રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (12:04 IST)

દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત, ફેસબુક વોલ પર કરી જાહેરાત

ગુજરાતના દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ આજે ટ્વીટ કરીને અપક્ષ ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. મેવાણીએ બનાસકાંઠાના વડગામ-11 બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે અલ્પેશની જેમ જીજ્ઞેશ પણ કોંગ્રેસમાં જોડાઈ જશે, પણ તેણે તમામ અટકળો ફગાવી દીધી હતી અને આજે ચૂંટણી લડવાની જાહેરાત ટ્વિટરના માધ્યમથી કરી છે.જીજ્ઞેશ મેવાણીએ ફેસબૂક વોલ પર લખ્યું છે કે, “હવે ગબ્બર પોતે મેદાનમાં છે, હું વડગામ-11 બેઠક પરથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનો છું. આગળ મેવાણીએ જણાવ્યું છે કે, આજે 12 વાગ્યે વડગામ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ઓફિસમાં ઉમેદવારી પત્ર ભરવા જઈશ.



પાછલા કેટલાક મહિનાઓથી ખાસ કરીને ચૂંટણીની જાહેરાત પહેલા અગણિત આંદોલનકારીઓ સાથીઓ અને યુવા વર્ગની ઈચ્છા હતી કે આ વખતે જબરજસ્ત રીતે ચૂંટણી લડવામાં આવે. ફાશીવાદ ભાજપીઓની સામે ચૂંટણીમાં લડત લડો અને દબાયેલા કચડાયેલા લોકોનો અવાજ બનીને વિધાનસભામાં જાવ.”મેવાણીએ વધુમાં એવી પણ અપીલ કરી કે, “ભાજપ અમારો પરમશત્રુ છે, ભાજપને છોડીને કોઈ પોલિટિકલ પાર્ટી (કે અપક્ષ ઉમેદવાર) અમારી સામે પોતાનો ઉમેદવાર ન ઉભો રાખે તેવી અમારી અરજ છે. લડાઈ સીધી અમારી અને ભાજપની વચ્ચે થવા દો. પાછલા 22 વર્ષથી ગુજરાતમાં જે તાનાશાહી ચાલે છે તેની સામે અમે ઉનાથી લઈને અત્યાર સુધી સંઘર્ષ કર્યો છે, જે માહોલ બનાવ્યો છે તેનાથી માત્ર ગુજરાત નહીં પણ દેશની પ્રજાને વાકેફ કરી છે.” અંતમાં મેવાણીએ લોકોને એવી અપીલ પણ કરી છે કે, “તન-મન-ધનથી સહયોગ કરો અને કૂદી પડો વડગામ વિધાનસભા ક્ષેત્રમાં.” પોતે ચૂંટણી લડવા જઈ રહ્યો છે તેની માહિતી મેવાણીએ ટ્વીટરના માધ્યમથી પણ આપી છે.