બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (16:21 IST)

વિપુલ ચૌધરી AAPમાં જોડાય તો ભાજપ અને કોંગ્રેસને આ બેઠકો પર નુકસાન થઈ શકે

web story
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ અનેક પ્રકારની રાજકીય ઉથલપાલથલો શરૂ થઈ ગઈ છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 320 કરોડની ઉચાપતના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. તેમની ધરપકડ બાદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.

વિપુલ ચૌધરીએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો વિધાનસભા ચૂંટણી અગાઉ ડેરીની પેટાચૂંટણી નહીં યોજાય તો તેઓ આમ આદમી પાર્ટીનો હાથ પકડી શકે છે. જો આમ થાય તો ઉત્તર ગુજરાતની 20 બેઠકો પર સીધી અસર થઈ શકે એમ છે. કારણ કે કોંગ્રેસ પાસે ઉત્તર ગુજરાતમાં ગેનીબેન સિવાય કોઈ મજબૂત નેતા નથી અને કોંગ્રેસના ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં છે. એક સમયે એવી રાજકીય અટકળો શરૂ થઈ હતી કે, વિપુલ ચૌધરી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ જશે. વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાને હવે ઉત્તર ગુજરાતના મેદાનમાં ઉતારી છે. સાગર સૈનિક, અર્બુદા સેના અને અર્બુદા મહિલા સેના બનાવીને તેમણે ચૌધરી સમાજના ગામોમાં ભરપુર પ્રચાર શરૂ કર્યો છે. દૂધસાગર ડેરીના સંકુલ બહાર મોઘજીભાઈ ચૌધરી પર થયેલા હૂમલા બાદ રાજકીય પરિવર્તનો આવ્યા હતાં. ત્યાર બાદ વિપુલ ચૌધરી અને હરિભાઈ ચૌધરી ગ્રુપ વચ્ચે મામલો ગરમાયો હતો અને બંને જૂથોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. જો.કે હવે ઘીના ઠામમાં ઘી પડ્યું છે. અગાઉ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ મહેસાણા ગયા હતાં ત્યારે વિપુલ ચૌધરીના ખાસ ગણાતા મોઘજીભાઈ ચૌધરીએ બંધ બારણે તેમની સાથે મુલાકાત કરી હતી.

વિપુલ ચૌધરીએ તાજેતરમાં આમ આદમી પાર્ટીનો હાથ પકડવાના સંકેત આપ્યા હતાં. તેમણે વેબદુનિયા સાથેની  વાતચીતમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં આકર્ષણ છે. સૌની પાર્ટી છે. પાર્ટીમાં હકારાત્મકતા ખૂબ છે. ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીના કોણ આગેવાન છે એ ખ્યાલ નથી, તેમ છતાં 20 ટકા મત મળ્યા છે. જો વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસમાં જોડાય તો ઉત્તર ગુજરાતની 20 બેઠકો પર રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. ખાસ કરીને મહેસાણા, માણસા, ગાંધીનગર, વિજાપુર, વિસનગર અને ખેરાલુમાં ચૌધરી સમાજના મત ભાજપને અસર કરી જાય તેમ છે. જો કોંગ્રેસમાંથી તેમને આમંત્રણ નહીં મળે તો તેઓ આમ આદમી પાર્ટીમાં જાય તેવી શક્યતાઓ રાજકીય સુત્રોમાં ચર્ચાઈ રહી છે. એક સમયે શંકરસિંહ વાધેલા અને વિપુલ ચૌધરીને કોંગ્રેસમાં જોડાવાની વાતે કોંગ્રેસનું સિનિયર નેતાઓનું એક જૂથ નારાજ થયું હતું.