સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 1 જૂન 2019 (18:31 IST)

નીતિશ કુમારને નરેન્દ્ર મોદી સાથે શું વાંધો પડ્યો છે?

મણિકાંત ઠાકુર
 
નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં જનતા દળ યુનાઇટેડ(જેડીયૂ)નો સમાવેશ ન થવાના ચોંકાવનારા સમાચાર શપથગ્રહણ પહેલાં જ એવી રીતે ટપક્યા જેવી રીતે ભોજનની પીરસેલી થાળીમાં અચાનક માખી આવી પડે. ભાજપની ઉજવણી સમયે જેડીયૂનું આવું સ્વાદ બગાડનારું સ્વરૂપ કેમ સામે આવ્યું, આ વિષે અનેક પ્રકારની વાતો થઈ રહી છે.
 
જેડીયૂના અધ્યક્ષ અને બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમારે આ વિશે મીડિયાને જે જાણકારી આપી છે, તેના કરતાં વધારે છુપાવી છે. તેમણે કહ્યું કે ભાજપના નેતૃત્વએ બીજા સહયોગી દળોની જેમ જેડીયૂને માત્ર એક મંત્રી પદ આપીને મંત્રી મંડળમાં 'સાંકેતિક ભાગીદારી'નો જે પ્રસ્તાવ મૂક્યો હતો, તે તેમની પાર્ટીને મંજૂર ન હતો. નીતિશ કુમારે વધુમાં કહ્યું, "આ બાબતને લઈને બન્ને પક્ષો વચ્ચે કોઈ નારાજગી નથી અને નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ(એનડીએ) અથવા મોદી સરકારની સાથે જેડીયૂ મજબૂતીથી જોડાયેલું રહેશે."
 
 
હવે સવાલ એ છે કે જ્યારે શપથગ્રહણ સમારોહમાં ગણતરીની જ મિનિટો બાકી હતી, ત્યારે મોદી સરકારનો ભાગ નહીં બનવાનું કારણ શું?
 
આ પ્રકારનો ઇન્કાર ભારે નારાજગી કે પક્ષમાં સામેલ થવાના કારણે સર્જાતી વિવશતા વગર શક્ય છે?
 
નીતિશ પોતે બોલી ગયા છે કે સરકારમાં આવી 'સિમ્બૉલિક ભાગીદારી'નો કોઈ અર્થ નથી. તો વાતચીત કેમ આટલી લાંબી ચાલી કે ખાવાના સમયે પીરસવામાં આવેલી થાળીને પરત ખેંચી લેવી પડે?
 
જોકે, બધાને ખ્યાલ જ છે કે જ્યારે રાજકીય નફા-નુકશાનની સમજ મોડેથી આવી હોય, ત્યારે સાચાં કારણ છુપાવવાં માટે નકલી કારણો ઘડી કાઢવા પડે છે. જેડીયૂમાંથી જ આ સમાચારને હવા મળી કે પાર્ટીના રાજયસભાના સભ્ય રામ ચંદ્ર પ્રસાદ સિંહ (આરસીપી) અને નવા ચૂંટાયેલાં સાંસદ રાજીવ રંજન ઉર્ફે લલન સિંહનો કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવેશ થશે.
 
બંને વ્યક્તિઓને નીતિશ કુમારના ખૂબ જ નજીકના અને વિશ્વસનીય માનવામાં આવે છે. આરસીપી તો નીતિશની જાતિના(કુર્મી) જ છે અને લલન સિંહ ભૂમિહાર સમાજમાંથી આવે છે. અતિ પછાત જાતિમાંથી ચૂંટાયેલા જેડીયૂના સંસદ સભ્યો આશાઓ ભરેલી આંખોથી નીતિશ કુમારને જોઈ રહ્યા હતા. જાતીય સમીકરણનું રાજકારણ કરતા નેતાઓની એક મોટી મુશ્કેલી એ છે કે જો તક સીમિત હોય ત્યારે તેઓ કોઈને ખુશ કરે તો તેનું પરિણામ બીજાની નારાજગીનું કારણ બનીને સામે આવે છે.
 
જેડીયૂની ઇચ્છા હતી કે મોદી સરકારમાં બે કૅબિનેટ મંત્રી અને એક રાજ્યમંત્રીનું પદ મળે, તો તેઓ જાતિગત સંતુલન બેસાડી શકે. પરંતુ બહુમતીના શિખર પર પહોંચનારા ભાજપ પાસે નીતિશ કુમાર અતિશય ઉદારતાની જીદ કરી શકે તેવી પરિસ્થિતિમાં પણ નહોતા. એટલા માટે તેમણે પોતાની પાર્ટીની અંદર જાતીય ઝઘડા થશે તેવી આશંકાથી બચવા માટે છેવટે મોદી સરકારનો ભાગ નહીં બનવાનો નિર્ણય કર્યો. ખાસ કરીને એટલા માટે કે બિહારમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને નીતિશ પોતાને ભાજપની પાછળ દબાયેલા હોય તેવું દેખાડવા માંગતા નથી.
 
બિહારમાં તેમણે ગત લોકસભા ચૂંટણીમાં 17-17 બેઠકોની બરાબરી કરીને સત્તા ભાગીદારીમાં પોતાનું વર્ચસ્વ દેખાડ્યું હતું. તે જ વર્ચસ્વ આગામી વિધાનસભાની ચૂંટણીમાં નબળું દેખાય તે નીતિશ કુમાર માટે યોગ્ય નથી.
 
બની શકે કે ભાજપને મળેલી 303 બેઠકોની પ્રચંડ બહુમતીનો સ્વાભાવિક ભય જેડીયૂને સતાવવા લાગ્યો હોય, કે એક વખત નમ્યા તો વારંવાર નમવું પડશે! એટલા માટે રાજ્યની સત્તા પર પોતાની પકડને ટકાવી રાખવાની રણનીતિએ નીતિશ કુમારને પૂર્ણ સમર્પણથી રોક્યા હશે. અથવા તો એવું પણ બની શકે છે કે પડદાની પાછળ રહીને અમિત શાહની સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી તેમણે જેડીયૂમાં વિરોધ અથવા વિવાદથી બચવાનો રસ્તો કાઢ્યો હોય.
 
શપથગ્રહણ સમારોહ પછી ભાજપના નેતાઓએ આ પ્રકરણને નજરઅંદાજ કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે, તેમાં 'તમામ બાબતો યોગ્ય હોવા' જેવો ભાવ તો બિલકુલ નથી. બિહારના રાજકીય વાતાવરણમાં પણ ચર્ચા થવા લાગી કે આવી રીતે વાત અચાનક બગડી તેનું કારણ અંદર ખાને બબાલ થઈ હોય તેવું લાગે છે. 
 
સવાલ પૂછાઈ રહ્યો છે કે કથિત રીતે 'સાંકેતિક ભાગીદારી'નો એનડીએના બીજા મુખ્ય ઘટક પક્ષોએ સ્વીકાર કર્યો છે, તો જેડીયૂએ કેમ ના પાડી?
 
બંને પક્ષ તમામ યોગ્ય કારણોને દબાવવા અને છુપાવવામાં ભલે સફળ થયા હોય, પરંતુ આ બાબત એટલી રાજકીય છે કે તે વધતાં-ઓછાં પ્રમાણમાં સામે તો આવી જ ગઈ.