બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 11 ડિસેમ્બર 2019 (11:05 IST)

અમિત શાહ પર પ્રતિબંધ લાદવાની હિમાયત કરનાર UNCIRF શું છે?

સોમવારે ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ જવાની ઘટનાના પડઘા અમેરિકામાં પડ્યા છે.
 
આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકન આયોગ (United States Commission on International Religious Freedom USCIRF)એ ભારતીય સંસદના આ પગલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
 
આયોગે જો બિલને કાયદાનું સ્વરૂપ મળે તો ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય નેતાઓ ઉપર પ્રતિબંધો લાદવાની હિમાયત કરી છે.
 
આ અંગે ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે અને આ ટિપ્પણીને 'બિનજરૂરી' ગણાવી હતી.
 
ત્યારે આખરે આ આયોગ શું છે? તે કેવી રીતે કામ કરે છે? અને અમેરિકન રાજવ્યવસ્થામાં આ આયોગનું મહત્ત્વ કેટલું છે? તે અંગે પ્રશ્નો ઊઠે એ સ્વાભાવિક છે.
 
આયોગની ટિપ્પણી
 
એક પ્રેસ રિલીઝમાં આયોગે કહ્યું છે કે જો આ બિલ ભારતીય સંસદની મંજૂરી મળી જાય, તો અમેરિકાની સરકારે ભારતના ગૃહમંત્રી અમિત શાહ તથા અન્ય મુખ્ય નેતાઓ પર પ્રતિબંધ લાદવાની વાત અંગે વિચારવું જોઈએ.
 
અમેરિકન આયોગનું કહેવું છે કે ભારતનો ઇતિહાસ બિનસાંપ્રદાયિક રહ્યો છે અને તેમાં કોઈપણ સાથે ધર્મના આધારે ભેદભાવની જોગવાઈ નથી.
 
ભારતનું બંધારણ કોઈપણ પ્રકારના ધાર્મિક ભેદભાવ વગર સમાનતાની ખાતરી આપે છે.
 
નોંધનીય છે કે આ બિલમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં વસતા હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી અને શીખ ધર્મ પાળનાર લોકોને ભારતીય નાગરિકતા આપવાનો પ્રસ્તાવ છે.
 
ભારતની પ્રતિક્રિયા
 
જેની ઉપર પ્રતિક્રિયા આપતું નિવેદન ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકાના આયોગની ટિપ્પણી બિનજરુરી તથા બરાબર નથી.
 
રવીશ કુમારના કહેવા મુજબ, "આ મુદ્દે USCIRFને કંઈ કહેવાનો અધિકાર નથી, ત્યારે પક્ષપાતપૂર્ણ વલણની વાત કરવી ખેદજનક છે."
 
"જો ખરેખર કોઈ ધાર્મિક સ્વાતંત્ર્યની પરવાહ કરતું હોય તો આ બિલ આવકાર્ય છે."
 
ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ધર્મના આધારે કોઈનું નાગરિકત્વ સમાપ્ત નથી થવાનું.
 
યુ.એસ. કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)
 
 
આયોગની વેબસાઇટ પ્રમાણે USCIRFએ અમેરિકાની સંઘીય સરકારનું સ્વતંત્ર આયોગ છે.
 
આ વેબસાઇટ અનુસાર USCIRF સમગ્ર વિશ્વમાં સાર્વત્રિક ધાર્મિક સ્વાતંત્ર્યના હકો અને માન્યતાઓનું રક્ષણ કરતું આગવા પ્રકારનું પ્રથમ આયોગ છે.
 
તેની રચના 1998માં ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ઍક્ટ (IRFA) અંતર્ગત કરાઈ હતી.
 
આયોગનું મુખ્ય કાર્ય વિશ્વના જુદા-જુદા દેશોમાં ધાર્મિક સ્વાતંત્ર્યના ભંગ અંગે માહિતી એકત્રિત કરી, તેના વિશે અમેરિકાના રાષ્ટ્રપતિ, સેક્રેટરી ઑફ સ્ટેટ અને કૉંગ્રેસને નીતિગત નિર્ણયો લેવાની ભલામણ કરવાનું છે.
 
આ આયોગમાં અમેરિકાના બંને પક્ષના (રિપબ્લિકન તથા ડેમૉક્રેટિક) સભ્ય સામેલ હોય છે.
 
નોંધનીય છે કે ઇન્ડિયા ટુડેના એક અહેવાલ પ્રમાણે, 2013ના રિપોર્ટમાં આયોગે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી પર વર્ષ 2005થી અમેરિકન સરકાર દ્વારા લાદવામાં આવેલ વિઝા પ્રતિબંધ ચાલુ રાખવાની ભલામણ કરી હતી.
 
આયોગનું માનવું હતું કે ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં હુલ્લડોમાં મોદીની કથિત સંડોવણી હતી. બાદમાં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા હતા અને તેમના ઉપરનો વિઝા પ્રતિબંધ ઉઠાવી લેવાયો હતો.
 
આયોગનાં મુખ્ય કાર્યો
 
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિને આખા વિશ્વમાં ધાર્મિક સ્વાતંત્ર્યને ગંભીર અસર થાય તેવાં કૃત્યો માટે જવાબદાર વ્યક્તિઓની યાદી તૈયાર કરાવી આવી વ્યક્તિઓનાં નામ ફેડરલ રજિસ્ટરમાં નોંધવા માટે જવાબદાર ઠેરવે છે. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ઍક્ટ, 1998 (IRFA) અંતર્ગત અમેરિકાના રાષ્ટ્રપતિને આવી યાદી તૈયાર કરાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
 
આ જ ઍક્ટ એટલે કે IRFA અનુસાર USCIRFનું સંચાલન કરવામાં આવે છે. IRFAમાં સમાવિષ્ટ અન્ય જોગાવાઈઓ અનુસાર આયોગનાં મુખ્ય કાર્યો પૈકી એક ધાર્મિક સ્વાતંત્ર્યને લગતા મુદ્દાઓ પર દેખરેખ રાખવાનું અને તે અંગે સંશોધન કરવાનું છે.
 
આ સિવાય આયોગ દુનિયાના ગમે તે દેશમાં પોતાના ફૅક્ટ-ફાઇન્ડિંગ મિશન મોકલી શકે છે. આ કાયદાની અન્ય એક જોગવાઈ પ્રમાણે, USCIRF ને જે-તે મુદ્દાની જાહેર સુનાવણી કરવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે.
 
આયોગ દર વર્ષે એક રિપોર્ટ જાહેર કરે છે. જેમાં તેઓ ટીયર-1, ટીયર-2 અને અન્ય દેશો એમ ત્રણ વિભાગ પ્રમાણે દેશોની યાદી તૈયાર કરાય છે. જે-તે દેશમાં રહેલી ધાર્મિક સ્વાતંત્ર્યની પરિસ્થિતને મૂલવીને જે-તે દેશને અમુક યાદીમાં સમાવવામાં આવે છે. જેમાં ટીયર-1માં જે દેશમાં ધાર્મિક સ્વાતંત્ર્યની પરિસ્થિતિ ખરાબ હોય તેને સમાવવામાં આવે છે. આ યાદીમાંના દેશોને 'ખાસ ધ્યાન આપવાજોગ દેશો'ના મથાળા હેઠળ મૂકવામાં આવે છે.
 
2018ના રિપોર્ટ પ્રમાણે આ યાદીમાં બર્મા, ઈરાન, પાકિસ્તાન, રશિયા અને ચીન જેવા 16 દેશો સમાવિષ્ટ છે. જ્યારે ટીયર-2માં ટીયર-1 કરતાં ધાર્મિક સ્વાતંત્ર્યને લઈને જ્યાં પ્રમાણસર ઓછી ખરાબ પરિસ્થિતિ હોય તેવા દેશોને મૂકવામાં આવે છે.
 
આયોગની ટીયર-2 દેશોની યાદીમાં અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા, ભારત અને ઇજિપ્ત જેવા 12 દેશોનો સમાવેશ કરવામાં છે. જ્યારે ટીયર-1 અને ટીયર-2માં સમાવિષ્ટ ન હોય તેવા દેશોને 'અન્ય દેશો'ના મથાળા હેઠળ મૂકવામાં આવે છે.
 
વર્ષ 2018ની આયોગના રિપોર્ટ અનુસાર આ મથાળા હેઠળ બાંગ્લાદેશ, બેલારૂસ, ઇથિયોપિયા અને નેપાળ જેવા 9 દેશોને મૂકવામાં આવ્યા છે.