મુખ્યમંત્રી હતા ત્યારે સોનિયા ગાંધીને બાર ગર્લ કહેનારા મોદીને સમય જવાબ આપશે - હાર્દિક પટેલ
સુરતમાં યોજાયેલ મોરારિબાપુની રામકથામાં હાર્દિક પટેલ હાજરી આપવા પહોંચ્યો હતો. જ્યાં આયોજકોએ તેનું સ્વાગત સન્માન કર્યું હતું. પરંતુ આચાર સંહિતાનું કારણ આપીને કથાના ડોમમાં હાર્દિકને જતો અટકાવવામાં આવ્યો હતો. સુરત પાસ કમિટી દ્વારા અગાઉ રામકથાના આયોજકોને ધમકી આપવામાં આવી હતી કે, કથાના આ આયોજનમાં કોઈ રાજકીય નેતાઓને બોલાવવામાં આવશે તો તેમનો વિરોધ કરવામાં આવશે. કથાના સાતમાં દિવસ સુધીમાં કોઈ નેતા કથામાં આવ્યાં નહોતા. અને કથાના પહેલાં દિવસે જ બાપુએ આ કથા કોઈ રાજકીય કથા ન હોવાની ચોખવટ પણ કરી હતી. ત્યારે આજે હાર્દિક પટેલ કથામાં જતાં આચારસંહિતાના નામે પોલીસે હાર્દિકને અટકાવ્યો હતો.સુરતમાં હાર્દિકે મણિશંકર ઐય્યરના નિવેદન પર મોદીના જૂના ભાષણોની યાદી અપાવી હતી.
યોગીચોક ખાતે હાર્દિકની યોજાયેલી જનક્રાંતિ સભાને લઈને સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આપેલી પરવાનગીના નિયમોનો ભંગ થયો હોવાની ચૂંટણી વિભાગ દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકીય નિવેદનો ન કરવા સાથે સભાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, સભા દરમિયાન ચૂંટણી વિભાગના ધ્યાનમાં ઉચ્ચારેલા નિવેદન આવતા ચૂંટણી વિભાગ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
મણિશંકર ઐય્યરના નીચ જાતિના નિવેદન પર હાર્દિકની પ્રતિક્રિયા આપતા કહ્યું, નિવેદન યોગ્ય નથી પરંતુ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સોનિયા ગાંધીને બાર ગર્લ કહ્યા હતા તે પણ યોગ્ય નથી. પરંતુ જ્યારે મહિલાનું અપમાન કરી શકતા હોય આજે જ્યારે તેમના પર આવ્યું ત્યારે કહીં રહ્યા છે કે, જનતા જવાબ આપશે. બસ સમય જ જવાબ આપશે. હાર્દિકે જણાવ્યું હતું કે, મણિશંકર ઐય્યરને સસ્પેન્ડ કરી દેવાયા છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, નિવેદન યોગ્ય નથી તો યોગ્ય નથી. પરંતુ જ્યારે મોદી સાહેબ અને ભાજપના નેતા ખોટા નિવેદન બાજી કરે છે ત્યારે ભાજપે કોને સસ્પેન્ડ કર્યા તેવો પ્રશ્ન ઉભો કર્યો હતો.