અમદાવાદમાં શિક્ષિકા પત્ની પર શંકા રાખી પતિએ ટ્યુશન ક્લાસ બંધ કરાવ્યા, તું મને ગમતી નથી કહીને ઘર છોડી જતો રહ્યો
પત્ની પગારના પૈસા ના આપે તો પતિ જાનથી મારી નાખવીની ધમકી આપતો
નરોડા વિસ્તારમાં રહેતી શિક્ષિકા ઉપર શંકાના આધારે પતિ-પત્ની વચ્ચે તકરાર થતી હતી, દારુ પીવાની ટેવના કારણે પતિ ઘર ખર્ચ આપતો ન હતો અને પત્ની પાસેથી પગાર પડાવી લેતો હતો પત્ની પગાર આપવાની ના પાડે તો મારી નાંખવાની ધમકી આપતો હતો, તું મને ગમતી નથી કહીને પતિ મહિનાથી ઘર છોડીને જતો રહ્યો હતો.
દારૂ પિવાની ટેવ વધતાં પતિ બેરોજગાર બન્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે નરોડા વિસ્તારમાં રહેતી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે 17 વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ બીજા રાજ્યમા નોકરી કરતો હતો. અમે 11 વર્ષ પહેલા અમદાવાદ રહેવા આવ્યા હતા, ફરીથી મહારાષ્ટ્રમાં નોકરી કરીને ત્રણ વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયા હતા. પતિએ દારુ પીવાનું શરુ કરતાં ઘરમાં ઘર ખર્ચ આપતો ન હોવાનો પત્નીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. ફરિયાદી મહિલા રૂપિયાની માંગણી કરતી તો ગાળો બોલીને તેનો પતિ મારતો હતો.
પતિ પત્ની પર સતત શંકાઓ કરતો હતો
આખરે મહિલાએ શિક્ષિકા તરીકે નોકરી શરુ તો પતિ ખોટા શક વહેમ રાખતો હતો અને પગાર માગી લેતો હતો. જો પગારના પૈસા ના આપે તો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ઘરે ટયુશન કરવા નહોતો દેતો, મહિલા તથા બાળકોને માતા-પિતાના ઘરે જવા દેતા ન હતા. એટલું જ નહી હવે તું મને ગમતી નથી હું તારી સાથે રહેવા માગતો નથી તેમ કહીને હડધૂત કરતો હતો મહિના પહેલા તકરાર કરીને નોકરી જવાનું કહીને પત્નીને મૂકી જતા રહ્યા હતા અને ફોન પર વાત પણ કરતા ન હતા.