શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 ઑક્ટોબર 2019 (12:29 IST)

ગુજરાતમાં સાઈબર ગુનાખોરીમાં 90 ટકાનો વધારો થયો

સાઈબર ગુનાખોરી-ઓનલાઈન ફ્રોડમાં ગુજરાતમાં 89 ટકાનો ધરખમ વધારો થયો છે. આઈટી કાયદા તથા આઈપીસીની વિવિધ કલમો હેઠળ 2015માં 242 ગુના નોંધાયા હતા તે 2017માં વધીને 458 નોંધાયા છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રીપોર્ટમાં અપાયેલી આંકડાકીય માહિતી પ્રમાણે 2017માં ગુજરાતમાં 427 લોકો સાઈબર ગુનાખોરીનો શિકાર બન્યા હતા. 42 લોકો સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હતી. 41 એટીએમ ફ્રોડનો ભોગ બન્યા હતા. જયારે 10 લોકો વન-ટાઈમ પાસવર્ડ મારફત છેતરાયા હતા.

ગુજરાતના મુખ્ય શહેરો પૈકી અમદાવાદમાં 2016માં સાઈબર ગુનાના 77 કેસ હતા. તે 2017માં વધીને 112 થયા હતા. સુરતમાં 66 કેસ એક વર્ષમાં વધીને 105 પર પહોંચ્યા હતા. 2016ની સરખામણીએ સાઈબર ગુનાઓમાં 26.50 ટકાની વૃદ્ધિ થઈ હતી. જયારે બે વર્ષમાં 89 ટકાનો ધરખમ વધારો થયો છે. અમદાવાદમાં 45 ટકા તથા સુરતમાં 59 ટકા વધુ સાઈબર ગુના નોંધાયા છે.
દેશભરમાં સૌથી વધુ સાઈબર ગુનાખોરી ધરાવતા રાજયોમાં ગુજરાતનો ક્રમ 12મો રહ્યો છે.
રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે 458માંથી 305 સાઈબર કેસોમાં ઈરાદો છેતરપીંડી-ઠગાઈનો જ માલુમ પડયો હતો.. જયારે 79 કેસોમાં ગરબડ સર્જવાના ઈરાદે સાઈબર ગુના આચરવામાં આવ્યાનું બહાર આવ્યુ હતું. 24 કેસોમાં શારીરિક અત્યાચારનો આશય જણાયો હતો. છ કેસોમાં આરોપીઓએ વ્યક્તિગત દુશ્મનાવટને કારણે ગુના આચર્યાની કબુલાત આપી હતી. જયારે ત્રણ કેસોમાં આરોપીઓએ મશ્કરી-ટીખળ કરવાના ઈરાદે આવા કૃત્ય કર્યાનુ કહ્યુ હતું.
સાઈબર સેલના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી સાઈબર ગુનાગોરીમાં સતત વધારો થતો રહ્યોછે. દરરોજ સરેરાશ એક ફરિયાદ અરજી મલે છે તેના આધારે ઓનલાઈન ફ્રોડ સામે જાગૃતિ વધી હોવાનુ માની શકાય છે. નાણાંકીય તથા સોશ્યલ મીડિયા આધારિત એમ બે પ્રકારે ફ્રોડ થતા હોય છે.