મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Updated : મંગળવાર, 11 મે 2021 (13:15 IST)

Ground Report: ગામડાંઓમાં કેવી છે કોરોનાની સ્થિતિ, કોણ જવાબદાર...તંત્ર કે પછી આપણી બેદરકારી

રાજ્ય સહિત દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક છે. કોરોનાની બીજી લહેરમાં તંત્ર અને સરકારની પોલ ઉઘાડી પડી ગઇ છે. બીજી લહેરમાં સરકારની મેનેજમેન્ટ અને તંત્ર હચમચી ગયું છે. દેશભરમાં મેડિકલ સેવાઓ માળખું ખોરવાઇ ગયું. શું કરવું શું ન કરવું એવી વિકટ પરિસ્થિતિ સર્જાઇ. સતત ઓક્સિજન અને દવાઓની અછત સર્જાઇ. હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારોના દ્વશ્યો જોવા મળી. આ મહામારીમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. બીજી લહેરમાં સૌથી વધુ અસર ગામડાંઓમાં જોવા મળી. કોરોનાના સંક્રમણે ગામડાંઓને બાનમાં લીધા. આ લહેરમાં બાળકો અને મહિલાઓ સપેડાઇ ગઇ. 
 
હાલમાં ઘણા રાજ્યના ગ્રામીણ વિસ્તરોમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું અને કેટલાક ગામડાંઓ તો એવા છે જ્યાં ગત કેટલાક દિવસોથી દરરોજ 5-7 લોકોના મોત થયા છે. 
ભારતમાં અડધાથી વસ્તી ગામડાંમાં વસવાટ કરે છે, જે અત્યાર સુધી કોરોના વાયરસથી બચી ગઇ હતી પરંતુ હવે ધીમે ધીમે આ સંક્રમણ ગામડાંઓમા પણ પહોંચી ગયું છે. જે વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. હવે ગામડાંઓમાં પણ શહેરોની માફક સંક્રમણ ફેલાઇ રહ્યું છે. લાખો લોકો પ્રભાવિત થઇ રહ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ગુજરાતના ગામડાંઓમાં કોરોનાની સ્થિતિ કેવી છે. 
શહેરોમાં કોવિડ સેન્ટરો આર્શિવાદ સમાન
 
કોવિડ કમ્યુનિટી આઈસોલેશન સેન્ટરોની રાજયસ્તરે આગવી ઓળખ બની છે. હાલ રાજ્યમાં દરેક શહેરમાં કોવિડ કમ્યુનિટી આઈસોલેશન સેન્ટરો કાર્યરત છે. કોરોના સંક્રમણને નાથવા માટે શહેરમાં કોવિડ કમ્યુનિટી આઈસોલેશન સેન્ટર મધ્યમ વર્ગીય પરિવાર માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. શહેરોમાં શરૂ કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં પુરતી સુવિધાઓ મળી રહી છે. ઓક્સિજનથી માંડીને દવાઇ અછત વર્તાતી નથી. જો પરિસ્થિતિ ક્રિટિકલ હોય તો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જ્યાં તેઓને કોરોનાને માત આપવા માટે જરૂરી તમામ પ્રકારની સારવાર તેમજ સાયકોલોજીકલ સારવાર પણ આપવામાં આવે છે.  કેટલાક સેન્ટરોમાં યોગા તો કેટલાક સેન્ટરોમાં પુસ્તકો પણ આપવામાં આવે છે. અનેક વૃદ્ધો અને યુવાઓએ આઈસોલેશન સેન્ટરમાં રહીને કોરોનાને માત આપી ચૂક્યા છે.
મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન
રાજ્ય સરકારે  1 મે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતના ગામડાઓને કોરોના મુક્ત કરવા 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' અભિયાન શરૂ કર્યું છે. જેમાં ગ્રામજનો, સરપંચ અને તલાટી અને અધિકારીઓની મદદ આઇસોલેશન સેન્ટરો શરૂ કરવાના કામગીરી શરૂ કરવામાં આવી. આ અભિયાન અંતર્ગત રાજ્યના ૧૬૦૦૦ થી વધુ ગામોમાં “ગ્રામ યોધ્ધા કમિટી” ની રચના કરાઇ છે. અંદાજે ૫૦ લાખથી વધુ લોકોનું વ્યક્તિગત સર્વેલન્સ હાથ ધરાયું છે જે અંતર્ગત  ૫ હજાર જેટલા દર્દીઓ આઇસોલેશનમાં છે. 
કોવિડ કેસ સેન્ટરોની વાસ્તવિકતા
જોકે કડવી વાસ્તવિકતા એ છે કે રાજ્યના મોટાભાગના ગામોમાં ઉભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં પુરતી સુવિધાઓનો અભાવ હોવાને કારણે આ સેન્ટરો ખાલી દેખાઈ રહ્યા છે. જો કે શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. અને ગામડાઓમાં મોટાપાયે સંક્રમણ વધી ગયું હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે. મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા ઉભા કરેલા કોવિડ કેર સેન્ટરોની તપાસ કરતા રાજ્યના લગભગ મોટાભાગના ગામોમાં બનાવવામાં આવેલા કેર સેન્ટર ખાલીખમ લાગી રહ્યા છે. આ સેન્ટરમાં જરૂરી સુવિધાઓથી સજ્જ કર્યા  હોવાના તંત્રના દાવા વચ્ચે વાસ્તવિકતા અલગ છે. 
 
જાગૃતતાનો અભાવ
જોકે આ સેન્ટર શરૂ થયાથી આજ સુધી એકપણ દર્દી આવ્યું નથી. આથી ખાલીખમ દેખાઈ રહ્યા છે. જોકે ગામના લોકોના કહેવા પ્રમાણે  સેન્ટરો ખાલી રહેવાનું મુખ્ય કારણ ગામના લોકોમાં જાગૃતિનો અભાવ છે. ગામડાઓમાં રહેતા લોકો સામાન્ય તાવ કે કોરોના રોગની શરૂઆતથી દિવસોમાં બેદરકારી દાખવે છે. અને દવાખાને જવા કે સેન્ટર સુધી જવાને બદલે ઘરે જ પડી રહે છે. તેને કારણે દર્દીની તબીયત લથડે છે. અને રોગ વધારે ગંભીર સ્વરૂપ લે છે અને ગામમાં મોટા પાયે કોરોના સંક્રમણ (Coronavirus) ફેલાય છે. લોકોમાં જાગૃતિના અભાવને કારણે કોઈ તબિયત લથડી નહીં ત્યાં સુધી દર્દીઓ ઘરે જ પોતાને આઇસોલેટ કરે છે. અને રોગને છુપાવે છે. આમ લોકોની જાગૃતિના અભાવે જ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા સેન્ટરોમાં લોકો જતા નથી. તેવું સ્થાનિક લોકો પણ માની રહ્યા છે.
 
કેમ ગામડાં પ્રસરી રહ્યું છે સંક્રમણ
અત્યારે રાજ્યમાં ગામડાંઓમાં કોરોનાએ એન્ટ્રી કરી લીધી છે. કેમ ગામડાંઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે તેનું કોઇ નક્કર અનુમાન લગાવવવું મુશ્કેલ છે. કારણ કે ગામડાંઓમાં ના ટેસ્ટિંગની કોઇ સુવિધા અને ના તો સારવારની વ્યવસ્થા છે. ઘણા ગામડાંઓમાં પેરાસિટામોલ જેવી દવાઓની પણ કાળાબજારી શરૂ થઇ ગઇ છે. સામાન્ય દિવસોમાં 6-7 રૂપિયામાં મળનારી દવાની હવે 150-200 રૂપિયામાં મળે છે. બીજી મહત્વની વાત એ છે કે જે લોકો સંક્રમિત થઇ શકે છે તે જિલ્લાના કોવિડ સેન્ટરમાં જઇને પોતાનો ટેસ્ટ કરાવવા માંગતા નથી. કારણ કે ગામડાંઓમાં રહેતા લોકોનું માનવું છે કે તેમને કોરોના થઇ ન શકે. 
ગામડાના લોકોનો ઓવર કોન્ફીડેન્સ
ગામડાના રહેતા લોકો માને છે કે તેઓ શુદ્ધ હવા, પૌષ્ટિક ખોરાક લે છે અને મહેનત કરે છે. એટલે તેમને કોરોના થઇ ન શકે. તેઓ માનવા તૈયાર નથી કે તેમને પણ કોરોના સંક્ર્મણ થઇ શકે છે. ગત વર્ષે કોરોના ફક્ત શહેરો સુધી સિમિત હતો અને જેથી ગ્રામીણ લોકો એમ પણ કહે છે કે આ તો શહેરોની બિમારી છે. જોકે સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર કોરોનાનો નવો વેરિએન્ટ ઘણા મામલે મજબૂત ઇમ્યૂનિટી સિસ્ટમને ભેદવામાં સક્ષમ છે. 
 
આરોગ્ય સુવિધાઓનો અભાવ
કડવું સત્યા એ છે કે ગામડામાં ના તો મોટી હોસ્ટિલો હોય છે ના તો ડોક્ટર્સ. પુરતો હેલ્થ સ્ટાફ પણ હોતો નથી અને ના તો જરૂરી દવાઓ ઉપલબ્ધ હોય છે. એવામાં જો સંક્રમણ કોઇ ગામમાં ફેલાઇ જાય તો તમામ લોકોની સારવાર કરવી સંભવ નથી. એટલા માટે શહેરોના મુકાબલો ગામડાંઓમાં સંક્રમણની ચિંતા વધુ છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે ગામડાંઓમાં ઉંટ વૈદ્ય ડોક્ટરોનું રાજ છે. ઘણા ગામડાંઓમાં આવા ઉંટવૈદ્ય ડોક્ટરો ગામડાંઓમાં કોરોના સંક્રમિતોની સારવાર કરતા હોય છે અને તેમને મેલેરિયા અને ટાયફોડની દવાઓ લખે છે. તેનાથી લોકો હાલ વધુ બગડે છે. 
ગ્રામસ્તરે કેવી રીતે અટકાવી શકાશે સંક્રમણ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેકટર ડૉ.દિલીપ માવળંકરે જણાવ્યુ હતું કે, કોરોનાને નાથવા માટે આપણે ઘણા સમયયથી પ્રયાસો કર્યા છે જેને સફળતા મળી છે. આગામી સમયમા ત્રીજો વેવ આવવાની સંભાવના સેવાઈ રહી છે તે માટે આપણે સૌ એ તકેદારી સાથે સચેત રહેવાની જરૂર છે. 
તેમણે ઉમેર્યુ કે, બીજા તબક્કામા ગામડાઓ માં જે રીતે કેસો વધી રહ્યા છે તે માટે ગ્રામ્ય કક્ષાએ કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવાયા છે ત્યારે દર્દીઓ આઈસોલેશનમા રહે તો એના પરિવારને સંક્મણથી બચાવી શકશે આવા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ જો આઈસોલેશનમા રહીને સારવાર લે તો ગ્રામ્ય સ્તરે ચોકકસ સંક્રમણ અટકાવી શકીશું.
તેમણે ગામડાઓમા સંક્રમણ અટકે એ માટે ભીડ એકત્ર ન કરીએ અને યોગ્ય સોશયલ ડિસટન્સીગનુ પાલન કરીને કોવિડના પ્રોટોકોલનુ પણ ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત લોકોમા જાગૃતિ આવે એ માટે સંનિષ્ઠ પ્રયાસો કરીએ અને સૌ નાગરિકો પણ સ્વયં જાગૃત બને એ પણ એટલુ જ જરૂરી છે. 
ભીડમા જઈએ ત્યારે ડબલ માસ્ક રાખીએ, સોશ્યલ ડિસ્ટન્સ રાખીએ તેમજ સેનીટાઈઝેશન અને વેન્ટીલેટરની યોગ્ય વ્યવસ્થાઓ પોતાના ઘરમાં રાખવુ જોઈએ. તેમજ બિમારી જણાય તો સત્વરે નિદાન કરાવીને તેની સારવાર ઝડપથી શરૂ કરવી જેના પરિણામે આપણે ક્રિટીકલ પરિસ્થિતિમાંથી ચોકકસ બચી શકીશું તેમણે કોરોનાથી બચવા માટે વેકિસન ઉપલબ્ધ છે તો સૌ નાગરિકો એ સહેજપણ ગભરાયા વગર વેકસિન લઈ લેવી જોઈએ તેમ તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો છે.
 
ગામડાં કોરોનાના સંક્રમણને લઇને સર્વે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ કોરોનાની બીજી લહેરમાં વધુ સંક્રમિત થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં મહિલાઓમાં જાગૃતતાનો અભાવ હોવાના તારણો સામે આવ્યા છે. મનોવિજ્ઞાન ભવનના 45 વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં જાગૃતતાનો અભાવ હોવાના તારણો આવ્યા સામે છે.
બીજી લહેરમાં સમાચારપત્રોમાં અવસાન નોંધ આવતી હતી તેમાં મહિલાઓની અવસાન નોંધમાં વધારો થયો હતો. જેમાં ટેલિફોન સર્વેમાં જાણવા મળ્યું હતું કે ગામડાની સ્ત્રીઓ માસ્ક ને બદલે મોં ઢાંકવામાં સાડીનો આજે પણ ઉપયોગ કરતી હોવાનું અને કોઈ પણ પ્રસંગમાં એક જગ્યાએ એકત્ર થવાનું વધુ રાખતા હોવાથી સંક્રમણનું પ્રમાણ વધુ હોવાનું તારણ સામે આવ્યું છે.
શું તારણો આવ્યા સામે ?
- ગ્રામ્ય વિસ્તારમાં કોરોના અંગે જાગૃતતાનો અભાવ
- ગામડામાં મહિલાઓ આજે પણ સાડીનો માસ્ક તરીકે ઉપયોગ કરે છે
- કરિયાણું અને ખરીદી કરતી સમયે મહિલાઓ 4 કરતા વધુ સંખ્યામાં સાથે જાય છે
- ગામડે પાણી ભરવા જતા સમયે મહિલાઓ એક કરતાં વધુ એકઠી થઈને જાય છે
- ગામમાં મરણ સમયે મરસિયા ગાવા અથવા છાતી ફૂટવા સ્ત્રીઓ એકત્ર થાય છે
-ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ ઘર ગથ્થુ ઉપચાર જ કરે છે
- હોસ્પિટલ સારવાર લેવા જતા મહિલાઓ ગભરાય છે
કોરોનાની ત્રીજી લહેરની સંભાવના અને સરકારની તૈયારીઓ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના કોવિડ-19ની ત્રીજી લહેર આગામી દિવસોમાં આવી શકે તેવી દુનિયાના મેડીકલ એકસપર્ટસ દ્વારા કરેલી સંભાવનાઓને પગલે ગુજરાતમાં પણ તેનો સતર્કતા-સજ્જતાથી સામનો કરવાના આગોતરા આયોજન રૂપે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યુ હતું.
તેમણે કહ્યું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારનો પહેલી લહેર અને બીજી લહેરનો જે અનુભવ, સારવાર પદ્ધતિ આપણી પાસે છે તના આધાર ઉપર ત્રીજી સંભવિત વેવમાં ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય, મૃત્યુદર પણ સાવ ઓછો રહે એ દિશામાં પ્રયત્નશીલ રહેવાની આવશ્યકતા છે. તેમણે થર્ડ વેવથી બચવા-રક્ષણ મેળવવા રાજ્યમાં મોટાપાયે લોકોનું વેકસીનેશન થાય તે માટે તજજ્ઞ તબીબો પ્રચાર-પ્રસારમાં રાજ્ય સરકાર સાથે જોડાય તેવી અપીલ પણ કરી હતી.