ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (11:44 IST)

જન્માષ્ટમી જ્યાં રંગેચંગે ઉજવાય છે તે દ્વારકાનગરી દરિયામાં સમાઈ ગઈ હતી?

"આજે તમે જે શહેર જુઓ છો, તે 'મૉર્ડન દ્વારકા' નગરી છે. જે માંડ 2500 વર્ષ જૂની છે. કૃષ્ણની દ્વારકા 'સુવર્ણનગરી' હતી પરંતુ કૃષ્ણના સ્વર્ગારોહણ બાદ ભયંકર જલપ્રલય થયો અને આખી નગરી તેમાં ડૂબી ગઈ."
અરબી સમુદ્રના કિનારે આવેલા દ્વારકા શહેરની મુલાકાત લો એટલે કોઈ સ્થાનિક કે ગાઇડના મોઢે આ વાત સાંભળવા મળી જશે.
ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકા એ હિંદુઓનાં ચાર સૌથી પવિત્ર યાત્રાધામમાંથી એક છે. હિંદુ માન્યતા પ્રમાણે દ્વારકાનો સમાવેશ 'સપ્ત પુરી'માં થાય છે.
દર વર્ષે જન્માષ્ટીના તહેવાર દરમિયાન દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ શહેરની મુલાકાત લે છે અને કૃષ્ણના જન્મોત્સવમાં ભાગ લે છે.
ભારતનાં કેટલાંક શહેરો માટે અને પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓમાં 'સુવર્ણનગરી' જેવી માન્યતાઓ પ્રવર્તે છે.
જે મુજબ અચાનક જ કોઈ જળ હોનારત થઈ હોય આખું શહેર દરિયામાં સમાઈ ગયું હોય.
આવી માન્યતાઓને પગલે ભૂસ્તરશાસ્ત્રમાં 'જિયોમાયથૉલૉજી'ના નામે તરેહ વિકસી છે.
 
"એક ભયાનક રાતે દેવોએ પૃથ્વી પર આગ અને ભૂકંપની વણજાર ઉતારી, જેમાં અટ્લાન્ટિસના યુટોપિયન સામ્રાજ્યનો નાશ થયો. આખું નગર દરિયામાં સમાઈ ગયું, જે ફરી ક્યારેય જોવા ન મળ્યું."
લગભગ 2,300 વર્ષ અગાઉ પ્લેટોએ વહેતી કરેલી પુરાણકથા આજે પણ સાંભળનારને જકડી રાખે છે.
કેટલાક માને છે કે આ શહેર ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું હતું, અન્યોની માન્યતા છે કે પશ્ચિમ આફ્રિકા પાસે સ્પેનની નજીક આવેલું હતું, તો એક વર્ગ માને છે કે તે શહેર ઍન્ટાર્ટિકાની નીચે આવેલું હતું.
એક પ્રચલિત માન્યતા એવી છે કે આ કિંવદંતી ગ્રીક ટાપુ સૅન્ટોરિની સાથે જોડાયેલી છે, જે સેંકડો વર્ષ અગાઉ થેરાના નામથી ઓળખાતો. લગભગ 3,600 વર્ષ પહેલાં અહીં જ્વાળામુખી ફાટ્યો હતો, જેમાં અડધો ટાપુ નાશ પામ્યો હતો.
 
ગ્રીકના સૅન્ટોરિની ટાપુ માટે પણ આવી માન્યતા પ્રવર્તે છે
બધા નહીં તો મોટાભાગના વિજ્ઞાનીઓ માને છે કે અટ્લાન્ટિસનું સામ્રાજ્ય ક્યાં આવેલું છે તે વિશે આપણે ક્યારેય નહીં જાણી શકીએ.
વિશ્વભરમાં પ્રલય, જલપ્રલય, વિનાશ, જ્વાળામુખી જેવી ઘટનાઓમાં પૂર કે શહેર ડૂબી જવાની માન્યતાઓ કે ઘટનાઓની કોઈ કમી નથી.
જેને પગલે 1966માં વિજ્ઞાની ડૉરથી વિટાલિયાનોએ ભૂસ્તરશાસ્ત્રની ઉપશાખા જિયોમાયથૉલૉજીની સ્થાપના કરી, જેનો હેતુ કોઈ 'પૌરાણિક માન્યતા કે દંતકથા પાછળની ભૂસ્તરીય ઘટના' વિશે તપાસ કરવાનો હતો.
'નગર ડૂબી ગયું'ની આવી જ માન્યતાઓ ભારતમાં પણ પ્રવર્તે છે.
 
જેરુસલેમ : ભૂગર્ભમાં બનેલું એવું શહેર જે છે માત્ર મૃતકો માટે
સુવર્ણનગરી દ્વારકા
 
ઈ. સ. 1600ની આસપાસ હરિવામસા રચિત 'સુવર્ણનગરીમાં કૃષ્ણ'
હિંદુઓમાં પ્રચલિત માન્યતા પ્રમાણે મથુરા પર કૃષ્ણનું શાસન હતું અને તેઓ યાદવકૂળના 'સર્વોચ્ચ નેતા' હતા.
જરાસંઘ તથા શિશુપાલના વારંવારના હુમલાઓથી પ્રજાને બચાવવા માટે તેમણે હાલના સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્ર પાસે ગોમતી નદીના કિનારે દ્વારકાના નામે નવું શહેર સ્થાપ્યું હતું.
નવા શહેરને કારણે તેમને 'દ્વારિકાધીશ' અને યુદ્ધ (રણ)નું મેદાન છોડ્યું હોવાથી 'રણછોડ' નામ મળ્યાં.
અહીં કૃષ્ણે ધર્મરાજ્યની સ્થાપના કરી, તેમણે દેહત્યાગ કર્યો તે પછી જલપ્રલય થયો અને દ્વારિકા નગરી અરબી સમુદ્રમાં સમાઈ ગઈ.
હિંદુઓ માને છે કે બ્રહ્યાએ 'સૃષ્ટિના સર્જનહાર', વિષ્ણુએ 'સૃષ્ટિના પાલનહાર' અને શિવએ 'સૃષ્ટિના સંહારક' દેવ છે.
કૃષ્ણએ વિષ્ણુનો 'આઠમો અવતાર' છે, જેમના જન્મપ્રસંગને 'જન્માષ્ટમી' તરીકે ઊજવવામાં આવે છે.
370 હઠાવાયા બાદ લેહમાં રહેતા કાશ્મીરીઓનું શું માનવું છે?
દરિયામાં શું થયું હતું?
 
20 હજાર વર્ષ પૂર્વે પૃથ્વી આવી દેખાતી હશે
યુનિવર્સિટી ઑફ ધ સનશાઇન કૉસ્ટ (ક્વિન્સલૅન્ડ, ઑસ્ટ્રેલિયા)ના ભૂસ્તરશાસ્ત્રી પેટ્રિક નનના કહેવા પ્રમાણે, "તમે આ શહેરોમાં પ્રચલિત માન્યતા સાંભળો તો તે એક જ વાત કહે છે."
"દરિયામાં અતિ વિશાળ લહેરો આવી અને શહેરો તથા ત્યાં રહેતા લોકોને ગળી ગઈ."
પેટ્રિક નન માને છે કે કાળેક્રમે હિમયુગમાં દરિયાનું જળસ્તર ધીમે-ધીમે વધ્યું હશે અને સુનામીએ 'બાકીનું કામ' પતાવ્યું હશે.
પેટ્રિક નન કહે છે, "એક તરફ દરિયાનું જળસ્તર વધી રહ્યું હશે, અધૂરામાં પૂરું સુનામી આવી, જેના કારણે વિનાશ થયો."
"જો દરિયાનું જળસ્તર વધ્યું ન હોત તો વિશાળ લહેરો જંગી વિનાશ ન વેરી શકી હોત."
જોકે, આપણને આવી મંથરગતિએ ચાલતી વિનાશની વાતોમાં રસ નથી પડતો અને તે 'ગ્લૅમરસ' નથી જણાતી.
યુનિવર્સિટી ઑફ વૅલ્સ ટ્રિનિટી સૅન્ટ ડૅવીડના જિયોઆર્કિયૉલૉજિસ્ટ માર્ટિન બૅટ્સના કહે છે, "મનુષ્યને સ્વભાવગત રીતે ડિઝાસ્ટર સ્ટોરીઝ ગમે છે, પરંતુ કાળક્રમે આવેલું પરિવર્તન સમજાતું નથી."
ભારત-પાક તણાવ વચ્ચે LOC પર અટવાયેલા લોકોની સ્થિતિ
ભારતનું મહાબલિપુરમ્
મહાબલિપુરમ્ પાસે જળગરકાવ થઈ ગયેલાં એક મંદિરની તસવીરImage copyrightPSPK, CC BY 1.0
ફોટો લાઈન
મહાબલિપુરમ્ પાસે જળગરકાવ થઈ ગયેલું એક મંદિર
ભારતના દક્ષિણ છેડે આવેલા Poompuhar (તમિલમાં તેનું ઉચ્ચારણ બૂમબુહાર) તથા પ્રાચીન શહેર મહાબલિપુરમ અંગે પણ સમાન પ્રકારની માન્યતા પ્રવર્તે છે.
જેવી માન્યતા ભારતના પશ્ચિમ છેડે દ્વારકામાં પ્રવર્તે છે, તેવી જ માન્યતા દેશના દક્ષિણ છેડે પણ પ્રવર્તે છે.
2004માં હિંદ મહાસાગરમાં સુનામી બાદ મહાબલિપુરમનો કાટમાળ 'ફરી દેખાયો' છે એવું લોકો માને છે.
સ્થાનિકો માને છે 'દરિયાની અતિ વિશાળ લહેરો આવી અને જમીની વિસ્તાર પર ફરી વળી, જેમાં અહીં રહેતી માનવવસતી તણાઈ ગઈ.'
મિથ અને જિયોલૉજી વિશેના પુસ્તકના સહ-સંપાદક તથા ઍન્વાયરમૅન્ટલ આર્કિયૉલૉજિસ્ટ બ્રૂસ માસે માને છે :
"માન્યતાઓ એ સમાજ પર વિનાશકારી અસર કરનારી કોઈ એક કે એક કરતાં વધારે ઘટનાઓના સમૂહ પર આધારિત હોય છે."
જ્યાં ચાદર પર લોહીનો ડાઘ જોઈને જ અપાય છે લગ્નના આશિષ
કિંવદંતીનું ઑસ્ટ્રેલિયા કનેકશન?
 
ઑસ્ટ્રેલિયાના મૂળ આદિવાસીઓમાં જળસ્તર વધવાની અનેક કિંવદંતીઓ પ્રવર્તે છે
લગભગ વીસ હજાર વર્ષ પહેલાં પૃથ્વી પર (હાલનો છેલ્લો જાણીતો) હિમયુગ પ્રવર્તમાન હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં દરિયાનું જળસ્તર 120 મીટર (393 ફૂટ) વધી ગયું છે.
ત્યાર પછીના 13 હજાર વર્ષ સુધી પૃથ્વીનું તાપમાન વધતું રહ્યું, જેનાં કારણે બરફ પીગળતો રહ્યો અને ધીમેધીમે દરિયાનું જળસ્તર વધતું રહ્યું.
ઑસ્ટ્રેલિયામાં સ્થાનિક આદિવાસીઓનું અસ્તિત્વ 65 હજાર કે તેથી પણ વધારે વર્ષથી હોવાનું માનવામાં આવે છે.
1788માં યુરોપિયનો ઑસ્ટ્રેલિયા પહોંચ્યા, તે પહેલાં સુધી અહીં બીજી કોઈ સંસ્કૃત્તિનું આગમન થયું ન હતું, જેથી મૂળ નિવાસીઓની લોકવાયકાઓ અને લોકમાન્યતાઓ યથાવત્ રહેવા પામ્યાં હતાં.
લગભગ 21 જેટલી કિંવદંતીઓમાંથી તેમને જાણવા મળ્યું કે જળસ્તર વધવાને કારણે ઑસ્ટ્રેલિયાનો બહોળો વિસ્તાર દરિયાના પેટાળમાં સમાઈ ગયો.
 
દરિયા કિનારે માછીમારી કરી રહેલા ઑસ્ટ્રેલિયાના આદિવાસી
ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઑફ ન્યૂ ઇંગ્લૅન્ડ ખાતે ભાષાશાસ્ત્રી નિકોલસ રેડ તથા ભૂસ્તરશાસ્ત્રી પેટ્રિક નને મળીને મૂળ ઑસ્ટ્રેલિયન આદિવાસી સમાજમાં પ્રવર્તમાન લોકકથાઓ તથા લોકવાયકાઓનો અભ્યાસ કર્યો.
રેડના કહેવા પ્રમાણે, "ઑસ્ટ્રેલિયામાં રહેવું ખૂબ જ દુષ્કર હતું. પર્યાવરણ, ખોરાક, શિકાર તથા જમીનને લગતી માહિતી પેઢી દર પેઢી આગળ વધે તે તેમના અસ્તિત્વ માટે જરૂરી હતું."
દર વર્ષે દરિયાની સપાટી વધવાના તથ્યથી તેઓ વાકેફ હતાં. ઑસ્ટ્રેલિયા જેવા પ્રદેશમાં સમુદ્રનાં જળસ્તરમાં સામાન્ય એવો વધારો સેંકડો એકર જમીનને દરિયામાં સમાવી લે છે.
વિજ્ઞાનીઓ માને છે કે 'લેખિત સ્વરૂપ' વગર કોઈપણ લોકવાયકા કે લોકકથા આઠસો વર્ષ કરતાં વધુ સમય સુધી 'યથાવત્' સ્વરૂપે ન રહી શકે.
જોકે, રેડ માને છે, "પિતા તેનાં સંતાનોને કિંવદંતી કહેતા. જેઓ સુનિશ્ચિત કરતા કે એ કિંવદંતી તેમના ભત્રીજા, ભાણેજ તથા અન્ય સુધી મૂળભૂત સ્વરૂપમાં પહોંચે."
 
દરિયાનું જળસ્તર વધતા કિરિબાતી જળગરકાવ થઈ જાય તેવી શક્યતા છે
ઑસ્ટ્રેલિયાની કેટલીક લોકકથાઓનું વર્ણન સાત થી 10 હજાર વર્ષ જૂની ભૂસ્તરીય ઘટનાને મળતું આવે છે.
ઑસ્ટ્રેલિયા ખંડમાં હજારો વર્ષ સુધી પરદેશીઓનો પગપેસારો થયો ન હતો, જેનાં કારણે ત્યાંની લોકવાયકાઓ કે લોકકથાઓમાં કોઈ ભેળસેળ થઈ ન હતી.
ભારતમાં 'સુવર્ણનગરી'ની કિંવદંતીને આગળ વધારવામાં 'શ્રુતિ અને સ્મૃતિ' પરંપરાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હશે.
વળી દ્વારિકા એ હિંદુઓની પવિત્ર નગરી હોવાથી અલગ-અલગ પ્રાંત અને ભાષાના લોકો અહીંની મુલાકાત લેતા, જેણે આ માન્યતાને ફેલાવી હશે.
ચિદમ્બરમની ધરપકડ અને ગુજરાતનું અમિત શાહ કનેક્શન
સુવર્ણનગરી વિશે સંશોધન
 
1963માં ભારતીય પુરાતત્ત્વીય વિભાગને અરબી સમુદ્રના પેટાળમાંથી કેટલાક અવશેષો મળ્યા હતા.
જિયોમાયથૉલૉજી તથા મરીન આર્કિયૉલૉજીમાં નિષ્ણાત ગોવાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશનૉગ્રાફી (NIO)ને 1982માં નોંધપાત્ર સફળતા મળી હતી.
ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે અરબી સમુદ્રના પેટાળમાં સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અર્ધગોળાકાર તથા લંબચોરસ પથ્થર જોવા મળ્યા છે.
આજુબાજુના વિસ્તારમાં અલગ-અલગ સાઇઝના આવા અનેક પથ્થર જોવા મળ્યા હતા. વૈજ્ઞાનિકો માને છે કે આ પથ્થરો 'એક જ માળખા'ના છે.
ઇન્સ્ટિટ્યૂટના નિષ્કર્ષ પ્રમાણે, ઈ.સ. 10મી અને 14મી સદી દરમિયાન દ્વારકા ધમધમતું બંદર હશે.
કચ્છના અખાત પાસે આવેલ બેટ દ્વારકામાંથી ઈ.સ. પૂર્વે ત્રીજી સદીના અવશેષ મળ્યા છે, પરંતુ 'સુવર્ણનગરી દ્વારિકા'ના અસ્તિત્વને પુરવાર કરે, તેવાં કોઈ નક્કર પુરાવા સાંપડ્યા નથી.
 
 
100ની નોટ પરની રાણકી વાવમાં એક ડોકિયું
જોકે, અહીંથી 450 કિલોમીટર દૂર ખંભાતના અખાતના દરિયાકિનારે દરિયા પેટાળમાંથી કેટલાક અવશેષ મળી આવ્યા છે. જે ઈ.સ. પૂર્વે 7,600 વર્ષ જૂના છે.
છેલ્લા લગભગ એક દાયકા દરમિયાન આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાની દરિયાઈ પાંખને સમુદ્રના પેટાળમાંથી અનેક પુરાતત્વીય સિક્કા તથા ચીજો મળી છે.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીએ દ્વારકાના દરિયા કિનારે અંડરવૉટર રૉબૉટિક વિહિકલ્સ દ્વારા સંશોધન માટે વિચારણા હાથ ધરી હોવાના અહેવાલ પણ હતો.
કેન્દ્રની સરકારના વડા પ્રધાન તથા અન્ય પ્રધાનો માને છે કે રામાયણ તથા મહાભારતનો યુગ હતો અને ભારતની પ્રાચીન સંસ્કૃતિ 'આજના જેટલી જ' કે 'આજથી પણ વધારે' આધુનિક હતી.
જો દ્વારકાના કિનારે કોઈ નક્કર પુરાવા મળે તો આવી માન્યતાઓને 'ઐતિહાસિક અને વૈજ્ઞાનિક આધાર' મળી શકે તેમ છે.
પેટ્રિક નન કહે છે, "અમે ભૂસ્તરશાસ્ત્રીઓ ઉપલબ્ધ પુરાવાઓના આધારે અનુમાન કરી શકીએ 'આમ થયું હશે', પરંતુ નક્કર રીતે પુરવાર ન કરી શકીએ કે 'આમ જ' થયું હતું.
"જો કોઈ કહે કે 'મેં જોયું હતું, તે આ પ્રકારે ઘટ્યું હતું', તો આવી આનુષંગિક માન્યતા સર્વશ્રેષ્ઠ સમર્થન બની રહે છે."