ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (19:07 IST)

ગુજરાત યુનિ.નો મોટો નિર્ણય:BBA-BCA જેવા કોર્સ BS તરીકે ઓફર કરાશે

ahmedabad university
નવી એજ્યુકેશન પોલિસીનો અમલ થતાં શિક્ષણક્ષેત્રે અનેક સુધારા-વધારા થયા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ વિદ્યાર્થીઓને હવે બેચલર ઓફ સાયન્સના કોર્સ ઑફર કરવામાં આવશે. અત્યારે ચાલી રહેલા બી.કોમ, બી.બી.એ, બી.સી.એ, બી.એસ.સી સહિતના 100થી વધુ કોર્સ હવે BS(બેચલર ઓફ સાયન્સ) તરીકે ઑફર કરવામાં આવશે. જૂના કોર્સ ચાલુ જ રહેશે, પરંતુ BS સાથે નવા કોર્સ પણ શરૂ કરવામાં આવશે.

વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી યુનિવર્સિટી સાથે ડિગ્રીમાં એકસૂત્રતા રહે એ માટે નવી એજ્યુકેશન પોલિસી હેઠળ BS સાથે કોર્સ ચલાવવામાં આવશે. અત્યારે ત્રણ વર્ષના કોર્સ ચાલી રહ્યા છે, પરંતુ BS સાથે ચાર વર્ષના કોર્સ ચલાવવામાં આવશે. આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીમાં સરળતાથી એડમિશન મેળવી શકશે. ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓ UGના તમામ કોર્સ BS સાથે કરી શકશે.BSનો કોર્સ કરનારને બે ડિગ્રી આપવામાં આવશે. વિદ્યાર્થી ત્રણ વર્ષ પૂર્ણ કરે એટલે BS ગ્રેજ્યુએશનની ડિગ્રી આપવામાં આવશે. જ્યારે ચાર વર્ષ પૂર્ણ કરે ત્યારે ઓનર્સ અથવા રિસર્ચ ડિગ્રી આપવામાં આવશે.

ચાર વર્ષના BSના કોર્સ બાદ પીજીનો અભ્યાસ માત્ર એક જ વર્ષમાં કરી શકાશે. વિદ્યાર્થીઓના જે મુખ્ય વિષય હશે એ સાથે BSનો કોર્સ કરી શકાશે. વિદ્યાર્થીને આ કોર્સ કરવાથી ક્રેડિટ પણ આપવામાં આવશે. ત્રણ વર્ષનો કોર્સ કરે તો 122 ક્રેડિટ આપવામાં આવશે, ચાર વર્ષનો કોર્સ કરે તો 162 ક્રેડિટ આપવામાં આવશે.BSનો કોર્સ ચલાવવા માટે કોલેજે નિર્ણય કરવાનો રહેશે. કોલેજ સામાન્ય કોર્સ અત્યારે ચલાવી રહી હોય એની સાથે તે BS આપી શકશે. જે કોલેજ BSનો કોર્સ ચલાવવા મંજૂરી મેળવશે તે જ કોલેજ વિદ્યાર્થીઓને BSનો કોર્સ ભણાવી શકશે. BSનો કોર્સ ચલાવવા ફીમાં પણ ખાસ વધારો જોવા નહીં મળે. શરૂઆતનાં ત્રણ વર્ષ સામાન્ય કોર્સની જેમ જ ભણાવવામાં આવશે. ચોથા વર્ષમાં રિસર્ચ કરવાનું રહેશે.

આ અંગે ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ કોર્સ કરવાથી વિદેશી યુનિવર્સિટી સાથે સરખામણી કરી શકાય એવી ડીગ્રી મળશે. યુનિવર્સિટી ભવિષ્યમાં વિદેશી યુનિવર્સિટી સાથે મળી MOU કરે તો તેને ટ્યૂન ડિગ્રી અથવા ડ્યુઅલ ડિગ્રી મળી શકશે. ચાર વર્ષનો અભ્યાસ કર્યા બાદ PG માટે એક જ વર્ષ અભ્યાસ કરવાનો રહેશે. આ ડીગ્રી કરવાથી ઓનર્સની ડીગ્રી મળશે અને યુનિવર્સિટીને રિસર્ચ તૈયાર મળી રહેશે.