેવાનો આગ્રહ રાખે છે.
 
તેઓ કહે "મારા પૌત્ર-પૌત્રીઓને સ્મિત કરતા નિહાળું તો હું રાહત અનુભવું છું. આપણે જીવતા હોઈએ ત્યાં સુધી આશા રાખવી જોઈએ.