ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 25 માર્ચ 2020 (15:44 IST)

મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત, 21 દિવસ સુધી ગરીબોને મફતમાં અનાજ અપાશે

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે વધુ 3 પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં 7 દિવસમાં કુલ 38 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત(સુરત) થઈ ચૂક્યું છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 5 કેસ સામે આવ્યા છે તેમાંથી ત્રણ લોકલ ટ્રાન્સમિશનના અને બે વિદેશથી આવેલા છે.
જ્યારે 15 હજાર 468 વિદેશી સહિત 1 કરોડથી વધુ લોકોનો સર્વે કર્યો છે, જેમાંથી 50માં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાતમાં 21 દિવસ સુધી ગરીબોને મફતમાં અનાજ આપવામાં આવશે.
કોરોનાની સ્થિતિ અંગે આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 38 કોરોનાના પોઝિટિવના કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં સૌથી વધુ 14 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. સુરત અને વડોદરામાં 7-7, ગાંધીનગરમાં 6 અને રાજકોટમાં 3 તથા કચ્છમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે.
રાજ્યમાં 211 ક્વોરોન્ટાઇનની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં 12059 બેડની વ્યવસ્થા છે. 1.07 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 15, 468 વ્યક્તિ વિદેશથી આવેલા છે. આમાંથી 50 લોકોને રોગના ચિન્હ જણાતા સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. 104 હેલ્પલાઇન નંબર પર દિવસના 20,000 કોલ મળ્યા છે.
જેમાં અત્યાર સુધીમાં 258 લોકોને સારવાર આપવામાં આવી છે. અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500, વડોદરામાં અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. જ્યારે  સાબરકાંઠાના ઇડરના વેરાવળ ગામમાં મુંબઇથી આવેલા પરિવારે સરકારના નિયમોનો ભંગ કર્યો હતો. સરકારના ધારાધોરણ મુજબ આઇસોલેટેડ ન થતાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇડર પોલીસે 14 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.