ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 9 એપ્રિલ 2022 (23:16 IST)

ચેન્નઈ સુપર કિંગ્સની સતત ચોથી હારઃ હૈદરાબાદને એકતરફી મેચમાં 8 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માએ 75 રન બનાવ્યા

IPL 2022માં શનિવારે રમાયેલી દિવસની પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવ્યું હતું. SRH પાસે 155 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 17.4 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. અભિષેક શર્મા (75) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. જ્યારે રાહુલ ત્રિપાઠીએ 39 રનની અણનમ ઇનિંગ રમી હતી.
 
સતત બે પરાજય બાદ આ ટૂર્નામેન્ટમાં હૈદરાબાદની આ પ્રથમ જીત હતી. આ સાથે જ ચેન્નઈની આ સતત ચોથી હાર છે. IPLના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે CSK સતત પ્રથમ ચાર મેચ હારી છે.
 
આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા CSKએ 7 વિકેટે 154 રન બનાવ્યા હતા. મોઈન અલી (48) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો જ્યારે અંબાતી રાયડુએ 27 અને કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ 23 રનનું યોગદાન આપ્યું હતું. SRH તરફથી વોશિંગ્ટન સુંદર અને ટી નટરાજને 2-2 વિકેટ લીધી હતી.
 
અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠીએ બીજી વિકેટ માટે 56 રન જોડ્યા હતા. આ ભાગીદારી ડ્વેન બ્રાવોએ અભિષેક (75)ને આઉટ કરીને તોડી હતી. જોકે, આ વિકેટ મળતા સુધીમાં ચેન્નાઈની હાર નિશ્ચિત થઈ ગઈ હતી. હૈદરાબાદ તરફથી રાહુલ ત્રિપાઠીએ અણનમ 39 અને નિકોલસ પૂરને અણનમ 5 રન બનાવ્યા હતા.
 
અભિષેકની શાનદાર બેટિંગ
 
SRHના યુવા ઓપનર અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરતા 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આઈપીએલમાં આ તેની પ્રથમ ફિફ્ટી છે. તેણે 49 બોલમાં 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મેગા ઓક્શનમાં અભિષેકને હૈદરાબાદે 6.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
 
કેન અને અભિષેકની સુપર જોડી
 
કેન વિલિયમસન અને અભિષેક શર્માએ પ્રથમ વિકેટ માટે 89 રન જોડ્યા હતા. આ જોડીએ તેમની ઉત્કૃષ્ટ ભાગીદારીને SRH માટે લક્ષ્યને ઘણું સરળ બનાવ્યું. આ ભાગીદારી મુકેશ ચૌધરીએ કેનને આઉટ કરીને તોડી હતી. તે 40 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો.
 
SRH નો પાવર પ્લે
 
લક્ષ્યનો પીછો કરતા કેપ્ટન કેન વિલિયમસન અને અભિષેક શર્માએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. પ્રથમ 6 ઓવરમાં બંને ખેલાડીઓએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 37 રન જોડ્યા હતા. બંનેએ પાવર પ્લેમાં ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી.
 
જાડેજાની ટૂંકી ઇનિંગ્સ
 
કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ઝડપી ઈનિંગ રમતા 15 બોલમાં 27 રન બનાવ્યા હતા. ઈનિંગની 19મી ઓવરમાં તેણે ટી નટરાજન સામે છેલ્લા બે બોલમાં એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. ભુવનેશ્વર કુમારે જાડેજાની વિકેટ લીધી હતી.
 
છેલ્લી 5 ઓવરમાં CSKએ 3 વિકેટના નુકસાને 47 રન બનાવ્યા હતા.
એમએસ ધોની 3 રન બનાવીને આઉટ થયો હતો.
માર્કો યેન્સને ધોનીને આઉટ કરીને તેની પ્રથમ IPL વિકેટ લીધી હતી.
એડન માર્કરામે મોઈન અલીને આઉટ કર્યો હતો. આઈપીએલમાં પણ આ તેની પ્રથમ વિકેટ હતી.