મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 મે 2020 (15:37 IST)

રાજકોટમાં 1 લાખમાંથી 50,000 જેટલા પરપ્રાંતીય મજૂરો વતનની વાટે

રાજકોટમાં 1 લાખથી વધારે પરપ્રાંતીય મજૂરો છે. ઉદ્યોગો શરૂ થતા મોટાભાગના કામે ચઢી ગયા છે. ત્યારબાદ સરવે કરાતા 50,000 કરતા વધુ મજૂરોને પોતાના વતન જવા માગતાં હોવાનું સામે આવ્યું છે, પણ આ તમામ અલગ અલગ રાજ્યમાંથી છે અને તે રાજ્યો પોતાની સીમામાં આવવા મંજૂરી આપી રહ્યા છે. બીજી તરફ રાજકોટથી 3 બસ મધ્યપ્રદેશ જવા રવાના થઈ છે અને હજુ 10 બસ મધ્યપ્રદેશ સરકારની મંજૂરીની રાહમાં છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં 65368 જ્યારે શહેરમાં 41320 પરપ્રાંતીય મજૂર છે. આ પૈકી જિલ્લાના 25000 તેમજ શહેરના 22000 મજૂરોએ વતન જવા માટે કહ્યું છે.  ગોંડલ પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર રવિવારે 3 બસને રવાના કરાઈ છે જેમાંથી બે બસ ગોંડલ જેમાં એક બસમાં 33 અને બીજીમાં 36 જ્યારે જેતપુરની બસમાં 14 લોકોને રવાના કરાયા છે. આ તમામ મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં જશે. હજુ 5 ગોંડલ અને 5 બસ જેતપુરની જવા તૈયાર છે તેના માટે મંજૂરીની રાહ છે. શ્રમિકોને પોતાના વતન જવા માટે મંજૂરીઓ તો અપાઈ રહી છે પણ તેઓ જે રાજ્યના છે ત્યાંની સરકાર હજુ અવઢવમાં છે અને પોતાના જ મૂળ રહેવાસીઓને પરત લાવવાનો નિર્ણય લઈ શકી નથી. માત્ર મધ્યપ્રદેશ સરકાર સાથે સંવાદ થતા ત્યાંના મજૂરો મોકલવાના શરૂ કરાયા છે, જ્યારે બાકીના રાજ્યો સાથે હજુ સંકલન થઈ શક્યું નથી. લોકડાઉન વધતાં જ પરપ્રાંતીય શ્રમિકો અધિરા બન્યા હતા અને ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન જવા માટે ઓરડીની બહાર નીકળી ગયા હતા. કોરોનાના હોટસ્પોટ જંગલેશ્વરમાં પણ સાંજે એકાદ હજાર પરપ્રાંતીય શ્રમિકો ટોળે વળી ગયા હતા. સરકારની સૂચના મુજબ જે છૂટછાટ અપાઈ રહી છે તે પૈકી ખાસ કરીને પરપ્રાંતીય મજૂરો માટે તબક્કાવાર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સુરત અને અમદાવાદમાં ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે તેવી જ રીતે રાજકોટમાંથી પણ પરપ્રાંતીય મજૂરો માટે ટ્રેન શરૂ કરવામાં આવશે.  ટૂંક સમયમાં સેવા શરૂ થશે. બધા માટે તંત્ર અને સરકાર ખડેપગે છે અને જે લોકોને જવું છે તે તમામ માટે તબક્કાવાર વ્યવસ્થા થઈ જશે તેથી ત્યાં સુધી પરપ્રાંતીય મજૂરો ધૈર્ય રાખે એમ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કહ્યું હતું