રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (10:58 IST)

વિકાસની ભારે ગુલબાંગોઃ- રાજયમાં છ મહિનામાં 2.41 લાખ કુપોષિત બાળકો વધ્યાં

હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે સત્રના પ્રશ્નોત્તરી કાળમાં રાજ્યના વિકાસની ગૂલબાંગોની વધુ એક ચર્ચા પ્રકાશમાં આવી છે. આ ચર્ચામાં રાજ્યમાં કુપોષિત બાળકોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન આ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણમંત્રીએ જણાવ્યું કે, 9 જુલાઈ 2019ના રોજ રાજ્યમાં 1 લાખ 42 હજાર 142 કુપોષિત બાળકો હતા. જે 27 ફેબ્રુઆરી 2020ના રોજ 3 લાખ 83 હજાર થયા છે. આમ છેલ્લા 6 મહિનામાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં 2 લાખ 41 હજાર 698નો વધારો થયો છે. તેમાં પણ જુલાઈ 2019માં બનાસકાંઠામાં 6071 કુપોષિત બાળકો હતા. જેમાં છેલ્લા છ મહિનામાં 22,194 કુપોષિત બાળકોનો વધારો થયો છે અને કુપોષિત બાળકોની સંખ્યા 28,265 પર પહોંચી છે.રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકો બનાસકાંઠા જિલ્લામાં 28,265 છે. ત્યાર બાદ 26,021 બાળકો સાથે આણંદ બીજા ક્રમે, 22,613 બાળકો સાથે દાહોદ ત્રીજા ક્રમે, વડોદરા 20,806 બાળકો સાથે ચોથા ક્રમે અને 20036 બાળકો સાથે પંચમહાલ પાંચમાં નંબર પર છે.