રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 9 માર્ચ 2018 (12:29 IST)

અદાણીએ ૨૪૪૨ મિલિયન યુનિટ અને એસ્સારે ૧૦૨૪ મિલિયન યુનિટનો ઓછો સપ્લાય આપ્યો

અદાણી પાવર અને એસ્સાર પાવરે ગુજરાત સરકાર સાથે વીજ પુરવઠા માટે કરેલા કરાર મુજબ વીજપુરવઠો આપવાનું ચાલુ ન રાખ્યું હોવાથી ગુજરાતના વીજ ગ્રાહકોને માથે રૃા. ૫૭૮.૬ કરોડનો વધારાનો બોજ આવ્યો છે. તેમણે કરારમાં નક્કી થયેલા મિલિયન યુનિટ કરતાં ૨૦૧૭ની સાલમાં અદાણી પાવરે ૨૪૪૨ મિલિયન યુનિટ અને એસ્સારે ૧૦૨૫ મિલિયન યુનિટ ઓછી વીજળીનો સપ્લાય આપ્યો છે. એસ્સાર પાવરે તો ૧૫મી ડિસેમ્બર ૨૦૧૭થી સંપૂર્ણ ૧૦૦૦ મેગાવોટ વીજળીનો સપ્લાય બંધ જ કરી દીધો છે. તેવી જ રીતે અદાણી પાવરે ૨૦મી જાન્યુઆરી ૨૦૧૮થી ૨૦૦૦ મેગાવોટ વીજળીનો સપ્લાયા બંધ કરી દીધો છે

. ગુજરાત ઉર્જા વિકાસ નિગમે બંને કંપનીઓ દ્વારા કરારનો ભંગ કરવામાં આવ્યો હોવાની બાબત પરત્વે ગુજરાત વીજ નિયમન પંચનું ધ્યાન દોર્યું છે. સૌથી આઘાતજનક બાબત તો એ છે કે એક તરફ જર્કમાં ફરિયાદ કરનાર જીયુવીએનએલ ખાનગીમાં અદાણી પાવર સાથે કોમ્પેન્સેટરી ટેરિફને મુદ્દે ચર્ચા કરી રહી છે. રાજ્ય સરકાર આ માટે તેમના પર દબાણ લાવી રહી હોવાનું પાવર ક્ષેત્રના જાણકાર કે.કે. બજાજનું કહેવું છે. ટાટા ગુ્રપની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડે તેનો સપ્લાય ઘટાડયો નથી. તેણે આજે પણ સપ્લાય આપવાનું ચાલુ રાખ્યું છે. આ કંપની અન્ય તમામ સપ્લાયર્સની તુલનાએ સસ્તા દરે વીજળી આપી રહી છે. સુપ્રીમ કોર્ટે ૧૭મી એપ્રિલ ૨૦૧૭ના તેના ચૂકાદામાં આ કંપનીઓને કોમ્પેન્સેટરી ટેરિફ આપવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. આ અંગે નિર્ણય લેવાનું તેણે સીઈઆરસી પર છોડયું છે. આ સંજોગોમાં જીયુવીએનએલ અને અદાણી પાવર વચ્ચે આ મુદ્દે થયેલા સંપૂર્ણ પત્રવ્યવહાર જાહેર કરવાની માગણી કરવામાં આવી છે.