ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે 26 લોકસભા બેઠકો પર ઓબ્ઝર્વર નિમ્યા
કોંગ્રેસનો જૂથવાદ વધુ વકરી રહ્યો છે. ચૂંટણી નજીક આવતાં જ કોંગ્રેસના નેતાઓ કેસરીયો ખેસ ધારણ કરી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની કામગીરીને લઈને નારાજ થયેલા પ્રદેશ નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જતાં હાઈકમાન્ડ પણ પ્રભારીની કામગીરીથી નારાજ છે. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત બનાવવા માટે હાઈકમાન્ડે પ્રદેશના નેતૃત્વને કડક સૂચના આપી દીધી છે. કોંગ્રેસે 26 લોકસભા બેઠકો પર ઓબ્ઝર્વર નિયુક્ત કર્યા છે. ગુજરાત વિધાન સભાની 2022ની ચૂંટણીમાં 125 બેઠકો કબ્જે કરવા દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી છે. હાઈકમાન્ડે કચ્છના ઓબ્ઝર્વર તરીકે મોહમ્મદ સાલે અને ઈન્દ્રરાજ સિંગને નિયુક્ત કર્યા છે.
બનાસકાંઠાના ઓબ્ઝર્વર અશોક ચંદા, પાટણમાં રામલાલ જત, મહેસાણાના ઓબ્ઝર્વર તરીકે ઉદાઈલાલ અંજના, સાબરકાંઠાના ઓબ્ઝર્વર તરીકે ઉમેશ પટેલ, ગાંધીનગર ઓબ્ઝર્વર તરીકે જયસિંગ રાવલ અને સુરેશ મોદી છે. અમદાવાદ શહેરના ઓબ્ઝર્વર તરીકે પ્રેમસાઈ સિંગ ટેકમ અને હકમ અલીખાન, સુરેન્દ્રનગર ઓબ્ઝર્વર તરીકે શંકુતલા રાવત અને અશોક બૈરવા, રાજકોટમાં પ્રમોદ જૈન ભૈયા, પાનાચંદ મેઘવાલની નિયુક્તી કરવામાં આવી છે. પોરબંદરમાં રામપાલ શર્મની નિયુક્તિ કરવામાં આવી છે. હવે ટુંક સમયમાં ગુજરાત કોંગ્રેસમાં પાંચ કાર્યકારી પ્રમુખ નિમાશે. તેમજ કોંગ્રેસ 182 વિધાનસભાની બેઠકો પર જનસંપર્ક અભિયાન ચલાવશે. સંગઠનમાં હોદ્દેદારોની જાહેરાત બાદ પણ સંગઠનને વધુ મજબૂત કરવાની જરૂર જણાતી હોવાનું હાઈકમાન્ડનું માનવું છે. ગુજરાતમાં ભાજપનો ગઢ ગણાતી બેઠકો પર વહેલા ઉમેદવારો જાહેર કરવાની કોંગ્રેસની ફોર્મ્યુલા હજી કાગળ પર રહી છે. થોડા સમય અગાઉ કોંગ્રેસના સિનિયર નેતાઓ એવો રાગ આલાપતા હતાં કે, જે બેઠકો પર ભાજપનો દબદબો છે, કોંગ્રેસ મોટા માર્જિનથી જે બેઠક પર સતત હારે છે તેવી બેઠકો પર વહેલા ઉમેદવાર નક્કી કરી દેવાશે. જે તે ઉમેદવારને પોતે જ ઉમેદવાર રહેશે એમ કહીને કામે લાગી જવાની સૂચના આપી દેવાશે, જેથી ઉમેદવારને વધુ સમય સારી રીતે કામ કરવાની તક મળી રહે અને હારે તોય આગોતરી મહેનતના કારણે કમસે કમ પાર્ટીની લાજ જળવાય તેવું પરિણામ આવે. પરંતુ આ કામગીરી પણ ઘોંચમાં પડી છે. દિલ્હી ખાતે AICCના મહામંત્રી પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુંગોપાલ, પી. ચિદમ્બરમ સહિતના નેતાઓ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે મેરેથોન બેઠક ચાલી હતી. આ બેઠકમાં ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્માએ અત્યાર સુધી થયેલી કામગીરીનો રિપોર્ટ હાઈકમાન્ડ સમક્ષ રજુ કર્યો હતો. બેઠક બાદ રઘુ શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે, કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી લડશે અને 2017ની જેમ 2022માં પણ સીએમ પદનો ચહેરો જાહેર નહીં કરે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે, આ વખતે કોરોનામાં નિષ્ફળતા અને મોંઘવારી સહિત પેપરલીક જેવા મુદ્દાઓથી સરકારને ઘેરવાના કાર્યક્રમો થશે.