'ટાઇમ' મૅગેઝિને પોતાના 20 મેના અંકના મુખપૃષ્ઠ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કૅરિકેચર છાપ્યું છે.
'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર મૅગેઝિને મુખપૃષ્ઠ સાથે 'ઇન્ડિયાઝ્ ડિવાઇડર ઇન ચીફ' એવું શીર્ષક પણ આપ્યું છે.
આ શીર્ષકનો સંબંધ સામયિકમાં આતિશ તાસીરે લખેલા એ લેખ સાથે છે, જેનું શીર્ષક છે, 'શું વિશ્વની સૌથી મોટી લોકશાહી નરેન્દ્ર મોદી સરકારનાં બીજા પાંચ વર્ષ વેઠી શકશે?'
જોકે, મૅગેઝિન હાલ બજારમાં ઉપલબ્ધ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કવરવાળું આ મૅગેઝિન 20 મે 2019ના રોજ ઉપલબ્ધ થશે.
19 મેનાં રોજ લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે અને 23 મેના રોજ પરિણામ જાહેર થશે.
TIMEની વેબસાઇટ પર જે સ્ટોરી છાપવામાં આવી છે તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્ય મંત્રીથી દેશના વડા પ્રધાન બનવાની વાત કરવામાં આવી છે.
2014માં તેમના વિજયને ગત 30 વર્ષમાં સૌથી મોટો વિજય ગણાવામાં આવ્યો છે અને ત્યારબાદ તેનાં 5 વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના આલેખન અને જે રીતે કવરપેજ પર મોદીને 'India's Divider In Chief' બતાવામા આવ્યા છે, તેના પર વિવાદ ઊભો થઈ ગયો છે અને આ કવર પેજ ભારતમાં ટૅન્ડ થવા લાગ્યું છે.
જોકે, મે 2015માં પણ ટાઇમ મૅગેઝિને મોદી પર કવર સ્ટોરી કરી હતી અને તેને નામ આપ્યું હતું... "Why Modi Matters."
સોશિયલ મીડિયા પર આ કવરપેજને લઈને અનેક વાતો થઈ રહી છે.
એક તરફ લોકોનું કહેવું છે કે મૅગેઝિને સાચી વાત લખી છે તો કેટલાક લોકો તેને મોદીની લોકપ્રિયતા સાથે જોડીને પણ લખે છે.
ઠાકુર અમીશા સિંહ લખે છે કે એક મોદી પાર સમગ્ર દુનિયા હાથ ધોઈને પાછળ પડી છે. મતલબ સાફ છે કે વ્યક્તિમાં દમ જ નહીં પરંતુ સમગ્ર દુનિયાને પોતાની પાછળ નચાવાની તાકાત પણ છે.
વધુમાં વસંત લખે છે કે મોદીના કારણે વિપક્ષ એકસાથે આવી ગયો છે, તમે તેને વિભાજન કરનારા શા માટે કહો છો?
સત્યેન્દ્ર દેવ પરમાર લખે છે કે નફરતનું બીજ સમાજમાં ખૂબ ઊંડે રોપવામાં આવ્યું છે, જેનો પાક હાલ રસ્તા પર ફેલાયો છે.
કેટલાંક લોકોનું એ પણ કહેવું છે કે ટાઇમ મૅગેઝિન એક વિદેશી મૅગેઝિન છે તેમને આપણા વડા પ્રધાન વિશે કશું કહેવાનો હક નથી.
જોકે, કેટલાક લોકો એવાં પણ છે કે જેમણે ટાઇમ મૅગેઝિનનું સમર્થન પણ કર્યું છે.
જે સ્ટોરીને લઈને વિવાદ ફેલાયો છે તેમને લખનારા આતિશ તાસીર છે. 39 વર્ષના આતિશ બ્રિટનમાં જન્મેલા લેખક-પત્રકાર છે. તેઓ ભારતીય પત્રકાર તવલીન સિંહના પુત્ર છે.
તમને જણાવી દઈએ કે આ એ જ ટાઇમ મૅગેઝિન છે જેણે 2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રીડર્સ પોલ દ્વારા પર્સન ઑફ ધ યર 2016 તરીકે પસંદ કર્યા હતા.
18 ટકા સાથે મોદી પ્રથમ સ્થાન પર હતા. તેમના બાદ તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નામ હતું.