ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 4 મે 2020 (17:30 IST)

સુરતથી સૌરાષ્ટ્ર જવા ઇચ્છતા લોકોને દોઢ મહિનો વતનમાં જ ગાળવો પડશે

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં લોકડાઉન-૩નો કેટલીક છુટછાટો વચ્ચે શરૂ થયો છે ત્યારે હવે સુરતમાં વસતા અને હીરાના કારખાનામાં કામ કરતાં હજારો સૌરાષ્ટ્રવાસીઓને એમના વતન જવાની મંજૂરી આપવાનું રાજ્ય સરકાર ઉપર દબાણ વધ્યું છે. આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે ચાલી રહેલી તૈયારીઓ પૂર્ણ થતાં તેની વિધિવત જાહેરાત કરાશે, પરંતુ જે લોકો સુરતથી સૌરાષ્ટ્ર જશે એમણે દોઢ મહિના સુધી પરત આવવા મળશે નહીં એ નિશ્ચિત છે.છેલ્લા કેટલાક દિવસથો રાજ્યના સંક્રમિત શહેરો અને નગરો, ગામડાઓમાંથી લોકો યેનકેન પ્રકારે પોતાના વતન પહોંચી રહ્યા છે એના કારણે એ વિસ્તારમાં એકાએક કોરોના પોઝિટવ દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. એટલું જ નહીં ચાળીસ ચાળીસ દિવસ સુધી કોરોનાના વાયરસથી મુક્ત રહેનાર દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં એકાએક કેસ વધ્યા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદ અને ભાવનગર જેવા શહેરો અને જિલ્લાના ગામોમાં સુરતના હીરાઘસુ તથા કારખાનેદારો પોતાના વતનમાં પહોંચે તો ત્યાં સંક્રમણની સ્થિતિ બેકાબુ બની શકે છે. આવુ ન થાય એ માટે હાલ સુરત કલેક્ટર સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લા કલેક્ટરો સાથે સંકલન કરી તબક્કાવાર રીતે સુરતથી લોકોને સૌરાષ્ટ્ર જવાની મંજૂરી આપવાની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે, તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વીનીકુમારે જણાવ્યુ છે.તેમણે સ્પષ્ટ કર્યું કે, હાલની સ્થિતિએ સુરતથી જે લોકોને એમના વતન પહોંચવા માટે બસ કે પોતાના વાહનોના ઉપયોગની મંજૂરી મળશે. પરંતુ તેઓ સુરતથી નીકળશે ત્યારે એમનું સ્ક્રિનિંગ થશે. સૌરાષ્ટ્રના ગામ કે નગરમાં પહોંચે ત્યારે ફરીથી એમનું સ્ક્રિનિંગ થશે. જેમને શરદી, ખાંસી કે ઉધરસ હશે એમને પ્રવાસની મંજૂરી નહીં મળે. એ જ રીતે સૌરાષ્ટ્રની પંચાયત, પાલિકા કે મહાનગરપાલિકા પણ એમને પ્રવેશ આપશે નહીં. આ પછી એમણે ૧૪ દિવસ કોરન્ટાઇન રહેવાના રહેશે. આ પિરિયડ પૂરો થાય પછી એક મહિના સુધી સુરત પાછા આવવાની મંજૂરી મળશે નહીં. કોરન્ટાઇન માટે જે તે ગામ કે નગરમાં જરૂર પડ્યે સંસ્થાકીય વ્યવસ્થા ઊભી કરી શકાશે. આમ, આ સમગ્ર વ્યવસ્થા ગોઠવાયા બાદ જ એમને મંજૂરીની જાહેરાત સરકાર કરશે.