શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 12 જુલાઈ 2019 (08:29 IST)

ગુજરાત સરકાર એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં કૌશલ્યવિકાસ માટે સેન્ટર્સ ઑફ એક્સિલેન્સ વિકસાવશે

ગુજરાત સ્ટેટ એવિયેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ, ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અને એરપોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની સાથે ભેગા મળીને કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઈ)એ આજે ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ ખાતે એવિયેશન સેક્ટરમાં વ્યાપારની તકો વિષય પરની કૉન્ફરન્સ ગુજરાત એવિયેશન કૉન્ક્લેવની બીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ એક દિવસની ધમાકેદાર કૉન્ક્લેવમાં એવિયેશન ઇન્ડસ્ટ્રીના કેટલાક ખ્યાતનામ લોકો અને નીતિના ઘડવૈયાઓ એક જ મંચ પર એકઠાં થયાં હતા.
આ કૉન્ક્લેવના ઉદઘાટન વખતે પોતાના સંબોધનમાં આઇએએસ અને ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવાહારેએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં એક બીજા એરપોર્ટની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. હાલમાં અમદાવાદ એરપોર્ટના ટર્મિનલની ક્ષમતા દર વર્ષે 70 લાખ મુસાફરોનું સંચાલન કરવા જેટલી જ છે. જોકે, ગત વર્ષે આ એરપોર્ટે અંદાજે 1.1 કરોડ મુસાફરોનું સંચાલન કર્યું હતું.

આમ, ધોલેરા ખાતે અમદાવાદ માટે બીજા એરપોર્ટનું નિર્માણકાર્ય શરૂ કરવા એએઆઈ અને ગુજરાત સરકારે હાથ મિલાવ્યાં છે. આ માટેની જમીન પહેલેથી જ ઉપલબ્ધ છે, બધી જ મંજૂરીઓ મળી ગઈ છે અને તેનું કામ ટૂંક સમયમાં જ શરૂ થાય તેવી આશા છે. તે અમદાવાદથી અંદાજે 80 કિમી દૂર આવેલું છે અને આ એરપોર્ટ સુધીની કનેક્ટિવિટી પૂરી પાડવા માટે એનએચએઆઈ 6-લેનના ઍક્સેસ કન્ટ્રોલ એક્સપ્રેસવેનું નિર્માણ કરી રહી છે. આમ, ગુજરાત સરકાર ભવિષ્યની જરૂરિયાતો માટે આંતરમાળખાંની રચના કરવા માટે સક્રિય છે.’
ગુજરાત સરકારના સિવિલ એવિયેશન વિભાગના ડિરેક્ટર કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું હતું કે, ‘સરકાર એવી જમીનની ઓળખ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેનો ઉપયોગ એરપોર્ટના ભવિષ્યના વિકાસ માટે થઈ શકે. અમે પહેલેથી જ રાજકોટ એરપોર્ટનું વિકાસકાર્ય શરૂ કરી દીધું છે, જેના માટે સૌથી ઝડપથી મંજૂરીઓ મેળવવામાં આવી હતી. અમને ફક્ત 6 જ મહિનામાં પર્યાવરણ સંબંધિત મંજૂરી મળી ગઈ હતી અને આ પ્રોજેક્ટ ફક્ત બે જ વર્ષમાં સોંપાઈ ગયો હતો. ગુજરાત સરકાર મેઇન્ટેનન્સ (જાળવણી), રીપેર (સમારકામ) અને ઓપરેશન્સ (સંચાલન) (એમઆરઓ) પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને અમારી પાસે અમદાવાદમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. હાલમાં અમે 63 જેટલા એરક્રાફ્ટનું પ્રારંભથી લઇને અંત સુધીનું ખૂબ મોટું મેઇન્ટેનન્સ કાર્ય હાથ ધર્યું હતું. અમે રાજકોટ અને અંકલેશ્વરમાં આ જ પ્રકારના કેન્દ્રો સ્થાપવાનું આયોજન કર્યું છે.’
 
કેપ્ટન અજય ચૌહાણએ આગળ જણાવ્યું હતું કે, ‘આ સેક્ટરના વિકાસ માટે કૌશલ્યવિકાસ એ સૌથી મહત્વની આવશ્યક્તા છે. આ સેક્ટરના કાર્યબળને તૈયાર કરવા માટે ઘણી મોટી સંખ્યામાં કૌશલ્યવાન યુવાનોની જરૂર પડશે. યુવાનો તાલીમ પ્રાપ્ત કરી શકે તે માટે નવા અભ્યાસક્રમો રજૂ કરવા અને નવી ઉડ્ડયન સંસ્થાઓ સ્થાપવા માટે અમે ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (આઇટીઆઈ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ ટેકનોલોજી (આઇઆઇટી) અને નેશનલ કેડેટ કૉર્પ્સ (એનસીસી) સાથે સહયોગ સાધી રહ્યાં છીએ. 
 
અમે કેટલાક સેન્ટર્સ ઑફ એક્સિલેન્સની પણ સ્થાપના કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ, જ્યાં વિદ્યાર્થીઓ એરક્રાફ્ટના હાઈ-ટૅક ઉપકરણો અને ડિઝાઇન તૈયાર કરવાની તાલીમ પ્રાપ્ત કરી શકશે. આ ઉપરાંત, ગિફ્ટ સિટી પણ ભારતમાં લીઝિંગ આઉટ અને એરક્રાફ્ટ ફાઇનાન્સિંગના કેન્દ્રો સ્થાપવાનો પ્રયાસ કરી રહી છે. વાસ્તવમાં તો એવિયેશન સેક્ટર માટેનું અમારું બજેટ સતત વધ્યું છે. વર્ષ 2012માં આ બજેટ ફક્ત રૂ. 10-12 કરોડ જ હતું, જે હવે વધીને રૂ. 430 કરોડ થઈ ગયું છે.’
અદાણી ગ્રૂપના એરપોર્ટ્સ બિઝનેસના સીઇઓ સિદ્ધાર્થ કપૂરે જણાવ્યું હતું કે, ‘આજે એરપોર્ટ્સ ક્ષમતા સંબંધિત મોટા પડકારોનો સામનો કરી રહ્યાં છે. ચેન્નઈ જેવા એરપોર્ટ્સની ક્ષમતા ખૂબ જ ઝડપથી ખતમ થઈ જશે અને સરકારે ચેન્નઈમાં એરપોર્ટના આંતરમાળખાકીય વિકાસના આગામી તબક્કા અંગે નિર્ણય લેવાની જરૂરી છે. આ બધાં ખૂબ જ પેચીદા મુદ્દાઓ છે. એરપોર્ટ્સ જો ક્ષમતા સંબંધિત પડકારોનો સામનો કરે તો, એરલાઇન્સ દ્વારા આગામી કેટલાક વર્ષોમાં હજારો એરક્રાફ્ટનો ઑર્ડર આપવાની સાથે જ આ એરક્રાફ્ટને પાર્ક કરવાની ખૂબ મોટી સમસ્યા સર્જાશે. આ બધાં ખૂબ જ ગંભીર પડકારો છે. ખાનગીકરણના પ્રથમ તબક્કામાં ખાનગી ક્ષેત્ર દ્વારા મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લુરુ અને દિલ્હીમાં એરપોર્ટના ખાનગીકરણ માટે લગભગ રૂ. 35,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.’
એરપોર્ટના ખાનગીકરણ અંગે વાત કરતાં સિદ્ધાર્થ કપૂરે જણાવ્યું હતું કે, ‘ખાનગીકરણ એ એક સારી બાબત છે. ઘણાં લાંબા સમય બાદ સરકારને પીપીપી એરપોર્ટનું યોગ્ય મોડલ પ્રાપ્ત થઈ શક્યું છે. બોલી લગાવવાનો ખૂબ ઓછો સમય હોવા છતાં એરપોર્ટને પ્રચંડ પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. ખાનગીકરણને કારણે એરપોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એએઆઈ)ને નાણાં પ્રાપ્ત થયાં છે અને આ રોકડનો ઉપયોગ દેશમાં એરપોર્ટના આંતરમાળખાંનો વધુ સારો વિકાસ સાધવામાં થઈ શકશે અને તે દેશમાં એર કનેક્ટિવિટીને પ્રોત્સાહન પૂરું પાડશે.’
 
ગુજરાત સરકારના સંરક્ષણ અને એરોસ્પેસ બાબતોના સલાહકાર એર માર્શલ આર. કે. ધીરએ જણાવ્યું હતું કે, ‘આપણે સંરક્ષણ અને  એવિયેશન સેક્ટર માટેની એક ઇકોસિસ્ટમની રચના કરવી પડશે. આ ઇકોસિસ્ટમની રચના પરત્વે અમે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નીતિઓનું અમલીકરણ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યાં છીએ. બાકીના સહાયક ઉદ્યોગો અમદાવાદની આસપાસ સાણંદ તરફ ખૂબ સારી રીતે વિકસ્યાં છે. ઉદ્યોગજગત સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રને સહાય પૂરી પાડવા માટે આગળ આવી રહ્યું હોવાથી અમે કેટલાક હબની રચના કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. આગળ જતાં અમે સાણંદ વિસ્તારની આસપાસ સહાયક હબની રચના કરવા માંગીએ છીએ અને સંરક્ષણ ક્ષેત્રમાં આવી રહેલા નાના ઉદ્યોગોને મદદરૂપ થવા માંગીએ છીએ.’
 
સીઆઇઆઈ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અને હર્ષા એન્જિનિયરિંગ લિમિટેડના ચેરમેન રાજુ શાહે જણાવ્યું હતું કે, ‘નાણાં મંત્રી નિર્મલા સીતારમનએ તેમની બજેટની સ્પીચમાં જાહેર કર્યું હતું કે, ભારત ટૂંક સમયમાં એરક્રાફ્ટ ફાઇનાન્સિંગ અને લીઝિંગના બિઝનેસમાં પ્રવેશવા જઈ રહ્યો છે. ગુજરાત માટે આ એક અદભૂત તક છે. એરક્રાફ્ટ ફાઇનાન્સિંગ અને લીઝિંગ બિઝનેસની સ્થાપના કરવા માટે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ-ટૅક (ગિફ્ટ) સિટી એક આદર્શ હબ છે. તે અઢળક વિદેશી હૂંડિયામણ કમાવી આપવામાં મદદરૂપ થવાની સાથે-સાથે ભારતમાં એવિયેશન કંપનીઓને પ્રોત્સાહન પણ પૂરું પાડશે.’