શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By રેહાન ફઝલ|
Last Modified: સોમવાર, 28 સપ્ટેમ્બર 2020 (16:29 IST)

જયંતી વિશેષ : ભગતસિંહની જિંદગીના અંતિમ 12 કલાક કેવા હતા?

લાહોર સેન્ટ્રલ જેલમાં 23 માર્ચ, 1931ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ જ થઈ હતી. ફરક માત્ર એટલો હતો કે સવારેસવારે જોરદાર વાવાઝોડું આવ્યું હતું. જોકે કેદીઓને થોડી નવાઈ લાગી, જ્યારે ચાર વાગ્યે વૉર્ડન ચરતસિંહે તેમને આવીને કહ્યું કે તેઓ પોતપોતાની ઓરડીમાં ચાલ્યા જાય. તેઓએ કારણ ન બતાવ્યું. તેમના મોઢામાંથી માત્ર એટલું નીકળ્યું કે ઉપરથી આદેશ છે. હજુ કેદીઓ વિચારી રહ્યા હતા કે શું થઈ રહ્યું છે, જેલના વાળંદ બરકત દરેક ઓરડીની બહારથી ગણગણતા પસાર થયા કે આજે રાત ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી થવાની છે.
 
એ ક્ષણની નિશ્ચિંતતાએ તેમને વ્યથિત કરી મૂક્યા. કેદીઓએ બરકતને વિનંતી કરી કે તેઓ ફાંસી બાદ ભગતસિંહની કોઈ પણ ચીજ, જેમ કે પેન, કાંસકો કે ઘડિયાળ તેમને લાવીને આપે, જેથી તેઓ પોતાનાં પૌત્ર-પૌત્રીઓને કહી શકે કે તેઓ પણ ભગતસિંહ સાથે જેલમાં બંધ હતા.
 
બરકત ભગતસિંહના ઓરડીમાં ગયા અને ત્યાંથી તેમની પેન અને કાંસકો લાવ્યાં. બધા કેદીઓમાં હોડ લાગી કે કોનો તેના પર અધિકાર હોય. આખરે ડ્રો થયો.
 
સૉન્ડર્સ મર્ડર કેસમાં જજે આ કલમથી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ માટે ફાંસીની સજા લખી હતી
 
હવે બધા કેદીઓ ચૂપ થઈ ગયા હતા. તેમની નજરો તેમની ઓરડીથી પસાર થતા રસ્તા પર લાગેલી હતી. ભગતસિંહ અને તેમના સાથીઓ ફાંસી પર લટકવા માટે એ જ રસ્તેથી પસાર થવાના હતા.
 
એક વાર જ્યારે ભગતસિંહને એ જ રસ્તેથી લઈ જવાતા હતા ત્યારે પંજાબ કૉંગ્રેસના નેતા ભીમસેમ સચ્ચરે ઊંચા અવાજે તેમને પૂછ્યું હતું, "તમે અને તમારા સાથીઓએ લાહોર કૉન્સપિરેસી કેસમાં પોતાનો બચાવ કેમ ન કર્યો."
 
ભગતસિંહનો જવાબ હતો, "ઇન્કલાબીઓએ મરવાનું જ હોય છે, કેમ કે તેમના મરવાથી જ તેમનું અભિયાન મજબૂત થાય છે, કોર્ટમાં અપીલથી નહીં."
 
વૉર્ડન ચરતસિંહ ભગતસિંહના હિતેચ્છુ હતા અને પોતાની તરફથી શક્ય એટલી મદદ કરતા હતા. તેમના માટે લાહોરની દ્વારકાદાસ લાઇબ્રેરીથી ભગતસિંહ માટે પુસ્તકો જેલમાં આવી શકતાં હતાં.
 
ભગતસિંહને પુસ્તકો વાંચવાનો એટલો શોખ હતો કે એક વાર તેઓએ પોતાના સ્કૂલના સાથી જયદેવ કપૂરને લખ્યું હતું કે તેમના માટે કાર્લ લીબનેખ્તનું 'મિલિટ્રિઝમ', લેનીનનું 'લેફ્ટ વિંગ કૉમ્યુનિઝમ' અને આપ્ટન સિંક્લેયરની નવલકથા 'ધ સ્પાય' કુલબીર દ્વારા મોકલી આપે.
 
ભગતસિંહ જેલની કઠિન જિંદગીના આદી થઈ ગયા હતા. તેમની કોટડી નંબર 14ની ફર્શ પાક્કી નહોતી. તેના પર ઘાસ ઊગી ગયું હતું. કોટડીમાં એટલી જ જગ્યા હતી કે તેમનું પાંચ ફૂટ, દસ ઈંચનું શરીર મુશ્કેલીથી તેમાં સૂઈ શકે.
 
ભગતસિંહને ફાંસી અપાયાના બે કલાક પહેલાં તેમના વકીલ પ્રાણનાથ મહેતા તેમને મળવા પહોંચ્યા. મહેતાએ બાદમાં લખ્યું કે 'ભગતસિંહ તેમની નાની શી કોટડીમાં પાંજરા બંધ સિંહની જેમ ચક્કર લગાવી રહ્યા હતા.'
 
તેઓએ હસીને મહેતાનું સ્વાગત કર્યું અને પૂછ્યું કે તમે મારું પુસ્તક 'રિવૉલ્યુશનરી લેનીન' લાવ્યા કે નહીં? જ્યારે મહેતાએ તેમને પુસ્તક આપ્યું તો તેઓ તેને એ સમયે વાંચવા લાગ્યા જાણે કે તેમની પાસે વધુ સમય ન બચ્યો હોય.
 
મહેતાએ એ સમયે પૂછ્યું કે તમે દેશને કોઈ સંદેશો આપવા માગશો? ભગતસિંહે પુસ્તકમાંથી પોતાનું ધ્યાન હઠાવ્યા વિના કહ્યું, "માત્ર બે સંદેશ... સામ્રાજ્યવાદ મુર્દાબાદ અને ઇન્કલાબ ઝિંદાબાદ!"
 
બાદમાં ભગતસિંહે મહેતાને કહ્યું કે તેઓ પંડિત નહેરુ અને સુભાષચંદ્ર બોઝને મારો આભાર પહોંચાડે, જેઓએ મારા કેસમાં ઊંડો રસ દાખવ્યો હતો. ભગતસિંહને મળ્યા બાદ મહેતા રાજગુરુને મળવા માટે તેમની કોટડીમાં પહોંચ્યા.
 
રાજગુરુના અંતિમ શબ્દો હતા, "આપણે લોકો જલદી મળીશું." સુખદેવે મહેતાને યાદ અપાવ્યું કે તેઓ તેમના મૃત્યુ પછી જેલર પાસેથી એ કૅરમ બોર્ડ લઈ લે, જે તેમને થોડા મહિના પહેલાં આપ્યું હતું.
 
ભગતસિંહનું ઘડિયાળ : આ ઘડિયાળ તેમને ક્રાંતિકારી સાથી જયદેવ કપૂરને ભેટમાં આપી હતી.
 
મહેતાના ગયા પછી થોડી વાર રહીને જેલ અધિકારીએ ત્રણેય ક્રાંતિકારીઓને જણાવી દીધું કે સમયથી 12 કલાક પહેલાં જ ફાંસી અપાઈ રહી છે. આગળના દિવસે સવારે છ વાગ્યાની જગ્યાએ તેમને એ જ સાંજે સાત વાગ્યે ફાંસી પર ચડાવી દેવાશે.
 
ભગતસિંહ મહેતા દ્વારા અપાયેલાં પુસ્તકનાં કેટલાંક પાનાં જ વાંચી શક્યા હતા. તેમના મોંમાંથી નીકળ્યું, "શું તમે મને આ પુસ્તકનું એક પ્રકરણ પણ પૂરું નહીં કરવા દો."
 
ભગતસિંહે જેલના મુસ્લિમ સફાઈ કર્મચારી બેબેને વિનંતી કરી કે તેઓ તેમને ફાંસી અપાય એના એક દિવસ પહેલાં સાંજે પોતાના ઘરેથી તેમના માટે ખાવાનું લઈને આવે.
 
જોકે બેબે ભગતસિંહની ઇચ્છા પૂરી ન કરી શક્યા, કેમ કે ભગતસિંહને 12 કલાક પહેલાં જ ફાંસી આપવાનો નિર્ણય લેવાયો હતો અને બેબે જેલના ગેટ અંદર પ્રવેશી શક્યા નહોતા.
 
આઝાદીનું ગીત
 
થોડી વાર પછી ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસીની તૈયારી માટે તેમની કોટડીમાંથી બહાર કાઢવામાં આવ્યા. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે પોતાના હાથ જોડ્યા અને પોતાનું પ્રિય આઝાદી ગીત ગાવા લાગ્યા-
 
કભી વો દિન ભી આયેગા
 
કિ જબ આઝાદ હમ હોંગે
 
યે અપની હી જમીં હોગી
 
એ અપના આસમાં હોગા.
 
પછી આ ત્રણેયનું એક-એક કરીને વજન કરવામાં આવ્યું. બધાનું વજન વધી ગયું હતું. આ બધાને કહેવાયું કે તેઓ પોતાનું અંતિમ સ્નાન કરે. પછી તેમને કાળાં કપડાં પહેરાવાયાં. જોકે તેમના ચહેરા ખુલ્લા રાખવામાં આવ્યા.
 
ચરતસિંહે ભગતસિંહના કાનમાં કહ્યું કે વાહે ગુરુને યાદ કરો.
 
ભગતસિંહ બોલ્યા, "આખી જિંદગીમાં મેં ઈશ્વરને યાદ નથી કર્યા. હકીકતમાં મેં ઘણી વાર ગરીબોના કંકાસ માટે ઈશ્વરને ઠપકો આપ્યો છે. જો હું હવે તેમની માફી માગીશ તો તેઓ કહેશે કે આનાથી મોટો ડરપોક કોઈ નથી. તેનો અંત નજીક આવી રહ્યો છે. આથી તે માફી માગવા આવ્યો છે."
 
જેવા જેલની ઘડિયાળમાં છ વાગ્યા, કેદીઓને દૂરથી આવતા પગરવ સંભળાયા. તેની સાથે ભારે બૂટોના જમીન પર પડવાથી અવાજ પણ આવતો હતો. તેમજ એક ગીત પણ દબાયેલા સ્વરે સંભળાતું હતું, "સરફરોશી કી તમન્ના અબ અમારે દિલ મેં હૈ..."
 
બધાને અચાનક જોરજોરથી 'ઇન્કલાબ ઝિંદાબાદ અને હિંદુસ્તાન આઝાદ હો'ના નારા સંભળાવા લાગ્યા. ફાંસીનો માંચડો જૂનો હતો, પણ ફાંસી આપનારો ઘણો તદુંરસ્ત હતો. ફાંસી આપવા માટે મસીહ જલ્લાદને લાહોર પાસેના શાહદરાથી બોલાવાયો હતો.
 
ભગતસિંહ આ ત્રણેયની વચ્ચે ઊભા હતા. ભગતસિંહ પોતાના માતાને આપેલું એ વચન પૂરું કરવા માગતા હતા કે તેઓ ફાંસીના માંચડેથી 'ઇન્કલાબ ઝિંદાબાદ'નો નારો પોકારશે.
 
ભાગતસિંહના ક્રાંતિકારી સાથી સુખદેવની ટોપી
 
લાહોર જિલ્લા કૉંગ્રેસના સચિવ પિંડીદાસ સોંધીનું ઘર લાહોર સેન્ટ્રલ જેલની પાસે જ હતું. ભગતસિંહે એટલા જોરથી 'ઇન્કલાબ ઝિંદાબાદ'નો નારો પોકાર્યો કે તેનો અવાજ સોંધીના ઘર સુધી સંભળાયો હતો.
 
તેમનો અવાજ સાંભળીને જેલના અન્ય કેદીઓ પણ નારો પોકારવા લાગ્યા. ત્રણેય યુવા ક્રાંતિકારીઓના ગળામાં ફાંસીની રસ્સી નાખવામાં આવી. તેમના હાથ-પગ બાંધી દેવાયા. ત્યારે જલ્લાદે પૂછ્યું, સૌથી પહેલા કોણ આવશે?
 
સુખદેવે સૌથી પહેલા ફાંસી પર લટકવાની હા ભણી. જલ્લાદે એક-એક કરીને રસ્સી ખેંચી અને તેમના પગ તળેથી રાખેલો તખ્તો પાટુ મારીને ખસેડી દેવાયો. ઘણા સમય સુધી તેમના મૃતદેહો માંચડા પર લટકતા રહ્યા.
 
અંતમાં તેને નીચે ઉતારાયા અને ત્યાં હાજર ડૉક્ટરો લેફ્ટનન્ટ કર્નલ જે.જે. નેલ્સન અને લેફ્ટનન્ટ કર્નલ એન.એસ. સોધીએ તેમને મૃત જાહેર કર્યા.
 
ઍસેમ્બલી બૉમ્બ કેસમાં ભગતસિંહ વિરુદ્ધ ઉર્દૂમાં લખાયેલી ફરિયાદ
 
એક જેલના અધિકારી પર આ ફાંસીની એટલી અસર થઈ કે જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેઓ મૃતકોની ઓળખ કરે, તો તેઓએ આવું કરવાનો ઇન્કાર કરી દીધો. તેમને એ જગ્યાએ જ સસ્પેન્ડ કરી દેવાયા. એક જુનિયર અધિકારીએ આ કામ કર્યું.
 
પહેલાં યોજના હતી કે આ બધાના અંતિમસંસ્કાર જેલની અંદર જ કરાશે, પરંતુ પછી આ વિચાર પડતો મૂક્યો, કેમ કે અધિકારીઓને આભાસ થયો કે જેલમાં ધુમાડો થતો જોઈને બહાર ઊભેલી ભીડ જેલ પર હુમલો કરી શકતી હતી.
 
આથી જેલની પાછળની દીવાલ તોડવામાં આવી. એ રસ્તેથી એક ટ્રક જેલની અંદર લવાયો અને તેના પર બહુ અપમાનજનક રીતે એ મૃતદેહોને એક સામાનની જેમ નાખવામાં આવ્યા.
 
પહેલાં નક્કી થયું હતું કે તેમના અંતિમસંસ્કાર રાવીના તટે કરાશે, પણ રાવીમાં પાણી બહુ ઓછું હતું, આથી સતલજના કિનારે મૃતદેહોને બાળવાનો નિર્ણય કરાયો.
 
ભગતસિંહના પિતા સરદાર કિશન સિંહ (તસવીર ચમન લાલે ઉપલબ્ધ કરાવી હતી)
 
તેમના પાર્થિવ શરીરને ફિરોઝપુર પાસે સતલજના કિનારે લવાયા. ત્યાં સુધી રાતના 10 વાગી ગયા હતા. દરમિયાન ઉપપોલીસ અધીક્ષક કસૂર સુદર્શન સિંહ કસૂર ગામમાંથી એક પૂજારી જગદીશ અચરજને બોલાવી લાવ્યા.
 
હાલમાં જ તેમને આગ ચાંપવામાં આવી હતી કે લોકોને તે અંગે ખબર પડી ગઈ. જેવા બ્રિટિશ સૈનિકોએ લોકોને પોતાની તરફ આવતા જોયા કે તેઓ મૃતદેહને ત્યાં જ છોડીને પોતાનાં વાહનો તરફ ભાગ્યા. આખી રાત ગામના લોકોએ એ મૃતદેહની ચારે તરફ પહેરો ભર્યો.
 
પછીના દિવસે બપોરની આસપાસ જિલ્લા મૅજિસ્ટ્રેટની સહી સાથે લાહોરના ઘણા વિસ્તારમાં નોટિસ લગાવામાં આવી, જેમાં જણાવ્યું કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના સતલજના કિનારે હિન્દુ અને શીખ વિધિથી અંતિમસંસ્કાર કરી દેવાયા છે.
 
આ સમાચાર પર લોકોની આકરી પ્રતિક્રિયા આવી અને લોકોએ કહ્યું કે તેમના અંતિમસંસ્કાર તો દૂર, તેમને સંપૂર્ણ રીતે બાળવામાં પણ આવ્યા નથી. જિલ્લા મૅજિસ્ટ્રેટે તેનું ખંડન કર્યું, પરંતુ તેઓએ તેના પર વિશ્વાસ ન કર્યો.
 
ભગતસિંહના સાથી રાજગુરુ સંઘના સ્વયંસેવક હતા?
 
નેશનલ કૉલેજ લાહોરનો ફોટો. પાઘડી પહેરેલા ભગતસિંહ (જમણેથી ચોથા) ઊભેલા જોઈ શકાય છે (તસવીર ચમનલાલે ઉપલબ્ધ કરાવી હતી)
ઇમેજ કૅપ્શન, નેશનલ કૉલેજ લાહોરનો ફોટો. પાઘડી પહેરેલા ભગતસિંહ (જમણેથી ચોથા) ઊભેલા જોઈ શકાય છે (તસવીર ચમનલાલે ઉપલબ્ધ કરાવી હતી)
 
આ ત્રણેયના સન્માનમાં ત્રણ માઇલ લાંબું શોકસરઘસ નીલા ગુંબજથી શરૂ થયું. પુરુષોએ વિરોધરૂપે પોતાના ખભા પર કાળી પટ્ટીઓ બાંધી હતી અને મહિલાઓએ કાળી સાડી પહેરી રાખી હતી.
 
લગભગ બધા લોકોના હાથમાં કાળા ઝંડા હતા. લાહોરના મૉલથી નીકળતું સરઘસ અનારકલી બજારની વચોવચ રોકાયું.
 
અચાનક આખી ભીડમાં એક સન્નાટો છવાઈ ગયો, જ્યારે એ જાહેરાત કરવામાં આવી કે ભગતસિંહના પરિવારને ત્રણેય શહીદોના બચેલા અવશેષો સાથે ફિરોઝપુરથી ત્યાં પહોંચી ગયા છે.
 
જેવા ફૂલોથી ઢંકાયેલા ત્રણે તાબૂતમાં તેમના મૃતદેહ આવ્યા કે ભીડ ભાવુક થઈ ગઈ. લોકો પોતાનાં આંસુ રોકી ન શક્યાં.
 
 
જાલંધરના દેશભગત યાદગાર હૉલમાં લગાવેલી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની એક જૂની તસવીર, (તસવીર ચમનલાલે ઉપલબ્ધ કરાવી હતી)
ઇમેજ કૅપ્શન, જાલંધરના દેશભગત યાદગાર હૉલમાં લગાવેલી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની એક જૂની તસવીર, (તસવીર ચમનલાલે ઉપલબ્ધ કરાવી હતી)
 
ત્યાં એક જાણીતા અખબારના સંપાદક મૌલાના ઝફર અલીએ એક નઝ્મ પઢી, જેના ભાવાર્થ હતો, 'કેવી રીતે આ શહીદોના અર્ધબળેલા મૃતદેહોને ખુલ્લા આકાશ નીચે જમીન પર છોડી દેવામાં આવ્યા.'
 
તો આ તરફ, વૉર્ડન ચરતસિંહ સુસ્ત પગલે પોતાના ઓરડામાં પહોંચ્યા અને જોરજોરથી રડવા લાગ્યા.
 
પોતાની 30 વર્ષની કારકિર્દીમાં તેઓએ સેંકડો ફાંસીઓ જોઈ હતી, પરંતુ કોઈએ મૃત્યુને આટલી બહાદુરીથી ગળે લગાડ્યું નહોતું, જેટલું ભગતસિંહ અને તેમના બે કૉમરેડોએ લગાડ્યું હતું.
 
કોઈને એ વાતનો અંદાજ નહોતો કે 16 વર્ષ બાદ તેમની શહાદત ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના અંતનું એક કારણ સાબિત થશે અને ભારતની જમીન પરથી બધા બ્રિટિશ સૈનિકો હંમેશાં માટે ચાલ્યા જશે.
 
(આ લેખ માલવિન્દર સિંહ વડાઇચના પુસ્તક 'ઇન્ટર્નલ રેબલ', ચમનલાલના 'ભગતસિંહ ડૉક્યુમેન્ટ્સ' અને કુલદીપ નૈયરના પુસ્તક 'વિધાઉટ ફિયર'માં પ્રકાશિત સામગ્રી પર આધારિત છે)