બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 27 માર્ચ 2023 (09:12 IST)

અમદાવાદથી ક્રિકેટ સટ્ટાના મોટા રેકેટનો પર્દાફાશ, 1800 કરોડના ટ્રાંજેક્શનનો ખુલાસો

ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચો શરૂ થાય તે પહેલા અમદાવાદ શહેર પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ની ટીમે માધવપુરા વિસ્તારમાં દરોડા પાડીને મોટાપાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 16 આરોપીઓ ફરાર છે. આ કેસના તાર સિંગાપોર અને દુબઈ સાથે જોડાયેલા છે.
 
સૌથી મહત્વની વાત એ છે કે આ ગેંગ 2021થી સક્રિય હતી અને અત્યાર સુધીમાં લગભગ 1800 કરોડ રૂપિયાના સટ્ટાબાજીને લગતા વ્યવહારો કરી ચૂકી છે. શનિવારે પીસીબી પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટને મળેલી બાતમીના આધારે પીસીબીની ટીમે શહેરના માધવપુરામાં દૂધેશ્વર સ્થિત સુમેલ પાર્ક-6 નામની ઈમારતમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી ચાર લોકો ઝડપાયા હતા. તેમની પાસેથી 50 હજાર રોકડા, 7 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, 14 જુદી-જુદી બેંકોના પીઓએસ મશીન, 193 સિમ કાર્ડ, 7 પાન કાર્ડ, જુદી જુદી કંપનીના નામના 80 સિક્કા, 20 ડિજિટલ સિગ્નેચર ડિવાઈસ જપ્ત કર્યા છે. ગયા ધરપકડ કરાયેલા આરોપીઓમાં અંકિત ગેહલોત, નીરવ પટેલ, સતીશ પરિહાર, જિતેન્દ્ર હિરાગરનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય 16 લોકો ફરાર છે. માધવપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધવામાં આવી છે.
 
પીસીબીના જણાવ્યા અનુસાર, તેમને લાંબા સમયથી સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ શહેરમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજીને લગતા નાણાં આંતરરાષ્ટ્રીય ખાતામાં મોટા પાયે ટ્રાન્સફર થઈ રહ્યા છે. આ તપાસના આધારે માધવપુરા સુમેલ 6 ખાતે આવેલી મહાવીર એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી શંકાસ્પદ પ્રવૃતિઓ થતી હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે રેડ પાડી અને અત્યાર સુધીની તપાસમાં ક્રિકેટ સટ્ટા સાથે જોડાયેલો મોટો ખુલાસો થયો છે.
 
અજય જૈનના નામે મહિવર એન્ટરપ્રાઇઝ કંપની રજીસ્ટર્ડ હોવાનું બહાર આવ્યું છે. આ ઓફિસ ભાડે આપવામાં આવી હતી. અહીંથી આરોપીઓ મહાદેવ બુક, ક્રિષ્નારેડીબુક, સ્કાયએક્સચેન્જ ડોટ કોમ, ખલીફા બુક, રાધેબુક, અન્નાકૃષ્ણબુક, સીબીટીએફ અને અન્ય કેટલાક નામોથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા હતા.
 
પીસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ક્રિકેટ સટ્ટાનો મુખ્ય સુત્રધાર હર્ષિત જૈન નામનો આરોપી છે. તે નકલી કંપનીઓ દ્વારા સટ્ટાકીય નાણાંની લેવડદેવડ કરતો હતો. લોકોને ગેરમાર્ગે દોરીને તે તેમની પાસેથી આધાર કાર્ડ, તેમની બેંકની વિગતો લેતો હતો અને પછી તેના દ્વારા ખાતું ખોલાવતો હતો. તેમાં તે પૈસા જમા કરાવતો હતો. 
 
કેટલાક ખાતાધારકને દર મહિને 10 થી 12 હજાર રૂપિયા આપતા હતા. આવા 500 થી વધુ ખાતાઓ ઝડપાયા છે. જેમાં 2021થી અત્યાર સુધીમાં 1800 કરોડની લેવડદેવડનો મામલો સામે આવ્યો છે. આ ખાતાઓ માટે એક લાખ પર સાડા ત્રણ ટકા કમિશન લેવામાં આવ્યું હતું. આ ખાતાઓની માહિતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાબાજી સાથે જોડાયેલા લોકોને પણ આપવામાં આવી હતી.