સૌરાષ્ટ્રમાં 169 ગામમાં વીજળી ગુલ, 1992 થાંભલા પડી ગયા; ભાવનગરના 73, સુરેન્દ્રનગરના 53 ગામમાં વીજળી નથી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આવેલા ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદને પગલે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. સૌરાષ્ટ્રના કુલ 169 ગામડાંઓમાં બુધવારે વીજપુરવઠો ખોરવાયો છે જ્યારે 1992 વીજપોલ ધરાશાયી થઇ ગયા છે. સૌથી વધુ ભાવનગરના 73 ગામડાં, સુરેન્દ્રનગરના 53, બોટાદના 24 ગામડાંઓમાં અંધારપટની સ્થિતિ છે જ્યારે રાજકોટ ગ્રામ્યના 6 ગામડાંમાં વીજળી નથી. વરસાદને પગલે વીજપુરવઠો ખોરવાતા પીજીવીસીએલના કર્મચારીઓમાં પણ દોડધામ મચી છે અને જુદી જુદી જગ્યાએ વીજપુરવઠો પૂર્વવત કરવા કામગીરી કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં એગ્રિકલ્ચરના 580 ફીડર વરસાદને કારણે બંધ પડી ગયા છે જ્યારે જ્યોતિગ્રામના 35 ફીડર બંધ પડી ગયા છે. ભારે પવનને કારણે રાજકોટ જિલ્લામાં 620 વીજપોલ પડી ગયા છે જ્યારે જામનગરમાં 1072 થાંભલા ધરાશાયી થતા તેને ઊભા કરીને વીજપુરવઠો પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. જે વિસ્તારમાં વીજળી નથી ત્યાં તુરંત વીજપુરવઠો પૂર્વવત કરવા કામ શરૂ કરવામાં આવ્યું છે. પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર ધીમંતકુમાર વ્યાસના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલની જુદી જુદી ટીમો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં જ્યાં વીજપુરવઠો ખોરવાયો છે ત્યાં પૂર્વવત કરવા માટે પ્રયાસ કરી રહી છે. કેટલાક વિસ્તારોમાં ચાલુ વરસાદે પણ કામગીરી કરવામાં આવી રહી છે.