સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 20 નવેમ્બર 2017 (12:38 IST)

પાસના આગેવાનોને વઘુ ટિકીટ નહીં આપીને શું કોંગ્રેસે જ હાર્દિકનો દાવ ઊંધો પાડી દીધો?

ઉમેદવારોને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિ અને કોંગ્રેસમાં ખેંચતાણને કારણે ચૂંટણીની સંભાવનાઓ પર ખાસ્સી અસર પડી શકે છે. રવિવારે સાંજે કોંગ્રેસ અને હાર્દિક વચ્ચે સંગઠન અંગે સહમતિના સમાચાર હતા, પરંતુ મોડી રાત્રે કોંગ્રેસની ૭૭ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ બંને વચ્ચે ફુટ પડી છે. કોંગ્રેસ દ્વારા બેઠકોની વહેંચણીમાં મહત્વ ન મળવાનો આરોપ લગાવીને રાત્રે હાર્દિકના સમર્થકોએ અનેક જગ્યાએ હંગામો કરવાનો શરુ કરી દીધો હતો.

કોંગ્રેસની યાદીમાં પાસના બે નેતાઓના પણ નામ છે, પરંતુ હાર્દિકના સમર્થક તેનાથી સંતુષ્ટ નથી. સોમવારે સાંજે હાર્દિક તરફથી કોંગ્રેસ અને પાસ વચ્ચે સમજૂતીનું એલાન થવાનું હતું, પરંતુ હાલ જાણવા મળી રહ્યું છે કે તે કાર્યક્રમ રદ્દ કરી દેવાયો છે. રાજકીય પંડિતોનું માનીએ તો હાર્દિકને માત્ર ચાર બેઠકો આપી કોંગ્રેસે એ સ્પષ્ટ કરી દીધું છે કે તે હાર્દિકને ખાસ ભાવ આપવાના મૂડમાં નથી. સત્તાધારી ભાજપ વિરુદ્ઘ અપપ્રચાર કરવામાં કશુંય બાકી ન રાખનારા હાર્દિકે રાજયમાં એન્ટી-ઈન્કમ્બન્સી ફેકટરનો લાભ લેવા માટે વિચાર્યું હતું. પરંતુ તેના કારણે જ કોંગ્રેસને લાગે છે કે હાર્દિક ભાજપનો એટલો તીવ્ર વિરોધ કરી ચૂકયો છે કે હવે તે તેની સાથે હાથ મિલાવી શકે તેમ છે જ નહીં. એકલા હાથે જ ચૂંટણીમાં ઝંપલાવવું પાસ માટે હવે શકય નથી. તેની પાસે હાલના સંજોગોમાં કોંગ્રેસ પાસે જવા સિવાય કોઈ વિકલ્પ નથી. એમ પણ મનાઈ રહ્યું છે કે બેઠકો ફાળવવાના મામલે હાર્દિકની તાકાતને કોંગ્રેસે તેની ભાજપ સાથે ન જવાની જીદને કારણે જ ઓછી કરી દીધી છે. આ ઉપરાંત કથિત સેકસ સીડી વાયરલ થયા બાદ પણ હાર્દિકની બેઠકો મેળવવાની ક્ષમતા ઓછી થઈ છે. કોંગ્રેસની યાદીથી ખફા પાસના સહ-સંયોજક દિનેશ બાંભણિયાનું કહેવું છે કે, હવે ભરતસિંહને અમારી જરુર હશે તો અમને ફોન કરશે. સવારે અમે કોંગ્રેસનો જોરદાર વિરોધ કરીશું, કોંગ્રેસના ઉમેદવારોનો વિરોધ કરીશું. જે પોતાની જવાબદારીથી દૂર ભાગી રહ્યા છે તેમના સમર્થન અંગે વિચારીશું. સોમવારે અમે પાટીદાર ઉમેદવારોને કહીશું કે તેઓ ફોર્મ ન ભરે, અને જો તેઓ ફોર્મ ભરશે તો અમે તેમનો પણ વિરોધ કરીશું. કોંગ્રેસની આ જ રણનીતિ રહી તો પાસ શું કરશે તે અંગે પૂછતા બાંભણિયાએ કહ્યું હતું કે આવી સ્થિતિમાં અમારે વિચારવું પડશે. તેનાથી સંકેત મળે છે કે જો સમય રહેતા ટિકિટ વહેંચણી અને અનામતને લઈને કોંગ્રેસે પાટીદારોને ઠોસ આશ્વાસન ન આપ્યું તો અમારા રસ્તા અલગ થઈ શકે છે. જો આમ થયું તો આ કોંગ્રેસ માટે ચૂંટણી પહેલા જ મોટા ઝટકા સમાન સાબિત થશે.