જલમય વડોદરામાં આજે પણ ભારે વરસાદની આગાહી
જળબંબાકાર વડોદરોમાં હજુ પણ વધુ વરસાદ પડી શકે એમ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લાના છૂટાછવાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાનાં એંધાણ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે એમ છે.
આ દરમિયાન વરસાદને કારણે વડોદરાનું જનજીવન ખોરવાઈ ગયું છે. 'હિદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર અત્યાર સુધી જિલ્લામાં ચારનાં મૃત્યુ થયાં છે, જ્યારે 5 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા છે.
રાહત અને બચાવની કામગીરી માટે શહેરમાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફૉર્સ(એનડીઆરએફ)ની ચાર ટીમો તહેનાત કરાઈ છે. જ્યારે વધુ પાંચ ટીમોને ઍરલિફ્ટ કરવામાં આવી છે.
આ પહેલાં ગુરુવારે સવાર સુધી 24 કલાકમાં શહેરમાં 499 મિલિમિટર વરસાદ પડ્યો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં.
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું હતું, "આજવા ઓવરફ્લૉ થવાને કારણે વિશ્વામિત્રીનાં પાણીમાં વધારો થયો હતો અને તેને કારણે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું."