શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (13:08 IST)

ભાજપ ચૂંટણી પહેલાં કૉંગ્રેસ અને 'આપ'ના ધારાસભ્યો અને નેતાઓને કેમ આકર્ષી રહ્યો છે?

cr patil
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન મળી હોય એવી સફળતા મેળવી છે, છતાંય ભાજપ હજુ કૉંગ્રેસ અને આપના ધારાસભ્યોને તોડીને ભાજપમાં ભેળવી રહ્યો છે એવા આક્ષેપો વિપક્ષી નેતાઓ કરી રહ્યા છે.
 
19મી ડિસેમ્બરે ખંભાતથી કૉંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. તો થોડા દિવસ પહેલાં વીસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું.
 
બંને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી પૂરી શક્યતા છે અને તેમણે આપેલાં નિવેદનો પણ એ વાત તરફ ઇશારો કરે છે.
 
પરંતુ ગુજરાતમાં આટલી જંગી બહુમતી મેળવ્યા પછી, ત્રણ રાજ્યોમાં ભારે બહુમતીથી ચૂંટણી જીત્યા પછી શું ખરેખર હજુ ભાજપને લોકસભા ચૂંટણીની ચિંતા છે? કે પછી બીજાં કોઈ કારણો છે? રાજકીય વિશ્લેષકો શું કહે છે?
 
ભાજપની સાયકોલૉજિકલ વૉર ગેમ
 
તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને સેફોલૉજિસ્ટ ડૉ. એમ.આઈ. ખાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ભાજપ દ્વારા આ લોકસભા ચૂંટણી પહેલાની સાયકોલૉજિકલ નર્વ વૉર છે.”
 
2022ની ચૂંટણીમાં ભાજપે તમામ રેકૉર્ડ તોડીને જીત મેળવી છે અને 156 બેઠકો પર વિજય મેળવ્યો છે. પરંતુ ભાજપ વિરોધી મતોમાં ફર્ક નથી પડ્યો. એ મતોમાં ભાગલા પડ્યા છે.
 
2017ની ચૂંટણીમાં ભાજપને 49.1 ટકા મત મળ્યા હતા, તો કૉંગ્રેસને 41.4 ટકા મત મળ્યા હતા. જ્યારે 2022ની ચૂંટણીમાં ભાજપને 52.50 ટકા મત મળ્યા છે.
 
ભાજપને 2022ની ચૂંટણીમાં 3.45 ટકા વધારાના મતો મળ્યા છે જ્યારે કૉંગ્રેસનું નબળું પ્રદર્શન રહ્યું છે અને તેમને 27.28% મતો મળ્યા છે.
 
તો આપને 12.92 ટકા મતો અને એઆઈએમઆઈએમને 0.29 ટકા મતો મળ્યા છે. એટલે જો ભાજપ વિરોધી વોટશેર ગણવામાં આવે તો તે 41.1 ટકા થાય છે. જે ગઈ ચૂંટણીની સરખામણીમાં માત્ર 0.2 ટકા જ ઓછો છે.
 
એમ.આઈ. ખાન જણાવે છે કે, “આ ચૂંટણીમાં જે ઉમેદવારોની પોતાની મજબૂત પકડ અને લોકપ્રિયતા હતી એ જ ઉમેદવારો જીત્યા છે, કારણ કે 2017થી 2019ની ચૂંટણી સુધીના સમયગાળામાં આવા જ મજબૂત રાજકારણીઓને કૉંગ્રેસમાંથી ભાજપમાં લાવી કેટલાકને ભાજપે મંત્રીપદ આપ્યાં હતાં. આ એક સાયકોલૉજિકલ નર્વ વૉર હતી જેના કારણે ભાજપને 2019ની લોકસભાની ચૂંટણીમાં કશું જ નુકસાન થયું ન હતું અને તેનો વોટશેર પણ વધ્યો હતો. વધુમાં, આ વખતે ભાજપનું લોકસભામાં પલ્લું પહેલેથી જ ભારે છે.”
 
તેઓ સમજાવે છે કે, “છેલ્લા ત્રણ મહિનામાં કૉંગ્રેસમાં આપ અને ભાજપના કેટલાક નાના કાર્યકર્તાઓ જોડાયા છે. એ જોયા પછી આપ અને કૉંગ્રેસના કદ્દાવર નેતાઓને ભાજપમાં લેવાનું શરૂ કર્યું છે. 32 વર્ષથી ભાજપનો ગઢ બનેલી ખંભાતની બેઠક પરથી જિતેલા કૉંગ્રેસના નેતા ચિરાગ પટેલનું રાજીનામું આવ્યું છે. એ જ રીતે ભૂતકાળમાં ભાજપનો ગઢ ગણાતી વીસાવદરની બેઠક પરથી આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યું છે. જેથી બંને ભાજપમાં જોડાય કે ન જોડાય પણ આ નર્વ વૉરમાં એમનું પહેલેથી જ ભારે પાસું હજુ વધુ મજબૂત થશે.”
 
તો જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ પણ 156 બેઠકો જીત્યા પછી પણ કૉંગ્રેસ અને આપના ધારાસભ્યોને ભાજપમાં આવકારવા પાછળનું ગણિત સાયકોલૉજીકલ નર્વ વૉર છે એ વાત સાથે સહમત થાય છે.
 
તેઓ કહે છે, “ચૂંટણી આવતાં પહેલાં કૉંગ્રેસ અને આપના કાર્યકર્તાઓનો ઉત્સાહ તોડી નાખવાનો આ સીધો પ્રયાસ છે. આ વખતે ચૂંટણીમાં જે બિનભાજપી લોકો જીત્યા છે એ એમની તાકાત પર જીત્યા છે. એમની પ્રજામાં છાપ ના આધારે જીત્યા છે. પણ આટલી મોટી જીતમાં 32 વર્ષથી ભાજપ પાસે રહેલી ખંભાત જેવી બેઠકને કૉંગ્રેસ આંચકી લે ત્યારે મધ્ય ગુજરાતમાં બીજી વાર ભાજપને મનોમંથન કરવાની જરૂર લાગી હતી. એટલે 2019ની ચૂંટણીની જેમ જ ભાજપે આ રણનીતિ અપનાવી છે. આ બંને પક્ષોને ડીફેન્સિવ મોડમાં ધકેલવાનો પ્રયત્ન છે.”
 
કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી શું કહે છે?
 
કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ભાજપ એ કૉંગ્રેસના નેતાઓને ડરાવી ધમકાવીને પોતાની તરફ ખેંચી જાય છે અથવા કોઈ પદની લાલચ આપીને લઈ જાય છે ત્યારે કૉંગ્રેસે પણ આત્મમંથન કરવાની જરૂર છે. ભાજપની સામે ટક્કર ઝીલવા માટે નેતાઓએ હવે કોને ટિકિટ આપવી અને કોને ન આપવી એ નક્કી કરતી વખતે પુનઃ વિચાર કરવો પડશે જેના કારણે આ સિલસિલો બંધ થઈ શકે.”
 
તો આપના પ્રવક્તા ડૉ. કરણ બારોટે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, “ભાજપ બહુમતીના જોરે વિપક્ષને રુંધી રહ્યો છે. આપના ધારાસભ્યોની વધતી તાકાતને જોઈ એમને ભાજપમાં ખેંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે.”
 
તેમનો દાવો છે કે “ભાજપના શાસનમાં ચાલતા ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આપનો મોટો ફાળો રહ્યો છે. ગુજરાતમાં ચાલતી નકલી સરકારી કચેરીઓનો ભાંડાફોડ આપ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે ભાજપને કૉંગ્રેસ કરતાં વધુ ખતરો આપથી છે. એટલે જ આપના ધારાસભ્યોને તોડવાનું અને ડરાવવાનું કામ ભાજપ કરે છે.”
 
આ તમામ દાવા અને આરોપોને ફગાવી દેતા ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ભાજપ કોઈને ડરાવી, ધમકાવી કે લાલચ આપીને પોતાની તરફ ખેંચતો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ, ભાજપના પ્રજાભિમુખ કામોને કારણે ભાજપ તરફ લોકો આકર્ષાય છે અને ભાજપમાં જોડાય છે.”
 
“ભાજપ સામાન્ય કાર્યકરની કદર કરનારી પાર્ટી હોવાથી તેની નીતિ-રીતિથી આકર્ષાઈને બીજા પક્ષમાંથી લોકો આવે છે. બીજા પક્ષો ભાજપની સફળતા અને તેમની નિષ્ફળ નીતિઓને કારણે ભાજપ પર આક્ષેપો કરે છે પણ પ્રજા બધું જાણે છે એટલે ભાજપને આટલી બહુમતી આપે છે.”