સૌરાષ્ટ્ર પંથકમાં દીપડા-સિંહ આતંક, ત્રણ ઘટનામાં 1નું મોત 3 ઘાયલ
સૌરાષ્ટ્રના જંગલ વિસ્તારમાં અવાર-નવાર જંગલી હિંસક પ્રાણીઓના હુમલા સામાન્ય બાબત બની છે. ત્યારે છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્ર પંથકમાં દીપડા અને સિંહના હુમલાના બનાવો સામે આવ્યા છે. આ હિંસક હુમલા એક બાળકનું મોત નિપજ્યું છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના ધારી પંથકમાં શનિવારે રાત્રે ગરમલી નજીક દિપડાએ હુમલો કર્યો હતો. જેમાં બે મહિલાને ઘાયલ થઇ હતી. આ બંને મહીલાઓ જમીનના શેડની બહાર સુતી હતી તે દરમિયાન અચાનક દીપડો આવી ચડ્યો હતો અને તેણે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વનવિભાગે માનવભક્ષી દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે અન્ય એક બનાવ રવિવારે સવારે સર્જાયો હતો જેમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા રેન્જ ભંડારીયા ગામ નજીક વાડી વિસ્તારમાં દીપડો એક બાળકીને ઉઠાવી ગયો હતો અને ફાડી ખાધી હતી.
તો ત્રીજી ઘટના અમરેલી જિલ્લામાં આવેલ ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમા સેમરડી નજીક રાત્રીના સમયે સર્જાઇ હતી. જેમાં સિંહે એક 50 વર્ષીય આધેડ પર હુમલો કર્યો હતો. જોકે આધેડ જાગી જતાં તેને માથાના ભાગે અને પાછળના ભાગે ઇજા પહોંચી હતી. આધેડને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.