શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 19 ફેબ્રુઆરી 2021 (11:56 IST)

પર્સાવિયરેન્સ : મંગળ ગ્રહ પર ઊતર્યું નાસાનું યાન, જીવનની સંભાવનાઓ પર કરશે સંશોધન

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાનું રૉવર મંગળ ગ્રહ પર ઊતરી ચૂક્યું છે. સાત મહિના પહેલાં પૃથ્વી પરથી ગયેલા આ રૉવરે અંદાજે અડધો અબજ કિલોમીટરનું અંતર કાપ્યું છે.
 
'પર્સાવિયરેન્સ રૉવર'એ લાલ ગ્રહ પર ઊતર્યા પછી તેની તસવીર ટ્વીટ કરી છે.

 
આ રૉવર સૂકાઈ ગયેલા જૂના સરોવરના અવશેષોની તપાસ કરશે. સાથે જ અબજો વર્ષ પહેલાં માઇક્રો-ઑર્ગાનિઝ્મની કોઈ પણ ગતિવિધિની તપાસ કરશે અને તેને પૃથ્વી પર મોકલશે.
 
આ રૉવરે જ્યારે લૅન્ડિંગ કર્યું તો નાસાના કંટ્રોલ સેન્ટરમાં બેસેલા સ્ટાફમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
 
વર્ષ 1970 પછી નાસાનું આ મિશન છે, જે મંગળ ગ્રહ પર જીવનના સંકેતોને શોધવા પ્રયાસ કરી રહ્યું છે.
 
અમેરિકાની એ ભૂલ જેણે તેને અવકાશમાં સુપરપાવર બનતાં રોકી દીધું
 
મંગળ પર શું કરશે?
આ અભિયાનના નાયબ પ્રોજેક્ટ મૅનેજર મૅટ્ટ વૉલેસે જણાવ્યું છે, "સારા સમાચાર સ્પેસક્રાફ્ટના છે. એ સારી સ્થિતિમાં છે."
 
આ રૉવર જ્યારે મંગળ પર ઊતર્યું ત્યારે અમેરિકાના કૅલિફોર્નિયા ખાતે નાસાના મિશન કંટ્રોલર ઇજનેરો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.
 
છ પૈડાં ધરાવતું આ રૉવર આગામી બે વર્ષ સુધી મંગળ ગ્રહ પર રહેશે અને અહીંના ખડકો પર સંશોધન કરી લાલ ગ્રહ પર જીવન હતું કે કેમ એના પુરાવા એકઠા કરશે.
 
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ નાસાને આ બાબતે શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કરીને આ અભિયાન સાથે સંકળાયેલા લોકોને અભિનંદન પાઠવ્યાં છે