ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (16:46 IST)

સરકાર સ્કૂલોના સંપૂર્ણ સત્રની ફી માફીની જાહેરાત નહીં કરે તો આંદોલન કરાશે: પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભાના ત્રીજા દિવસે એટલે કે આજે કૉંગ્રેસ પાર્ટીએ ગૃહમાથી વૉકઆઉટ કર્યું હતું. વિદ્યાર્થીઓની ફી માફી અને આત્મનિર્ભર ગુજરાત માટે સરકારે જાહેર કરેલા પેકેજમાંથી કેટલો ખર્ચ થયો તેની માહિતી આપવાની માંગણી સાથે કૉંગ્રેસના તમામ સભ્યો ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. વૉકઆઉટ બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મીડિયા સમક્ષ નિવેદન કરતા કહ્યુ હતુ કે, જો વિજય રૂપાણી સરકારઆ જ વિધાનસભા સત્રમાં વિદ્યાર્થીઓના એક સત્રની સંપૂર્ણ ફી માફીની જાહેરાત નહીં કરે તો કૉંગ્રેસ આ આંદોલનને ગામડે ગામડે લઈ જશે.વિધાનસભામાંથી વૉકઆઉટ બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, "આજે
વિધાનસભાની અંદર ટૂંકી મુદતના બે પ્રશ્ન દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ પ્રશ્ન એવો હતો કે ગુજરાત સરકારે જાહેર કરેલા 14 હજાર કરોડના 'આત્મનિર્ભર ગુજરાત' રાહત પેકજમાંથી કેટલી રકમ ખર્ચવામાં આવી અને કેટલા લોકોને તેનો લાભ મળ્યો? પરંતુ સરકારે આ પ્રશ્નનો જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

કોરોનાની માહમારી વચ્ચે ગરીબો, શ્રમિકો, કુશળ કારીગરો, નિમ્ન વર્ગના લોકો, રિક્ષા, ટેક્સી, ટેમ્પા ચાલકો, બાંધકામ શ્રમિકોને કેટલી સહાય મળી તેનો જવાબ આવવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. ખરેખર આ રાહત પેકેજ નહીં પરંતુ પડીકું છે."પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, "ઇમરાન ખેડાવાલાનો બીજો પ્રશ્ન હતો કે કોરોના કાળમાં લોકોના ધંધા ઠપ થઈ ગયા છે, તેમજ અનેક લોકો બેકાર બન્યા છે ત્યારે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલોજેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓના ખિસ્સા ખાલી થઈ ગયા છે. છ મહિનાથી શાળા કૉલેજો બંધ છે. આ દરમિયાન અમુક શાળા માફિયાઓ ફી નહીં ભરો તો બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે. કૉંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી કે અમે વિદ્યાર્થીઓની એક સત્રની સંપૂર્ણ ફી માફી થાય તે માટે પ્રાયસ કરીશું. પરંતુ આ માટે પણ સરકારે વિધાનસભામાં નનૈયો ભણ્યો છે. ગુજરાતનું યુવાધન અંધકારમાં ન ધકેલાય તે માટે અમે સરકારને જગાડવા માટે વિધાનસભામાંથી વૉકઆઉટ કર્યું છે."વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો હતો કે, "સરકાર વિધાનસભાની અંદર અને બહાર બંને જગ્યાએ જવાબ નથી આપતી. સરકાર ખાલી જાહેરાત કરી છે, એટલું જ નહીં સરકાર વિધાનસભાને પોતાના પ્રચારનું પ્લેટફોર્મ સમજે છે. 18 હજાર ગામડાના લોકો પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે સરકારે કોઈ નક્કર પગલાં નથી ભરી રહી. શાળા કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓની ફી માફી માટે અમારી સ્પષ્ટ માંગણી હતી. પરંતુ સરકાર સ્વનિર્ભર શાળાઓના માલિકો સાથેના મેળા-પીપળામાં આવું નથી કરી હતી. કોર્ટની આડમાં સરકાર જવાબ આપવા માટે બચી રહી હતી. પરંતુ કોર્ટે ઠપકો આપી સરકારને નિર્ણય લેવાનું કહ્યું છે ત્યારે જો સરકાર વિધાનસભામાં સંપૂર્ણ ફી માફીની જાહેરાત કરતી તો અમે પણ સરકારને અભિનંદન આપતા. જોકે, સરકાર આવું કરવાને બદલે રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત છે. સરકાર આ જ વિધાનસભામાં સંપૂર્ણ સત્ર ફી માફ નહીં કરે તો અમે આ આંદોલનને ગામડા સુધી લઈ જઈશું."વિપક્ષ નેતાએ ઉમેર્યું હતું કે, સરકારી અને ખાનગી શાળા-કૉલેજોમાં ભણતા દોઢ કરોડ વિદ્યાર્થીઓના વાલી ફી ભરવા માટે સક્ષમ નથી ત્યારે આ દોઢ કરોડ યુવાનોની પડખે કૉંગ્રેસનો કાર્યકરો ઊભો રહેશે. દોઢ કરોડ યુવા આ આંદોલનનું નેતૃત્વ કરશે અને કૉંગ્રેસ પાર્ટી તેમની પીઠબળ બનશે.