1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 ડિસેમ્બર 2023 (15:50 IST)

ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ તમામ બસ સ્ટેશન પર કાર્યરત પે એન્ડ યુઝ શૌચાલય ફ્રી થશે

Pay and use toilets will be free
Pay and use toilets will be free
રાજ્યના નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમ બની રહે તે આશય સાથે આજે ગાંધીનગર એસ.ટી ડેપો ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો રાજ્યવ્યાપી શુભારંભ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો છે. તેની સાથે જ રાજ્યના નાગરિકોને યાતાયાતની સુવિધા વધુ સુદ્રઢ કરવા માટે આગામી 10 મહિના સુધી દર મહિને 200 એસ.ટી બસો એટલે કે, 10 મહિનામાં કુલ 2000 નવી એસ.ટી બસો મુસાફરોની સુખાકારી અને શુભ યાત્રા માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે.

“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇનનો શુભારંભ કરાવતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્ય સરકારે કેટલાક નવીન આયામો હાથ ધર્યા છે જેમાં બસ સ્ટેશન ખાતે વિરામના સમયે પહોંચેલી એસ.ટી બસ સ્વચ્છતા કર્મીઓ દ્વારા 10 મિનીટમાં નીટ એન્ડ ક્લીન કરી દેવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તે ઉપરાંત નિગમ દ્વારા પી.પી.પી ધોરણે વિકસાવેલા બસ સ્ટેશનો સિવાયના તમામ બસ સ્ટેશન ઉપર શૌચાલયના વપરાશ માટે લેવામાં આવતા પે એન્ડ યુઝ ચાર્જીસ પણ માર્ચ-2024 સુધીમાં સંપૂર્ણ રીતે બંધ કરીને પે એન્ડ યુઝ શૌચાલયોની સુવિધા નિ:શુલ્ક કરી દેવાશે. પે એન્ડ યુઝ થકી નિગમને સવા કરોડ રૂપિયાની આવક થાય છે. પરંતુ પ્રજાના હિત માટે આ રકમ જતી કરી પે એન્ડ યુઝ શૌચાલય નિશુલ્ક સેવા આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.તેમણે કહ્યું કે, હવે મુસાફરો બસ અને બસ સ્ટેશનોની સ્વચ્છતાનો અભિપ્રાય પણ આપી શકશે. જે માટે ખાસ પેસેન્જર ફિડબેક સિસ્ટમ QR કોડ હશે.સરકારી એસ.ટી બસોને ખાનગી લકઝરી જેવી બનાવવાની નેમ સાથે મંત્રીએ કહ્યું કે, એસ.ટી. નિગમની 1681 બસોમાં ડસ્ટબીન મૂકવામાં આવી છે. જ્યારે બાકી રહેતી અન્ય બસોમાં પણ આગામી 10 દિવસમાં ડસ્ટબીન મૂકી દેવામાં આવશે. તે ઉપરાંત ડેન્ટીંગની જરૂરીયાતવાળા 541 વાહનોને 60 દિવસમાં દુરસ્ત કરવામાં આવશે. કલર કામની જરૂરીયાતવાળા 516 વાહનોની આગામી 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સીટની રીપેરીંગની જરૂરીયાતવાળા 482 વાહનોના રીપેરીંગની કામગીરી આગામી 15 દિવસમાં પૂર્ણ કરી તમામ સરકારી એસ.ટી બસને ખાનગી લકઝરી બસ કરતા પણ ચઢિયાતી બનાવી દેવામાં આવશે.

રાજ્યના તમામ 262 બસ સ્ટેશનો ખાતે ટોઈલેટ બ્લોકના અપગ્રેડેશનની કામગીરી આગામી 100 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. રાજયના 216 બસ સ્ટેશનો ખાતે મુસાફર બેઠક વ્યવસ્થા, વિકલાંગ વ્યક્તિઓ માટે રેલીંગ, રેમ્પ, કલર કામગીરી તેમજ સરકયુલેશન વિસ્તાર સહિત અપગ્રેડેશન/નવીનીકરણની કામગીરી આગામી 100 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. 13 નવીન બસ સ્ટેશનની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે 33 સ્થળો ખાતે નવીન બસ સ્ટેશન નિર્માણ કરાશે. 50 સ્થળો ખાતે આર.ઓ. ટ્રીટેડ શુધ્ધ પાણીની સુવિધા આગામી 50 દિવસમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.