શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (09:14 IST)

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતાઓ, 20 જિલ્લાઓમાં આજે ‘યલો’ અને 6 જિલ્લાઓમાં ‘ઓરેન્જ’ એલર્ટ

રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી કડાકા ભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે માત્ર પશ્ચિમ વિસ્તારમાં અડધો કલાક વરસાદ પડ્યો હતો.

જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેની ઓરેન્જ એલર્ટ જ્યારે  કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ માટેની યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત બુધવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે-નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે જ્યારે ગુરુવારે રાજકોટમાં અતિભારે અને વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારો હજી કોરા ધાકોર છે. રાજ્યમાં સરેરાશ 85% વરસાદ થયો છે. ગત વર્ષે 27 સપ્ટેમ્બર સુધી 135% વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે 50% વરસાદ ઓછો છે. રાજ્યમાં હજૂ પણ 10 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં આ સીઝનમાં અત્યાર સુધી થયેલા વરસાદમાં 50 ટકા વરસાદ તો એકલા સપ્ટેમ્બર મહિનામાં જ થયો છે.