શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 23 એપ્રિલ 2020 (21:06 IST)

દિલ્હી નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલા ૧૧૦ વ્યક્તિઓને શોધી લેવાયા

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ 'ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો અને જવાબદાર રહો'ની અપીલ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે હવે પોલીસ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. વાહનોના નંબર પ્લેટને આધારે રસ્તા ઉપર વારંવાર ફરતા દેખાતા નાગરિકોને શોધી કાઢવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નાઇઝેશન સોફ્ટવેરની મદદ લેવામાં આવશે. એટલે કે રસ્તા ઉપર ફરતા વાહનોનું એનાલિસીસ કરીને એક જ નંબર ધરાવતા વાહનની રૂટ હિસ્ટ્રી તપાસી બિનજરૂરી ફરતા વાહનચાલકોની યાદી તૈયાર કરી તે તમામ સામે ગુનો દાખલ કરવા સુધીની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કેટલાક લોકો તેમને મળેલી પાસ - પરમીટનો દુરુપયોગ કરતા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. લોકડાઉનની સ્થિતિમાં કેટલીક વ્યક્તિઓ આ વાહનમાં લોકોને બેસાડીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ રહ્યાં હોવાની મળેલી ગંભીર વિગતોને આધારે આ વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં ડ્રોન મારફતે પણ આ વાહનો ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

રાજ્યમાં ૧૧૪ ડ્રોન અને હજારો સીસીટીવી કેમેરાના માધ્યમથી પોલીસ સમગ્ર હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહી છે ત્યારે લોકડાઉનની ગંભીરતા સમજીને નાગરિકો સ્વયં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે તેવી અપીલ શિવાનંદ ઝાએ કરી છે.

દિલ્હી નિઝામુદ્દીન મરકઝથી ગુજરાતમાં આવેલા વ્યક્તિઓ સંદર્ભે શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, ગઈકાલ સુધી ગુજરાતમાંથી ૧૦૩ નાગરિકો પકડાયા હતા. તે પૈકી એકનું મૃત્યુ અને એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે અન્ય સાત વ્યક્તિઓને ઓળખી લેવામાં આવ્યા છે જે તમામ સાત વ્યક્તિઓ નવસારીના છે. એટલે કે કુલ ૧૧૦ વ્યક્તિઓને પોલીસે શોધી કાઢ્યા છે જે તમામને કવોરંટાઈન કરવા સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.

ક્લસ્ટર કવોરંટાઈન કરાયેલા મહાનગર સહિતના કેટલાક વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવા વિસ્તારોમાં પોલીસને પૂરતો સહયોગ આપવા શિવાનંદ ઝાએ નાગરિકોને અપીલ કરી છે.

પોલીસ તંત્ર દ્વારા ગઈ કાલથી અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૧૨૧૩ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૪૫૧ તથા અન્ય ૨૦૧ ગુનાઓ મળી કુલ ૧૮૬૫ ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૨૭૨૪ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૮૧૭૨ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.