ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: નિધિ રાય , શુક્રવાર, 31 જાન્યુઆરી 2020 (12:18 IST)

બજેટ 2020: મોદી સરકારે ગયા વર્ષે આપેલાં વચનોમાંથી કેટલાં પૂરાં કર્યાં?

શનિવારે 11 વાગ્યે ભારતનાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું બીજું બજેટ રજૂ કરશે, તેના પર સૌ કોઈની નજર હશે. એટલા માટે નહીં કે બજેટથી સરકારની આગામી વર્ષની પ્રાથમિકતાની જાણ થશે, પરંતુ એટલા માટે કે સુસ્ત થઈ ગયેલા અર્થતંત્રને સચેત કરવા માટે સરકારે કેટલાંક આકરાં પગલાં લેવાં પડે તેમ છે, તે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.
 
ગયા વર્ષે બજેટના ભાષણમાં સીતારમણે કહ્યું હતું કે "આગામી થોડાં વર્ષોમાં અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડી દેવાની ક્ષમતા અમારામાં છે."
 
સમસ્યા એ છે કે સરકારે પોતે જ 2020ના વર્ષમાં પાંચ ટકાના દરે વિકાસ થશે એમ કહ્યું છે, જે છેલ્લાં છ વર્ષમાં સૌથી ઓછો છે. ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડે પણ ભારતના વિકાસદરનો લક્ષ્યાંક ઘટાડીને 4.8 ટકાનો કર્યો છે. આવા સંજોગોમાં આ વર્ષનું બજેટ કેવી રીતે અર્થતંત્રને ફરી ચેતનવંતુ કરશે? પ્રથમ તો ગયા વર્ષના બજેટમાં કરાયેલી મહત્ત્વની જાહેરાતો અને તેનો અમલ કેવી રીતે થયો તે જોઈ લઈએ. ત્યાર બાદ આ વર્ષના બજેટમાં શું અપેક્ષા છે તે જોઈશું.
 
ગત વખતનું બજેટ લોકલોભામણું નહોતું પણ તેમાં આમ આદમીને રાહત આપતી કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી.
વીજળી અને ગૅસના ક્ષેત્રે શી પ્રગતિ?
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષના જુલાઈમાં બજેટના ભાષણમાં કહ્યું હતું કે વર્ષ 2022 સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં દરેક ઘરને વીજળી અને રાંધણ ગૅસ પૂરાં પાડી દેવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં વાહનવ્યવહાર અને આવાસો ઊભા કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી. "ગામ, ગરીબ અને ખેડૂત અમારી દરેક નીતિઓમાં કેન્દ્રસ્થાને છે," એમ તેમણે કહ્યું હતું.
 
આ યોજનાઓનું શું થયું તે જોઈએ. સરકારના છેલ્લામાં છેલ્લા અહેવાલો પ્રમાણે 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના' હેઠળ રાંધણ ગૅસના બાટલા ભરાવવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. માર્ચ 2018માં 3.66 કરોડ બાટલા નોંધાયા હતા, તે ડિસેમ્બર 2018માં ઘટીને 3.21 કરોડ અને સપ્ટેમ્બર 2019માં વધુ ઘટીને 3.08 કરોડ થઈ ગયા હતા.
 
કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કેગ)ના તાજેતરના અહેવાલમાં ઉજ્જવલ યોજનાના સિલિન્ડરનો ઓછો ઉપયોગ, અન્યત્ર ઉપયોગ અને સિલિન્ડરોની વહેંચણીમાં વિલંબ સામે ચિંતા વ્યક્ત કરી હતી. 
કૅર રેટિંગ્ઝનાં સિનિયર ઇકૉનોમિસ્ટ કવિતા ચાકો કહે છે, "શરૂઆતમાં લોકોએ યોજનાનો લાભ લીધો પણ આંકડાં દર્શાવે છે કે લોકો રિફિલ કરાવતા નથી અને દેશના ઘણા ભાગોમાં લોકો હજુ પણ લાકડાં બાળે છે."
 
ચાકો ઉમેરે છે, "સરકારે ગામડાં સુધી વીજળી પહોંચાડવાનું માળખું ઊભું કરી લીધું છે, પણ દેશની વીજવિતરણ કંપનીની હાલત એવી છે કે વીજળી પહોંચાડી શકતી નથી."
 
"દેશની વીજવિતરણ કંપનીઓ 80,000 કરોડ રૂપિયાના દેવામાં છે. તેથી માગ પ્રમાણે વીજઉત્પાદન થતું નથી. તેથી સરકાર કહે છે કે વીજળી પૂરી પાડવામાં આવે છે, ત્યારે તેના વિશે ટિપ્પણી કરવી મુશ્કેલી છે."
 
આવાસયોજનાનું શું થયું?
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકારે 2022 સુધીમાં 'સૌ માટે ઘર'નું લક્ષ્ય રાખ્યું છે. નાણામંત્રી સીતારમણે કહ્યું હતું કે વર્ષ 2021-22ના નાણાકીય વર્ષના અંત સુધીમાં 1,95,00,000 મકાનો બનાવાશે.
 
આવાસયોજના વિશે વાત કરતાં ઍનોરોક પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ્સના ચૅરમૅન અનુજ પુરી કહે છે, "સરકારની બહુ વખણાયેલી આવાસ યોજના દરેક રાજ્યોમાં દેખાઈ રહી છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં લગભગ 11.22 લાખ મકાનો બનાવાયાં છે. ગયા વર્ષે આ જ તારીખે આ ત્રણ રાજ્યોમાં ફક્ત 3.62 લાખ મકાનો જ તૈયાર થયા હતા.'
 
સમયસર બાંધકામ પૂરું કરવું તે પડકાર હોય છે. પરંતુ પ્રિ-ફેબ્રિકેટેટ કન્સ્ટ્રક્શન જેવી નવી ટેકનૉલૉજીથી નિર્ધારિત સમયમાં લક્ષ્ય પાર પડી શકે છે," એમ પુરીએ ઉમેર્યું હતું.
 
બીજું કે મંદીને કારણે સૌથી વધુ અસર રિયલ એસ્ટેટને થઈ છે. નોટબંધી અને જીએસટીના અમલના કારણે આ સૅક્ટર આમ પણ મુશ્કેલીમાં આવી ગયું હતું. સરકારે નવેમ્બરમાં 25,000 કરોડ રૂપિયાનું પ્રોત્સાહક પૅકેજ આપવાની જાહેરાત કરી હતી, પણ ઉદ્યોગના લોકો કહે છે કે હજી ઘણું કરવાની જરૂર છે.
 
પુરી કહે છે, 'રિયલ એસ્ટેટમાં માગ વધે તે માટે વેરામાં વધુ રાહતો આપવી જરૂરી છે. ખાસ કરીને પ્રથમ મકાન ખરીદનારને લાભ આપવા જોઈએ. બાંધકામ ચાલી રહ્યું હોય તેવા મકાનો પર જીએસટી ઘટાડવાથી ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત દરેક સૅક્ટરમાં નોકરીની સુરક્ષા જરૂરી બની છે. હાલમાં અટકી પડેલા પ્રોજેક્ટ્સને પૂરા કરાવવા જરૂરી છે, જેથી ઘર ખરીદનારાનો તણાવ ઓછો થાય.''
 
રોજગારીના મામલે શું કરાયું?
 
છેલ્લાં બે બજેટમાં - એક પીયુષ ગોયલના અને છેલ્લે જુલાઈમાં સીતારમણના બજેટમાં દેશમાં, રોજગારી વધારવા માટેની કોઈ સ્પષ્ટ નીતિ દેખાઈ નહોતી. બીજું મનરેગા માટે થતી ફાળવણી પણ ઘટાડીને 60,000 કરોડ રૂપિયાની કરવામાં આવી હતી. 'મુદ્રા', 'સ્ટેન્ડ-અપ ઇન્ડિયા' અને 'સ્ટાર્ટ-અપ ઇન્ડિયા' માટે માત્ર 515 કરોડ રૂપિયાની જ ફાળવણી થઈ છે. નિષ્ણાતો કહે છે કે રોજગારીનો અભાવ તે વર્તમાન સરકાર સામેનો સૌથી મોટો પડકાર છે.
 
સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીના સીઈઓ મહેશ વ્યાસે બીબીસીને જણાવ્યું કે "ભારતમાં બેકારીનો દર 7.5 ટકાનો છે, પણ તેના પરથી મૂળ સમસ્યાનો ખ્યાલ આવતો નથી. તે સમસ્યા છે કે યુવાન ગ્રૅજ્યુએટને નોકરીઓ મળતી નથી. દર ચારમાંથી એક ગ્રૅજ્યુએટને નોકરી મળી રહી નથી."
 
પેન્શન યોજના : પ્રધાન મંત્રી કર્મયોગી માન ધન યોજના હેઠળ નાના દુકાનદારોને અને દોઢ કરોડથી ઓછું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓને પેન્શન યોજના આપવાની યોજના છે.
 
CAITના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે આ યોજના વિશે વાત કરતાં બીબીસીને જણાવ્યું કે, "યોજના તદ્દન નિષ્ફળ ગઈ છે, કેમ કે તેનું આયોજન બરાબર થયું નથી.
 
"સાત કરોડ વેપારીઓમાંથી માત્ર 25,000 વેપારીઓએ આ યોજના અપનાવી છે, કેમ કે યોજનાથી કોઈ ફાયદો થતો નથી. આ વિશે અમે અમારો અભિપ્રાય સરકારને જણાવ્યો છે."
 
યોજના નિષ્ફળ હોવાનું કારણ એ છે કે 18થી 40 વર્ષની ઉંમરના દુકાનદારો જ તેનો લાભ લઈ શકે છે અને તેના કારણે મોટો વર્ગ તેમાંથી બાકાત રહી જાય છે.
 
બીજું કે આ યોજના હેઠળ પેન્શનધારકને દર મહિને 3,000 રૂપિયા તેની 60 વર્ષની ઉંમર પછી મળવાના છે. તેમના અવસાનના સંજોગોમાં જીવનસાથીને 50 ટકા જ ફૅમિલી પેન્શન મળે છે. ફૅમિલી પેન્શન માત્ર જીવનસાથીને જ મળે છે.