ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 26 જુલાઈ 2019 (12:38 IST)

ગુજરાતનું એ ગામ જ્યાં દાતણ અને લોટો અપાવે છે ન્યાય!

ભાર્ગવ પરીખ
બીબીસી ગુજરાતી માટે

 
તમે શું માનો છો કે એક લોટો અને દાતણ આખાય ગામને ધમરોળી નાખે? જી હાં, આવું જ થયું છે અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં. આ ગામ એટલે મહેસાણા જિલ્લાનું પાંચોટ.
આ ગામમાં સર્વસામાન્ય નિયમ છે કે સૂરજ ઊગે, કૂકડો બોલે, સવાર પડે અને મંદિરમાં આરતી થાય.
જોકે, ગામની વચ્ચે આવેલા મંદીર પાસે જઈને કોઈ લોટો અને દાતણ લઈને બેસી જાય તો મંદીરમાં આરતી પણ થતી નથી અને ભગવાનને પ્રસાદ ધરાવાતો નથી.
ગામમાં એવો રિવાજ છે કે ગામમાં કોઈને પણ અન્યાય થયો હોય તો તરત સવારે રામજી મંદીરના ઓટલે જઈને લોટો અને દાતણ લઈને આવીને બેસી જાય છે.
કોઈ આવી રીતે બેસી જાય એટલે ગામ આખું તાબડતોબ ભેગું થાય અને ન્યાય કરે પછી જ ગામમાં લોકો બીજા કામની શરૂઆત કરે છે.
કેવી રીતે ન્યાય થાય છે?
મંદિરે બેઠેલા વ્યક્તિ
આ ગામમાં હેમંત પટેલને એમના કાકા જયરામભાઈ સાથે મિલકતની વહેંચણી બાબતે ઝઘડો થયો.
હેમંતને લાગ્યું તેમને કાકા તરફથી મિલકતની વહેંચણીમાં અન્યાય થઈ રહ્યો છે. એટલે એ સવારે રામજી મંદીરના ઓટલે આવીને બેસી ગયા.
મંદીરના પૂજારી વસંતભાઈ શાસ્ત્રીજીએ મંદીરમાં ભગવાનનો ભોગ ધરાવવાનું બંધ કર્યું, આરતીના થઈ એટલે ધીરે ધીરે ગામવાળા લોકો રામજી મંદીરના ઓટલે ભેગા થવા માંડ્યા.
ગામના આગેવાનોએ પહેલાં તો હેમંતને સમજાવીને તેમની પાસેથી લોટો અને દાતણ લઈ લીધું.
 
થોડીવારમાં ગામના આગેવાન જયરામભાઈને બોલાવવામાં આવ્યા.
હેમંતની માગણી હતી કે આ સહિયારી મિલકત છે એટલે ખેતરનો 70 ટકા ભાગ એમને મળે અને કાકાને એક જ દીકરી હોવાથી તેમને માત્ર 30 ટકા ભાગ મળે.
ગામના લોકોએ બન્નેની વાત સાંભળી અને છેવટે ચુકાદો આવ્યો કે બન્નેને ભાગમાં 45-45 ટકા જમીન મળે અને 10 ટકા જમીનમાં જે ઊપજ થાય તેનું અન્નક્ષેત્રમાં દાન કરી દેવું.
છેવટે કાકા-ભત્રીજા વચ્ચે સમાધાન થયું. હેમંતની જેમ આ ગામમાં દરેક લોકો પોતાની સમસ્યા માટે કોર્ટનાં પગથિયાં ચડતાં નથી અને ગામમાં જ ન્યાય મેળવે છે.
પહેલાં ન્યાય પછી ચા
ગામના મંદિરે આવેલા લોકો
વર્ષોથી ચાલી આવતી આ ન્યાયપ્રણાલીમાં સૌને વિશ્વાસ છે.
પંચાયતના સૌથી સિનિયર સભ્ય મણિભાઈ પટેલ કહે છે કે અમારા ગામમાં ન્યાય તોળવાની આ પ્રથા ગાયકવાડી રાજના સમયથી ચાલી આવે છે.
વાપીમાં પોતાનો ધંધો છોડી પાંચોટ ગામમાં પરત આવેલા અશોકભાઈ પટેલ કહે છે કે અમારા ગામમાં લોટો અને દાતણ લઈને મંદીરના ઓટલે બેસવાનો મતલબ એ છે કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી એ દાતણ નહીં કરે, એટલે ચા સુધ્ધાં નહીં પીવે.
 
પાંચોટ ગામમાં ન્યાય મેળવવા માટે કોઈ કોર્ટનાં પગથિયાં ચડતું નથી. હા, ખૂન, લૂંટ કે ધાડ પાડવાનો, ચોરી-ચપાટીનો કેસ હોય તો જ લોકો પોલીસ અને કોર્ટ પાસે જાય છે. બાકી તમામ પ્રકારના કેસ અહીં ગામમાં જ નિપટાવાય છે.
કોર્ટમાં કેસોનું ભારણ
ગામના મંદિરે બેઠેલા વૃદ્ધો
રિટાયર્ડ એસીપી નરેશ પટેલ કહે છે, "મેં જ્યારે આ વિસ્તારમાં નોકરી કરી ત્યારે અનેક ગામમાંથી કેસ આવતા હતાં પરંતુ પાંચોટ ગામમાંથી કોઈ કેસ આવતો ન હતો."
"જ્યારે મેં જાત તપાસ કરી તો ખબર પડી કે નાનો મોટો ઝઘડો, ટંટો-ફસાદ હોય તો ગામમાં એનો ન્યાય મળી જતો, એટલે કોઈ પોલીસ સુધી પણ આવતું નહીં."
પાંચોટ ગામમાં ચાલતી સમાંતર અદાલત વિશે ગુજરાતના ભૂતપૂર્વ જિલ્લા ન્યાયાધીશ પી જે ધોળકિયા કહે છે, "આ પ્રકારે ગામના આગેવાનો દ્વારા કોર્ટના બદલે સમસ્યાઓનો નિકાલ લાવવો આવકારદાયક છે. કારણ કે કોર્ટમાં કેસોનું ભારણ વધુ હોય છે અને નિરાકરણ આવતા સમય લાગે છે. ત્યારે આ પ્રક્રિયા સરળ છે."
"સરકાર લોક અદાલતો ચલાવે છે તેનું કારણ પણ આ જ છે કે સરકાર કોર્ટની બહાર લોક અદાલત દ્વારા કેસોનો નિકાલ થાય ત્યારે કોર્ટમાંથી કેસોનું ભારણ ઘટી જાય છે."
 
ધોળકિયા વધુમાં કહે છે, "જ્યારે તેઓ ગુજરાત સરકારમાં કાનૂની સચિવ હતા ત્યારે પાંચોટની જેમ બીજા ગામોમાં પણ આવી જ રીતે ક્રિમિનલ કેસો સિવાયના કેસોનો નિકાલ થાય તેવા પ્રયાસો તેમણે કર્યા હતા. જેથી અદાલતોમાં કેસોનું ભારણ ઘટે."
ગામમાં ગરીબો માટે અન્નક્ષેત્ર
 
જોકે, ધોળકીયા આગળ કહે છે, "આ પ્રકારે કોર્ટની બહાર ન્યાય કરવાથી ખાપ પંચાયતો જેવી પંચાયતોને પ્રોત્સાહન ન મળવું જોઈએ. અલબત્ત ગુજરાતના કેટલાક આદિવાસી વિસ્તારોમાં હજુ પણ આવી ન્યાયપ્રથા ક્યાંક ચાલતી હતી તે બંધ કરાવાઈ છે."
"ખૂન, લૂંટ, ધાડ અને હિંસક બાબતોમાં ન્યાય માટે લોકોએ કોર્ટનો જ સહારો લેવો જોઈએ. નહીં કે પંચાયતોનો જેથી રાજ્યએ નક્કી કરેલી ન્યાય પ્રણાલી જળવાઈ રહે, એ વ્યવસ્થા બરકરાર રહે."
આ ગામમાં રહેતા દરેક જ્ઞાતિના લોકો પોતાની ખેતીમાં પાકતા અનાજનો અમુક હિસ્સો દાનમાં આપે છે અને એના કારણે આસપાસના ગામના ગરીબો માટે અન્નક્ષેત્ર ચાલે છે.
એટલું જ નહીં ગામના 251 લોકોએ દેહદાનનો સંકલ્પ કરેલો છે. જેથી મૃત્યુ પછી પણ તબીબી કામમાં આવી શકે.