શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: રવિવાર, 7 જૂન 2020 (16:10 IST)

માત્ર દર્શન માટે ધર્મસ્થાનો-ઉપાસના કેન્દ્રો ખૂલશે, કરવું પડશે નિયમોનું પાલન

રાજ્યમાં મંદિરો, મસ્જીદ, ચર્ચ, દેરાસર, ગુરૂદ્વારા ઉપાશ્રય સહિતના ધર્મસ્થાનકો ભારત સરકારની ગાઇડલાઇન મુજબ તેમજ કેટલાક નિયમોને આધિન રહીને દર્શનાર્થીઓ માટે ફરી ખૂલ્લા મૂકવા અંગેની વિશદ ચર્ચા-પરામર્શ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. તેમણે રાજ્યના જિલ્લા મથકોએ ઉપસ્થિત રહેલા વિવિધ ધર્મસંપ્રદાયોના સંતો-મહંતો, મૌલવી, પાદરી-ફાધર સહિતના ધાર્મિક અગ્રણીઓના મંતવ્યો-સૂઝાવો પણ મેળવ્યા હતા.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ધર્મસ્થાનકો- મંદિર-મસ્જીદ વગેરે કોરોના વાયરસના વ્યાપ વધારતા પ્લેસીસ ન બને તેની સતર્કતા સૌએ રાખવી પડશે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારત સરકારની ગાઇડલાઇન્સ તથા રાજ્ય સરકારની કેટલીક જોગવાઇઓને આધિન રહીને કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોના દેવસ્થાનોમાં માત્ર દર્શનની છૂટ આપવામાં આવી રહી છે ત્યારે તેના પરિણામે દર્શનાર્થીઓની ભીડભાડથી કોરોના સંક્રમણનો વ્યાપ વધે નહિં તેની તકેદારી મંદિર-ધર્મ સ્થાનકોના સંચાલકો, ટ્રસ્ટોએ અને શ્રદ્ધાળુઓએ રાખવી જરૂરી છે.
 
રાજ્યના મોટા તીર્થયાત્રા સ્થાનોમાં રજીસ્ટ્રેશન કાઉન્ટર શરૂ કરીને યાત્રાળુઓને દર્શન માટેના નિશ્ચિત સમયના ટોકન આપી ફાળવેલ સમય પ્રમાણે જ દર્શનનો લાભ આપવાની વ્યવસ્થા ગોઠવાય તો ભીડભાડ અટકાવી શકાશે અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો પણ જળવાશે. તેમણે ઉમેર્યુ કે જે સંસ્થાઓ સંપ્રદાયોના મંદિરો, દેરાસરો, ઉપાશ્રયો રાજ્યમાં મોટી સંખ્યામાં છે ત્યાં દર્શન વગેરેમાં એકસૂત્રતા જળવાય સાથોસાથ ગાઇડલાઇન્સના નિયમોનું પાલન થાય તે માટે આવી સંસ્થાઓ સ્વયં વ્યવસ્થાઓ બનાવે, આ હેતુસર સ્થાનિક વહિવટીતંત્ર સાથે સંકલન માટે પણ તેમણે સૂચવ્યું હતું.
 
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના દેવસ્થાનો-શ્રદ્ધા આસ્થા કેન્દ્રો માત્ર દર્શનના હેતુસર પૂન: ખોલવામાં આવી રહ્યા છે. કોઇ મોટા ધાર્મિક મેળાવડા કે ઉત્સવો કોરોના વાયરસ સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં હજુ પણ એક-બે માસ નહિ યોજવાની તેમણે અપિલ કરી હતી. મુખ્યમંત્રીએ ધર્મસ્થાનકોમાં દર્શનાર્થીઓ વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવા, પ્રસાદ કે પવિત્ર જલ વિતરણ-છંટકાવ ન કરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા તેમજ દરેક દર્શાનાર્થી માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે, મંદિરમાં સેનેટાઇઝની વ્યવસ્થાનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
 
તેમણે ખાસ કરીને વલ્નરેબલ જૂથ એટલે કે ૬પ વર્ષથી વધુ વયના વડીલો, નાના બાળકોને દર્શને ન લઇ જવા પણ સૌને અનુરોધ કર્યો હતો. કોરોના સંક્રમણ સામે, સંક્રમણ સાથે પૂરી સાવચેતી રાખીને ધર્મસ્થાનકો શરૂ કરવામાં આવી રહ્યા છે. દર્શન ખોલવામાં આવી રહ્યા છે તે બાબતને કેન્દ્રસ્થાને રાખીને ભારત સરકાર-ગુજરાત સરકારની ગાઇડલાઇન્સનું પાલન થાય તે આવશ્યક છે.
 
મુખ્યમંત્રી સાથેની આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં અમદાવાદ BAPSના સ્વામી બ્રહ્મવિહારીજી, અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ જ્હા, કાલુપુર મંદિરના સ્વામી શાસ્ત્રી નિરગુણદાસજી, ખેડાના વડતાલના સ્વામી સંત સ્વામી, ભાવનગર પાલિતણાના ટ્રસ્ટી શ્રીપાલભાઇ, ગાંધીનગરના મહૂડી મંદિરના ટ્રસ્ટી રાજેશભાઇ, ગીર-સોમનાથના સોમનાથ મંદિરના ટ્રસ્ટી ચાવડા, પંચમહાલના પાવાગઢ મંદિરના ટ્રસ્ટી સુરેન્દ્રકાકા, ખેડાના સંતારામજી મંદિરના મહરાજ રામદાસજી મહારાજ, ડાકોર મંદિરના મેનેજર અરવિંદભાઇ મહેતા, જુનાગઢના જુના અખાડાના તનસુખગીરીબાપુ, રાજકોટના વીરપુર મંદિરના રધુરામ બાપા તેમજ બનાસકાંઠાના અંબાજી મંદિર અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા મંદિરના ટ્રસ્ટીઓ વગેરેએ કેટલાક સૂચનો કર્યા હતા. આ સૌએ ભારત સરકાર-રાજ્ય સરાકરની ગાઇડલાઇનના નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી.
 
સુરતના રોમન કેથલિક ચર્ચના ટ્રસ્ટી શ્રીમોન કોરી, રાજકોટની ખ્રિસ્તી કોલેજના ડિરેક્ટર ફાધર બેની જોહ્ન, વડોદરાની કથેલિક ચર્ચના ફાધર, સ્ટેનિસ્લસ ફર્નાન્ડિઝ, નડિયાદની ઇલિમ મેથોડિસ્ટ ચર્ચના ઇમેન્યુઅલ કાંત તેમજ અમદાવાદની રોમન કેથલિક ચર્ચના ફાધર રેથનસ્વામી અને અમદાવાદની ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના ફાધર સિલવાંસ ક્રિશ્વિયન પણ હાજર રહ્યા હતા.
 
તદઉપરાંત સુરતના ખ્વાજા દાના દરગાહના મુફ્તિ કેસર આલમ, સુરતના દારુલ ઉલૂમના મુફ્તિ અબદુલ કલીમ સાહેબ, અમદાવાદની જુમા મસ્જિદના ઇમાન શબ્બીર મોલવી, વડોદરાની રફૈશા દરગાહના કમાલુદ્દીન બાવા અને રાજકોટની સદર જુમા મસ્જિદના આફિઝ અકરમ બાપુ પણ  આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
 
મુખ્યમંત્રીએ ગૃહ વિભાગને રાજ્યમાં દેવસ્થાનો શ્રદ્ધા કેન્દ્રો, મંદિર-મસ્જીદ, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પૂન: ખોલવા અંગેની વિસ્તૃત એસ.ઓ.પી. તૈયાર કરવા સૂચનાઓ આપી હતી.  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ બેઠકમાં રાજ્યના ગ્રામીણ ક્ષેત્ર સુધીના નાના તીર્થસ્થાનો, મંદિરો માટે પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની હિમાયત કરી હતી.