રવિવાર, 17 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By રેહાન ફઝલ|
Last Updated : સોમવાર, 30 ડિસેમ્બર 2019 (10:51 IST)

એ વિક્રમ સારાભાઈની કહાણી જેમને ચંદ્રયાત્રાનો પાયો નાખ્યો હતો

12 ઑગસ્ટ 1919ના રોજ અમદાવાદના મિલમાલિક અંબાલાલ સારાભાઈના ઘરે પુત્રજન્મ થયો ત્યારે સૌનું ધ્યાન તેના કાન તરફ ગયું હતું. શિશુના કાન એટલા મોટા હતા કે તે જોઈને મોટા ભાગના લોકોએ કહ્યું કે ગાંધીજીના કાનને મળતા આવે તેવા કાન છે. અંબાલાલના નિકટના લોકોએ મજાક પણ કરી કે કાનને પાનની જેમ વાળી પણ શકાશે. આ બાળકનું નામ રાખવામાં આવ્યું વિક્રમ - વિક્રમ અંબાલાલ સારાભાઈ.
 
તે વખતે સારાભાઈના અમદાવાદના નિવાસસ્થાને ભારતના ટોચના બુદ્ધિજીવી અને વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર અને સી. વી. રમણ, જાણીતા ઇતિહાસકાર જદુનાથ સરકાર, રાજનેતા અને વકીલ ભુલાભાઈ દેસાઈ, પ્રસિદ્ધ નૃત્યાંગના રુક્મણી અરુંદેલ અને ચિંતક ગુરુ જિદ્દૂ કૃષ્ણમૂર્તિ જેવા લોકોના ઉતારા રહેતાં હતાં. 1920માં રવીન્દ્રનાથ ટાગોર અમદાવાદ આવ્યા ત્યારે પણ સારાભાઈના ઘરે જ રોકાયા હતા.
 
વિક્રમ સારાભાઈની જીવનકથા લખનારાં અમૃતા શાહ કહે છે, "ટાગોરને કોઈનું પણ કપાળ જોઈને તેમના વિશે ભવિષ્યવાણી કરવાનો શોખ હતો. નવજાત વિક્રમને તેમની સામે લાવવામાં આવ્યા ત્યારે તેમનું અસામાન્ય રીતે પહોળું અને મોટું કપાળ જોઈને ટાગોરે કહેલું, 'આ બાળક એક દિવસ મોટું કામ કરી બતાવશે.'"
હંમેશાં વિચારોમાં તલ્લીન
 
યુવાનવયે વિક્રમ સારાભાઈએ કૅમ્બ્રિજમાં ભણવા જવાનો નિર્ણય કર્યો ત્યારે ટાગોરે તેમને ભલામણપત્ર પણ લખી આપ્યો હતો. વિક્રમ સારાભાઈનાં પુત્રી મલ્લિકા સારાભાઈ ભારતનાં અગ્રણી નૃત્યકારોમાં સ્થાન પામે છે. મલ્લિકા કહે છે કે તેમણે હંમેશાં પોતાના પિતાને વિચારોમાં ખોવાયેલા જોયા હતા. જાણીતા ચિત્રકાર રોડાંની કલાકૃતિ 'થિન્કર'ની જેમ તેઓ ગાલ પર હાથ રાખીને વિચારની મુદ્રામાં જ હોય.
 
મલ્લિકા યાદ કરતાં કહે છે, "મારા પિતા જમીન સાથે જોડાયેલા માણસ હતા. દરેકની વાત બહુ ધ્યાનથી સાંભળતા હતા. હંમેશાં ખાદીનાં કુરતાં-પાયજામા પહેરતા."
 
"જરૂર હોય તો જ સૂટ પહેરતા હતા. તે પછી તેની સાથે બૂટ પહેરવાના બદલે કોલ્હાપુરી ચપ્પલ પહેરતા. અમે બંને ભાઈબહેન પર તેમને બહુ ગૌરવ હતું."
 
"તેઓ લોકતાંત્રિક પ્રકારના માણસ હતા. મને યાદ છે કે એક વખત કાર ખરીદવાની હતી, ત્યારે અમને બધાને પૂછ્યું હતું કે કેવા રંગની લેવી છે. હું ત્યારે ત્રણ જ વર્ષની હતી."
 
"મેં જીદ કરી કે અમ્માની કાર ગુલાબી રંગની હોવી જોઈએ. તેમણે અને મારી માતાએ ત્રણ દિવસ સુધી મને સમજાવી હતી. તે પછી હું માની ત્યારે કાળા રંગની ફિઆટ કાર ખરીદવામાં આવી હતી."
 
હોમી ભાભાએ જીવનસાથી સાથેમુલાકાત કરાવી
 
કૅમ્બ્રિજથી પરત આવ્યા પછી વિક્રમ સારાભાઈ બેંગુલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં જોડાયા હતા. નોબેલ પુરસ્કાર મેળવનારા સી. વી. રમણની દેખરેખમાં તેમણે પોતાનું સંશોધન આગળ વધાર્યું હતું.
 
અહીં જ તેમની મુલાકાત મહાન અણુવિજ્ઞાની હોમી જહાંગીર ભાભા સાથે થઈ હતી. તેમણે જ મશહૂર નૃત્યાંગના મૃણાલિની સ્વામીનાથન સાથે તેમની મુલાકાત કરાવી હતી. મૃણાલિની સાથે બાદમાં તેમનાં લગ્ન થયાં હતાં.
 
મલ્લિકા કહે છે, "હોમી પણ સારી વસ્તુઓના પારખુ હતા. કલાકાર હતા અને પોતે પણ ચિત્રો દોરતા. મારા પિતા સાથે તેમને બહુ સારી દોસ્તી હતી."
 
"તેઓ હંમેશાં મારા પિતાને ચીડવતા કે તમે આટલા સુંદર ભારતીય વસ્ત્રોમાં કેમ ફરો છો? એક વિજ્ઞાની જેવાં વસ્ત્રો કેમ પહેરતા નથી? મારી માતા અને ભાભા બૅડમિન્ટન પાર્ટનર હતાં. તેમણે જ મારી માતાની મુલાકાત પ્રથમવાર મારા પિતા સાથે કરાવી હતી."
 
મજાની વાત એ છે કે શરૂઆતમાં બંનેને એકબીજા પ્રત્યે આકર્ષણ થયું નહોતું.
 
અમૃતા શાહ કહે છે, "મૃણાલિની અને વિક્રમ પહેલીવાર મળ્યાં ત્યારે એકબીજાને પસંદ પડ્યાં નહોતાં. મૃણાલિની ટેનિસ શૉર્ટ્સમાં હતાં અને વિક્રમને તેમની એવી વેશભૂષા ગમી નહોતી."
 
"ત્યારબાદ તેઓ ખૂબ લગન સાથે ભરતનાટ્યમ્ શીખવા લાગ્યાં હતાં. તેઓ ભરતનાટ્યમ્ સાથે એટલા જોડાઈ ગયાં હતાં કે તેમણે અવિવાહિત રહેવાનું જ નક્કી કર્યું હતું. તે દરમિયાન વિક્રમ સાથે તેમની મુલાકાતો થવા લાગી હતી. તેઓ સાથે મકાઈના ડોડા ખાવા ખાસ જતાં."
 
"શાંતિ નિકેતનના પ્રવાસ વખતે શીખેલાં બંગાળી ગીતો મૃણાલિની તેમને ગાઈ સંભળાવતાં. વિક્રમ તેમને કાલિદાસની પંક્તિઓ સંભળાવતા."
 
ના-ના કરતા થયાં લગ્ન અને ટ્રેનમાં જ હનીમૂન
 
બંને બહારથી એવું કહેતાં હતાં કે લગ્ન કરવાની કોઈ ગણતરી નથી, પણ ધીમે-ધીમે બંને વચ્ચે સંબંધો ગાઢ થવા લાગ્યા હતા.
 
તેમનાં લગ્ન પહેલાં વૈદિક પદ્ધતિથી થયાં હતાં અને બાદમાં તેઓએ સિવિલ મૅરેજ પણ કર્યાં હતાં. લગ્ન વખતે મૃણાલિનીએ સફેદ ખાદીની સાડી પહેરી હતી અને ઘરેણાંની જગ્યાએ તેમણે ફૂલોનો શણગાર કર્યો હતો.
 
વિક્રમની ઇચ્છા પ્રમાણે મૃણાલિની અને તેમની એક સખીએ રામાયણનો હરણ વિશેનો પ્રસંગ નૃત્યથી રજૂ કર્યો હતો.
 
લગ્ન થયાં તે જ દિવસે તેઓ ટ્રેનમાં બેંગુલુરુથી અમદાવાદ આવવા માટે રવાના થયાં હતાં. તે વખતે ભારત છોડોનું આંદોલન ચાલી રહ્યું હતું.
 
આંદોલન કરનારા લોકોએ ઘણી જગ્યાએ ટ્રેનના પાટા ઉખાડી નાખ્યા હતા. તેના કારણે 18 કલાકમાં પ્રવાસ પૂરો થવાનો હતો, તેના બદલે 48 કલાક થયા હતા. આ રીતે વિક્રમ અને મૃણાલિનીએ ટ્રેનમાં ફર્સ્ટક્લાસની મુસાફરીમાં જ હનીમૂન મનાવ્યું હતું.
 
વિક્રમ નવવધૂ સાથે અમદાવાદના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં ઉદાસી છવાયેલી હતી. વિક્રમનાં બહેન મૃદુલા સારાભાઈ પણ ભારત છોડો આંદોલનમાં જોડાયાં હતાં અને તેથી તેમને 18 મહિનાની કેદની સજા થઈ હતી.
 
અંબાલાલ સારાભાઈએ સરકારને વિનંતી કરી હતી કે પોતાનાં ભાઈ અને ભાભીને મળવા માટે તેમને જેલમાંથી છોડવામાં આવે. ગવર્નર રૉજર લમલે તે માટે તૈયાર પણ થઈ ગયા હતા, પરંતુ મૃદુલાએ સ્વંય જેલમાંથી બહાર આવવાનો ઇનકાર કરી દીધો હતો.
ક્યારેક વાનર તો ક્યારેક કમળની ભેટ
 
લગ્ન પહેલાં વિક્રમ ભાવિપત્નીને ભેટ આપતા અને તેમનો અંદાજ બહુ અનોખો રહેતો હતો.
 
અમૃતા શાહ કહે છે, "મૃણાલિનીએ એકવાર હસતાં-હસતાં મને કહેલું કે તેમને ક્યારેય રાબેતા મુજબની વસ્તુઓ ભેટમાં નહોતી મળી. તેઓ કરોડપતિ હતા તોય સગાઈ થઈ ત્યારે તિબેટની બહુ સસ્તી, પણ બહુ સુંદર વીંટી મને આપી હતી."
 
"એક વખત શ્રીલંકામાં થતી સ્લેન્ડર નોરિસ નામની પ્રજાતિનો વાનર મને ભેટમાં મોકલ્યો, પણ મેં લીધો જ નહીં. લગ્નના દિવસે તાંબાની તાસકમાં બહુ દુર્લભ ગણાય તેવું નીલા રંગનું કમળનું ફૂલ મોકલ્યું હતું. કોઈ પ્રત્યે પ્રેમની આનાથી વધુ સુંદર અભિવ્યક્તિ હોઈ જ ન શકે."
 
સીટી મારતાં-મારતાં લૅબમાં આવે
 
વિક્રમ સારાભાઈ સતત કામની પાછળ લાગેલા રહેતા. તેઓ વિજ્ઞાની હોવા ઉપરાંત કુશળ વહીવટકર્તા પણ હતા. તણાવમાંથી મુક્ત રહેવા માટે તેઓ હંમેશાં સંગીતનો આશરો લેતા.
 
એવું કહેવાય છે કે તેમની પાસે રેકર્ડ્સનો બહુ મોટો ખજાનો હતો. કુંદનલાલ સાયગલ તેમના પ્રિય ગાયક હતા અને તેમનું ગીત 'સો જા રાજકુમારી' તેમને બહુ જ ગમતું હતું.
 
તેમને સીટી વગાડવાનું બહુ ગમતું હતું. તેમની સાથે કામ કરનારા કહે છે કે તેઓ પ્રયોગશાળામાં આવી રહ્યા છે તેની જાણ તરત થઈ જતી હતી. તેઓ હંમેશાં 'બ્રિજ ઑન ધ રિવર ક્વાઈ' ફિલ્મની ધૂન સીટીમાં વગાડતાં-વગાડતાં આવે.
 
તેઓ સીડી ચડી રહ્યા હોય ત્યાં જ તેમના ચપ્પલ સાથે આ સીટી સંભળાય એટલે સમજવાનું કે તેઓ આવી રહ્યા છે.
 
મલ્લિકા સારાભાઈ યાદ કરતાં કહે છે, 'તેમને પશ્ચિમના શાસ્ત્રીય તથા ભારતીય સંગીતમાં ઊંડો રસ હતો. તેમને ટાગોર અને સાયગલના ગીતો બહુ ગમતા હતા."
 
એક અકસ્માતે આ માણસને ગણિતનો પંડિત બનાવ્યો
 
તંદુરસ્તી અને સ્વાદનો શોખ
 
વિક્રમ સારાભાઈ પોતાનું વજન જાળવવાની બાબતમાં બહુ સજાગ રહેતા હતા. સવારે વહેલા ઊઠીને 12 વાર સૂર્યનમસ્કાર કરતા.
 
તક મળી જાય ત્યારે સ્વિમિંગ કરી લેતા હતા. ઘરમાં ભોજનના ટેબલ પર દહીં, અથાણું, પાપડ અને સલાડ હોય. તેની સાથે બસ એક જ રોટીનો ખોરાક લેતા હતા.
 
ઘણીવાર તેઓ બીજાની થાળીમાંથી કોળિયા ભરી લે અને એવું કહે, "આ મારી થાળી નથી એટલે તેની કૅલરી મને નહીં ચડે."
 
મલ્લિકા કહે છે, "તેમને ખાવાનો બહુ શોખ હતો. પરંતુ હંમેશાં પોતાના વજનનો ખ્યાલ રાખતા હતા. હંમેશાં પાતળા અને ફિટ રહેવાની કોશિશ કરતા."
 
"નવા-નવા સ્વાદ માણવાનો તેમને શોખ હતો. લગ્ન વખતે મારી માતા પૂર્ણપણે માંસાહારી હતી. તેમણે માત્ર શાકાહારી ખાનદાન નહીં, શાકાહારી રાજ્યમાં લગ્ન કર્યાં હતાં."
 
"મારા પિતાને ખાવાનો બહુ શોખ હતો એટલે મારી માતા જુદા-જુદા દેશોની રેસિપીને શાકાહારી બનાવીને ઘરે તૈયાર કરતી હતી."
 
"અમે બાળકો હતાં ત્યારે અમને મેક્સિકન અને સ્પેનિશ ખાણીપીણીનો સ્વાદ દાઢે વળગ્યો હતો. હવે તો બધે ઇટાલિયન ભોજન મળે છે, પણ તે વખતે અમારું જ ઘર એવું હતું કે દુનિયાભરની ખાણીપીણી તૈયાર થતી હતી."
 
લગ્નનાં 25 વર્ષ પછી અન્ય મહિલા સાથે સંબંધ
 
લગ્નનાં 25 વર્ષ પછી વિક્રમ સારાભાઈ કમલા ચૌધરી નામની એક અન્ય મહિલા સાથે પ્રેમમાં પડ્યા હતા. આ વાત તેમણે ક્યારેય છુપાવી નહોતી.
 
મલ્લિકા કહે છે, "કમલા ચૌધરી સાથે પાપાનું 'ઇન્વૉલ્વમેન્ટ' હતું. મને ત્યારે જરાય નહોતું ગમતું અને હું તેમની સાથે દલીલોમાં ઊતરી પડતી હતી. જોકે હું મોટી થઈ પછી મને ખ્યાલ આવ્યો કે બે વ્યક્તિઓને પ્રેમ કરવાનું શક્ય છે."
 
"હું તેમને કહેતી કે તમારે બેમાંથી એકને પસંદ કરી લેવી જોઈએ. તમે બંને સાથે રહી શકો નહીં. અમે ખુલ્લી રીતે ચર્ચા કરતાં કે નૈતિકતા અને પરિવાર માટેની જવાબદારી શું છે."
 
"એક તરફ પરિવાર હોય અને એક તરફ પ્રેમ તો કોનો ત્યાગ કરવો જોઈએ તેની ચર્ચા કરતાં હતાં. કોઈ એકનો ત્યાગ કરવામાં ના આવે અને તેના કારણે બધા લોકોને તકલીફ થાય તો શું તે યોગ્ય છે."
 
વિક્રમ સારાભાઈ ચીલે ચાલનારા નહીં, પણ હંમેશાં અલગ રીતે વિચારનારા હતા.
 
અમૃતા શાહ કહે છે, "તેઓ ખુલ્લા મનના માણસ હતા. તેમના વિચારોનો વ્યાપ બહુ હતો. બંનેએ ક્યારેય પોતાના સંબંધો છુપાવવાની કોશિશ નહોતી કરી. તે વખતે પણ તેમનો પત્ની માટેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહોતો.
 
"તેમનો પ્રેમ પહેલાં જેવો જ રહ્યો હતો. કમલા સાથે ખુલ્લા સંબંધો છતાં તેમનાં પત્ની મૃણાલિની તરફથી સામાન્ય રીતે જોવા મળે તેવો કોઈ પડઘો પડ્યો નહોતો."
 
"મૃણાલિની એ જમાનામાં બહુ બિન્ધાસ્ત અને મોઢે બોલનારી વ્યક્તિ હતી અને છતાં તેમણે એવી કોઈ ઉગ્ર પ્રતિક્રિયા આપી નહોતી."
 
હોમી ભાભાના ઉત્તરાધિકારી
 
1966માં હોમી ભાભાનું અચાનક વિમાન અકસ્માતમાં મોત થયું ત્યારે તેમની જગ્યાએ વિક્રમ સારાભાઈને અણુઊર્જાપંચના અધ્યક્ષ બનાવાયા હતા. અણુઊર્જાના ક્ષેત્રમાં તેમનું કોઈ પ્રદાન ના હોવા છતાં તેમને ઉત્તરાધિકારી બનાવાયા હતા.
 
અમૃતા શાહ કહે છે, "ભાભાનું વ્યક્તિત્વ અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાની સમુદાય સાથેના તેમના સંબંધોને ધ્યાનમાં રાખીને તેમના કદના ઉત્તરાધિકારી પસંદ કરવા જરૂરી હતા."
 
"કેટલાક લોકોને આ પદ માટે ઑફર થઈ હતી, પણ વાત જામી નહોતી. આખરે સારાભાઈને આ હોદ્દો સંભાળવા જણાવાયું હતું. એ વખતે તેઓ ભારતના સ્પેસ પ્રોગ્રામની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેની સાથે જ અણુ વિભાગની જવાબદારી સંભાળવી મુશ્કેલ હતી."
 
"બીજું કે સ્પેસ પ્રોગ્રામનો પાયો જ તેમણે નાખ્યો હતો અને તેમની ટીમ શરૂઆતથી જ તેમની સાથે જોડાયેલી હતી. બીજી બાજુ અણુકાર્યક્રમની ટીમ પ્રથમથી જ તૈયાર હતી."
 
"તેથી બહારની વ્યક્તિને વડા તરીકે લાવવામાં આવ્યા તેનાથી કેટલાક લોકો નારાજ થયા હતા. નારાજ થનારા લોકોમાં ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના હોમી સેઠના મુખ્ય હતા. જોકે રાજા રામન્નાનું માનવું હતું કે તે સમયે તે હોદ્દા પર સારાભાઈ જેવી કક્ષાના વ્યક્તિની ખાસ જરૂર હતી."
ડૉક્ટર કલામના ગુરુ
 
વિક્રમ સારાભાઈ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલમૅન તરીકે જાણીતા થયેલા એપીજે અબ્દુલ કલામના ગુરુ પણ હતા. એક વખત કલામને સારાભાઈનો મૅસેજ મળ્યો કે દિલ્હીમાં મળવા આવો. ઘણી ફ્લાઇટ્સ બદલીને કલામ દિલ્હી પહોંચ્યા હતા. સારાભાઈએ તેમને રાત્રે સાડા ત્રણ વાગ્યે મળવાનો સમય આપ્યો હતો.
 
પોતાની આત્મકથા 'વિંગ્સ ઑફ ફાયર'માં કલામ લખે છે, "મને ચિંતા હતી કે મધરાતે હું અશોકા હોટલ પર કેવી રીતે પહોંચીશ. તેથી મેં નક્કી કર્યું કે હોટલની લૉબીમાં જ રાત વિતાવીશ."
 
"હોટલનું ખાવાનું મોંઘું પડે એટલે હું બહાર ઢાબા પર જઈને જમી આવ્યો. રાત્રે 11 વાગ્યે ફરી લૉબીમાં પહોંચ્યો."
 
"ત્રણેક વાગ્યે ત્યાં અન્ય એક વ્યક્તિ આવીને બેસી ગઈ. તેમણે સૂટ પર ટાઈ બાંધી હતી અને શૂઝ પણ ચમકી રહ્યા હતા. બરાબર સાડા ત્રણ વાગ્યે અમને બંનેને સારાભાઈના કમરામાં લઈ જવામાં આવ્યા."
 
"સારાભાઈએ અમારું સ્વાગત કરીને એકબીજાનો પરિચય કરાવ્યો. કલામ અમારા સ્પેસ વિભાગના મારા સાથી છે અને આ છે વાયુસેનાના વડામથકે કામ કરતા ગ્રૂપકૅપ્ટન નારાયણન."
 
કલામ લખે છે, "કૉફી બાદ સારાભાઈએ અમને બંનેને રૉકેટ આસિસ્ટેડ ટેકઑફ એટલે કે RATO વિશેની પોતાની યોજના સમજાવી. તેમણે કહ્યું કે આ સિસ્ટમથી ભારતનાં યુદ્ધવિમાનો હિમાલયના નાના રનવે પરથી પણ ટેકઑફ કરી શકશે."
 
"થોડી વાર બાદ અમને બંનેને કારમાં બેસાડ્યા અને ફરિદાબાદની તિલપત રેન્જ અમને લઈ ગયા. તેમણે હવે ગુરુની જેમ અમને બંનેને પૂછ્યું, હું તમને સંશોધન માટે એક રૉકેટ આપું તો શું તમે 18 મહિનામાં તેનું સ્વદેશી સંસ્કરણ તૈયાર કરી શકશો?"
 
"તેને એચએફ - 24 વિમાનમાં ફિટ કરી શકશો? અમે બંનેએ એક સાથે કહ્યું, 'કરી શકાશે.' આ સાંભળીને તેઓ ખુશ થઈ ગયા. પોતાની કારમાં અમને બંનેને ફરી અશોકા હોટલ મૂકી ગયા અને તેઓ વડા પ્રધાન સાથે સવારનો નાસ્તો કરવા માટે ઊપડી ગયા."
 
અણુબૉમ્બ બનાવવાના વિરોધમાં હતા
 
 
વિક્રમ સારાભાઈ પ્રારંભથી જ અણુશક્તિનો ઉપયોગ શાંતિપૂર્ણ હેતુઓ માટે કરવાના પક્ષમાં હતા.
 
'ઇન્ડિયા ટુડે' સામયિકના તંત્રી રાજ ચેંગપ્પાએ પોતાના પુસ્તક 'વેપન ઑફ પીસ'માં લખ્યું છે, "અણુબૉમ્બ બનાવવાની બાબતમાં વિક્રમ સારાભાઈ અને હોમી ભાભાના વિચારો મળતા નહોતા. ભાભાના અવસાનના પાંચ મહિના પછી તેમણે અણુઊર્જા પંચના પ્રમુખ તરીકે કામ સંભાળ્યું. તેમણે સૌથી પહેલાં ભારતના અણુબૉમ્બ બનાવવાનો કાર્યક્રમને બંધ કરી દેવાની તૈયારી શરૂ કરી હતી.
 
અણુવિજ્ઞાની રાજા રામાન્ના યાદ કરતા કહે છે, 'સારાભાઈ માનતા હતા કે શસ્ત્ર તરીકે અણુબૉમ્બ નકામી વસ્તુ છે. તે માત્ર કાગળનો વાઘ છે. અણુબૉમ્બ વિશે સારાભાઈના આવા વિચારથી મોરારજી દેસાઈ ઘણા ખુશ થયા હતા."
 
ઘણાં વર્ષો પછી તેઓ વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે રામન્નાને કહ્યું હતું કે "સારાભાઈ સમજદાર છોકરો હતો. પેલા પાગલ ભાભા તો આખી દુનિયાને ઉડાવી દેવા માગતા હતા."
 
અણુબૉમ્બ બનાવવા માટે બહુ ઓછો ખર્ચ થશે એવો તર્ક તેમની સામે રાખવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપેલો કે "તમે મને પૂછી શકો છો કે બે ગજ કાપડની કિંમત કેટલી થાય. પરંતુ આ બે ગજ કાપડ કઈ મીલ વિના બનાવી શકાતા નથી."
 
મૂન લૅન્ડિંગે કેવી રીતે બદલી નાખ્યું આપણું જીવન?
 
 
ઇંદિરા ગાંધીને વિક્રમ સારાભાઈ માટે બહુ માન હતું. ઇંદિરા બહુ થોડા લોકોને તેમના પ્રથમ નામથી બોલાવતા તેમાં વિક્રમ સારાભાઈનો પણ સમાવેશ થતો હતો.
 
વિક્રમના અંગત સચિવ આર. રામનાથ કહે છે, "ઇંદિરા ગાંધી શહેરમાં આવવાના હોય ત્યારે તેમનું કામ રહેતું કે શહેરમાંથી બધાં જ લાલ ગુલાબ ખરીદીને તેનો ગુલદસ્તો તૈયાર કરાવવો."
 
"વિક્રમ સારાભાઈ પોતાના હાથે ગુલદસ્તો ઇંદિરા ગાંધીને આપતા, જોકે 1971 સુધીમાં બંનેના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી."
 
રાજ ચેંગપ્પાએ લખ્યું છે, "ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલાં નવેમ્બરના છેલ્લા અઠવાડિયે ઇંદિરા ગાંધીએ સારાભાઈને મળવા બોલાવ્યા હતા."
 
"તેમણે સ્પષ્ટ કહ્યું કે તમારી આગેવાનીમાં એક અંતરિક્ષ પંચ બનાવવાનું છે, પણ તમે અણુઊર્જાપંચનું પ્રમુખપદ છોડી દો. સારાભાઈને લાગ્યું કે તેમની સ્થિતિ અપમાનજનક થઈ છે."
 
''તેમને લાગ્યું કે ઇંદિરા ગાંધીને હવે તેમનામાં વિશ્વાસ રહ્યો નથી. શ્રીમતી ગાંધીએ કહ્યું કે એવી કોઈ વાત નથી, 'તમે આવી રીતે કામ કરતા રહેશો તો અમે તમને બહુ જલદી ગુમાવી દઈશું.' સારાભાઈ નિરાશ થઈને કાર્યાલયમાંથી બહાર આવ્યા હતા."
 
"તેમણે કેટલાક મિત્રોને કહ્યું પણ હતું કે પોતે રાજીનામું આપી દેવા માટે વિચારી રહ્યા છે. જોકે ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થઈ ગયું એટલે તે વાત ટળી ગઈ."
 
"અંતરિક્ષ અને અણુવિભાગોને અલગ-અલગ કરવાની જાહેરાત થાય તે પહેલાં જ વિક્રમ સારાભાઈનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો હતો."
 
પુસ્તક વાંચતાં-વાંચતાં આખરી વિદાય
 
30 નવેમ્બર 1971ના રોજ વિક્રમ સારાભાઈ ત્રિવેન્દ્રમના કોવાલમ બીચ ગેસ્ટહાઉસમાં રોકાયા હતા. સવારે તેઓ બહાર ના આવ્યા ત્યારે તેમના રૂમનો દરવાજો તોડવો પડ્યો હતો.
 
મચ્છરદાનીની અંદર તેઓ શાંતિથી કાયમ માટે પોઢી ગયા હતા. તેમની છાતી પર એક પુસ્તક પડ્યું હતું. ડૉક્ટરોએ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે બે કલાક પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું હતું. તે વખતે તેમની ઉંમર માત્ર 52 વર્ષની હતી.
 
મલ્લિકા યાદ કરતાં કહે છે, "મારી પહેલી જ ફિલ્મ હતી અને હું શૂટિંગ કરી રહી હતી. મારી માતાએ ડાયરેક્ટરને ફોન કરીને કહ્યું કે મલ્લિકાને ઘરે લઈને આવો."
 
"કારમાં ઘરે પાછા જતી વખતે હું વિચારી રહી હતી કે અમ્માને કશુંક થયું હશે. મને કલ્પના પણ નહોતી કે પાપાને કશું થઈ શકે."
 
"હું ઘરે પહોંચી તો બહાર કારની લાઈનો લાગી ગઈ હતી. લોકો સફેદ વસ્ત્રોમાં હતા અને રડી રહ્યા હતા. હું ઉપર ગઈ ત્યારે પાપાના સેક્રેટરી મને અંદર લઈ ગયા."
 
"ત્યાં મારી માતા બેડરૂમમાં રડી રહી હતી. તેમણે મને એટલું જ કહ્યું, 'મલિલ્કા પાપા ઇઝ ગૉન.' પાપા ગૉનનો મતલબ શું થાય તે પણ મારી સમજમાં આવતું નહોતું. તેમને કશુંક થશે તેવું મેં સપને પણ વિચાર્યું નહોતું."
 
મલ્લિકા સારાભાઈએ જ પોતાના પિતાની ચિતાને અગ્નિઆપ્યો હતો. વિક્રમ સારાભાઈનાં માતા પણ હાજર હતા. જામેલા ઘીના ટુકડા કરીને ચિતામાં નાખવામાં આવતા હતા ત્યારે તેમણે કહ્યું હતું, "ધીમેથી નાખો, વિક્રમને વાગી જશે."
 
1974માં ચાંદ પરના એક ક્રેટરને ડૉક્ટર સારાભાઈ નામ આપવામાં આવ્યું હતું. હાલમાં જ ભારતે ચંદ્રયાન મોકલ્યું છે, તે કાર્યક્રમનો પાયો જ વિક્રમ સારાભાઈએ કેટલાય દસકા પહેલાં નાખ્યો હતો.
દેશના સ્પેસ પ્રોગ્રામના પ્રણેતા વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની આજે તા.૧૨ ઓગસ્ટે ૯૫મી જન્મજયંતી છે ત્યારે ફ્રાન્સના વિખ્યાત ભૌતિકવિજ્ઞાની પીએરે ક્યુરીના શબ્દો સ્મરણીય બને છે ''ડો. વિક્રમ સારાભાઈની દ્રષ્ટિ જીવનને એક રળિયામણું સપનું બનાવવાની અને એને વસ્તવિક રૃપમાં ઢાળવાની રહી છે. એમણે અનેક લોકોને સ્વપ્ન જોતા અને એને વાસ્તવિકતામાં પલટવા માટે કામમાં ખૂંપી જતા કર્યા. આનું જીવતું - જાગતું ઉદાહરણ એટલે ભારતના સ્પેસ પ્રોગ્રામની સફળતા.''
 
તા.૧૨ ઓગસ્ટ, ૧૯૧૯ના રોજ જન્મેલા ડૉ. વિક્રમ સારાભાઈએ કેમ્બિરજ યુનિવર્સિટીમાંથી કોસ્મિક રેઝ વિષેના સંશોધન બદલ ડૉક્ટરની પદવી મેળવી હતી. એ પછી એમને ગાઈડ તરીકે રાખીને ૧૯ વિદ્યાર્થીઓએ પોતાનું પીએચ.ડી.નું કાર્ય સફળ બનાવ્યું. એમણે ૮૬ રીસર્ચ પેપર લખ્યા હતા.
 
અર્થ શાસ્ત્ર અને મેનેજમેન્ટમાં અનુપમ સૂઝબૂઝ ધરાવતા ડો. વિક્રમ સારાભાઇને યુવાનોની ક્ષમતામાં સહુથી વધુ વિશ્વાસ હતો. આથી જ તેઓ યુવાવર્ગને તક આપવા સદા તત્પર રહેતા. એટલું જ નહિ, એમણે કામ કરવાની પૂરી આઝાદી પણ આપતા નવી પેઢીને એમનો સંદેશો છે ઃ કોઇપણ સમસ્યાને કદી હળવી ના માનો. એના મૂળ સુધી પહોંચો અને એનું કાયમી નિરાકરણ કરો.
 
ભારતમાં સેટેલાઇટ ટીવી પ્રસારણની પ્રગતિ માટે પાયાનું કામ કરનારા ડો. વિક્રમ સારાભાઇએ દેશમાં વૈજ્ઞાાનિક શિક્ષણની આગેકૂચ માટે અમદાવાદમાં કોમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૃ કર્યું. અમદાવાદમાં જ અટિરા અને આઇઆઇએમની સ્થાપનામાં એમણે મહત્વપૂર્ણ યોગદાન કર્યું હતુ.
 
પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના ગુરૃ એવા ડો. વિક્રમ સારાભાઇનું તા.૩૦ ડિસેમ્બર, ૧૯૭૧ના દિવસે માત્ર ૫૨વર્ષની નાની વયે નિધન થયુ. એમની વૈજ્ઞાાનિક કામગીરી આજે પણ નવી પેઢી માટે પ્રેરણારૃપ છે.