ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 6 ઑગસ્ટ 2019 (14:39 IST)

કલમ 371 : બંધારણમાં ગુજરાત સહિત આ રાજ્યો માટે પણ છે ખાસ જોગવાઈઓ

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ના ખંડ 2 અને ખંડ 3ને નાબૂદ કરવામાં આવતા જમ્મુ-કાશ્મીરે વિશેષ રાજ્યનો દરજ્જો ગુમાવી દીધો છે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ અનુસાર હવે રાજ્યાને બે ભાગમાં વહેંચી દેવામાં આવશે અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કરી દેવામાં આવ્યું છે અને તેને પણ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે.

ભારતમાં એકલું જમ્મુ-કાશ્મીર જ નહોતું જેને એક વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

ભારતીય બંધારણની કલમ 371 હેઠળ દેશનાં અન્ય રાજ્યોને પણ વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે.

જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કેટલાંક પૂર્વનાં રાજ્યો માટે પણ બંધારણમાં વિશેષ જોગવાઈએ કરવામાં આવી છે.
 

ગુજરાત માટે કઈ વિશેષ જોગવાઈઓ છે?

બંધારણની કલમ 370 જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી હતી તેમ કલમ 371 હેઠળ ગુજરાત અને મહારાષ્ટ્રને ખાસ અધિકારો મળેલા છે.

371ના ખંડ 2 મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત માટે રાજ્યપાલની ભલામણને આધારે રાષ્ટ્રપતિ જુદાંજુદાં વિકાસ બોર્ડો બનાવી શકે છે.

તેમાંનાં તમામ બોર્ડનો રિપોર્ટ દર વર્ષે રાજ્યની વિધાનસભામાં મૂકવામાં આવે તે જરૂરી છે.

સમગ્ર રાજ્યની જરૂરિયાતોને ધ્યાને લઈને આ વિસ્તારોના વિકાસખર્ચ માટે નાણાંની ન્યાયી ફાળવણી પણ કરવાની જોગવાઈ છે.

આ વિસ્તારો માટે કલમ 371 હેઠળ ટેકનિકલ શિક્ષણ અને વ્યવસાય-તાલીમ માટે પૂરતી સગવડો તથા રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની સેવાઓમાં નોકરી માટેની પૂરતી તકોની જોગવાઈ કરી શકાય છે.

આ જ કલમમાં મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડા માટે ઉપરોક્ત જોગવાઈઓ લાગુ પડે છે.

જોકે, અનુચ્છેદ 371 જમ્મુ-કાશ્મીરને લાગુ પડતો નથી.

પહેલાં બંધારણ કલમ 371માં ખંડ 2માં ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાને 'મુંબઈ રાજ્ય' શબ્દનો ઉપયોગ થતો હતો.

જોકે, મુંબઈ પુનર્રચના અધિનિયમ, 1960 (સન 1960ના 11મા)ની કલમ 85થી 'મુંબઈ રાજ્ય' એ શબ્દોને સ્થાને 'મહારાષ્ટ્ર અથવા ગુજરાત રાજ્ય' શબ્દો મુકાયા છે.
 

આ રાજ્યો માટે પણ કરાઈ છે ખાસ જોગવાઈઓ

કલમ 371 હેઠળ ઉત્તર પૂર્વ ભારતમાં સ્થાનિક આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણના હેતુથી રાજ્યો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

જેમાં કલમ 371A મુજબ નાગાલૅન્ડ માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.

કલમ 371A મુજબ ભારતની સંસદમાં પસાર કોઈ પણ કાયદો - જે નાગાલૅન્ડના સ્થાનિક લોકોની ધાર્મિક કે પછી સામાજિક પરંપરાઓને લગતો હોય, રૂઢિગત કાયદાઓ કે પછી પ્રક્રિયાઓ, નાગા સમુદાયના પરંપરાગત કાયદાઓના આધારે લીધેલા નાગરિક અથવા ન્યાયિક વહીવટના નિર્ણયો, સંપત્તિની માલિકી અને ટ્રાન્સફર તથા ત્યાંના સંસાધનોને લગતો હોય તો તે સીધો લાગુ પડતો નથી.

સંસદ દ્વારા પસાર આવા કોઈ પણ કાયદા માટે નાગાલૅન્ડની વિધાનસભાની મંજૂરી જરૂરી છે અને વિધાનસભાએ આ અંગેનો પ્રસ્તાવ લાવવો પડે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ વિપક્ષી નાગા પીપલ્સ ફ્રન્ટના પ્રવક્તા અચુમ્બેમ્બો કિકૉને કહ્યું, "વિપક્ષી પાર્ટી હોવાને નાતે અમને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર નાગાલૅન્ડમાં એ રસ્તો નહીં લે જે જમ્મુ-કાશ્મીરમાં લેવામાં આવ્યો હતો, નહીં તો નાગા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચશે અને તેનાં ગંભીર પરિણામ આવશે."

તેમનું કહેવું છે કે નાગાલૅન્ડ અને જમ્મુ-કાશ્મીરમાં અંતર છે કારણ કે નાગાલૅન્ડને એક સમજૂતી હેઠળ રાજ્ય બનાવવામાં આવ્યું હતું.

જોકે, એ પણ સત્ય છે કે કલમ 371 હેઠળ નાગાલૅન્ડને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને કારણે ત્યાંની રાજકીય સમસ્યાનું સમાધાન આવી શક્યું નથી.