ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (17:16 IST)

ST ની ખોટ 748 કરોડ પણ ખાનગી એજન્સીઓને ભાડે લીધેલી બસો માટે 60 કરોડ રૂપિયા ચૂકવ્યા

હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ(GSRTC) અંગે પ્રશ્નો પૂછ્યા હતા. આ પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે એસ.ટીની આવક અને ખોટનો હિસાબ રજૂ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે એસ.ટી.નિગમને રૂ.1 કરોડ 3 લાખ ચૂકવવાના બાકી છે અને ખાનગી એજન્સીઓને ભાડે લીધેલી બસો માટે વર્ષ 2019માં રૂ.60 કરોડ ચૂકવ્યા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને વર્ષ 2017-18માં રૂ. 2,317 કરોડની આવક સામે રૂ.866 કરોડની ખોટ થઈ છે. વર્ષ 2018-19 માં રૂ. 2,540 કરોડની આવક સામે રૂ.1017 કરોડની ખોટ નોંધાવી છે. જ્યારે વર્ષ 2019-20માં રૂ. 2,249 કરોડની આવક સામે રૂ. 748 કરોડની ખોટ થઈ છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે સરકારી કાર્યક્રમો માટે એસ.ટી. બસો ભાડે લેવા અંગે રાજ્ય સરકારે જણાવ્યું કે, વર્ષ 2018માં રૂ. 65.21 લાખના ભાડા સામે રૂ. 46.21 લાખ સરકારે ચૂકવ્યા છે. આમ વર્ષ 2018ના ભાડા પેટે રૂ. 19 લાખની ચુકવણી બાકી છે. જ્યારે વર્ષ 2019માં રૂ. 1.95 કરોડના ભાડા સામે રૂ. 1.11 કરોડ સરકારે ચૂકવ્યા છે. આમ વર્ષ 2019ના ભાડા પેટે રૂ. 84 લાખ ચૂકવવાના હજુ બાકી છે. આમ સરકારે એસ.ટી. વિભાગને કુલ રૂ. 1 કરોડ 3 લાખ ચૂકવવાના બાકી છે. જ્યારે ખાનગી એજન્સીઓ પાસેથી ભાડે બસ લેવા અંગે રાજ્ય સરકારે જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં GSRTCએ ખાનગી એજન્સીઓ પાસેથી વોલ્વો અને એસી બસો ભાડે લીધી છે.વર્ષ 2018માં આ બસો માટે એજન્સીઓને રૂ.19 કરોડનું ભાડું ચૂકવ્યું છે. વર્ષ 2019માં આ બસો માટે એજન્સીઓને રૂ.60 કરોડનું ભાડું ચૂકવવામાં આવ્યું છે. વોલ્વો એસી બસો માટે સરકારે એજન્સીઓને પ્રતિ કિમી રૂ. 16થી રૂ. 23 ભાડું ચૂકવે છે.