સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 6 માર્ચ 2018 (22:55 IST)

નિરવ મોદી પાસે ગુજરાત સરકારને વેટ પેટે મોટી રકમ લેવાની નિકળે છે

પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં સામેલ નીરવ મોદી અને મેહુલ ચોકસીનું વાયબ્રન્ટ ગુજરાતમાં કોઈ રોકાણ ન હોવાની માહીતી સરકારે અગાઉ જાહેર કરી હતી પરંતુ હવે એવો ઘટસ્ફોટ થયો છે કે વેટ પેટે ગુજરાત સરકારના પણ નીરવ મોદી પાસે મોટી રકમ લેવાની નિકળે છે અને તેના અનુસંધાને નોટીસ ફટકારવામાં આવી છે. સુરતનાં બેલ્જીયમ ટાવરમાં નીરવ મોદીની માલીકીની ફાઈવ સ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લીમીટેડ નામની કંપની છે. 2013-14 ના નાણાંકીય વર્ષમાં 3500 કરોડના આંતર રાજય વેપાર તથા જવેલરી નિકાસ પેટે વેટ ચુકવવાનો બાકી છે અને તે પેટે સરકારે ઉઘરાણી કરી છે. બાકી લેણી રકમ પર 18 ટકા વ્યાજ અને 150 ટકાની પેનલ્ટીની વસુલાત માટે નોટીસ ફટકારવામાં આવી છે.

કરવેરા વિભાગના સુત્રોએ કહ્યું કે વેટ રીટર્નના આધારે 12.50 ટકા વેટ થતા 2.50 ટકાના વધારાના વેરાની ગણતરી કરવામાં આવે તો તે આંકડો 525 કરોડ થવા જાય છે. 12 મી માર્ચ સુધીમાં તમામ દસ્તાવેજો સાથે કંપની સંચાલકો હાજર ન થાય તો ઉકત રકમમાં વ્યાજ અને પેનલ્ટી વસુલાશે. વેટની બાકી રકમનો ચોકકસ આંકડો વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી. સુરતના જોઈન્ટ કમીશ્નર ઓફ સ્ટેટ ટેકસ દ્વારા ગુજરાત વેટ કાયદા 2003 તથા કેન્દ્રીય વેચાણવેરા કાયદા 1956 હેઠળ કલમ 9 (2) હેઠળ 2013-14 ના નાણા વર્ષની ઓડીટ આકારણી હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. નીરવ મોદીની કંપનીને ફટકારાયેલી નોટીસમાં એમ કહેવાયું છે કે આંતર રાજય તથા નિકાસ વ્યવહારોનાં શીપીંગ બીલ, નિકાસ મેનીફેસ્ટો, બેંક વ્યવહારો વગેરે દસ્તાવેજો રજુ કરવામાં આવ્યા નથી. એર-વે બીલમાં શીપીંગ બીલ દર્શાવવા છતા ઓડીટ આકારણી માટે સામેલ કરવામાં આવ્યા નથી.ગુજરાત વેટ કાયદા 2003 ની કલમ 33 અને 63 હેઠળ કંપનીએ ફોર્મ 2005 માં વાર્ષિક રીટર્ન તથા ઓડીટ રીપોર્ટ પણ રજુ કર્યા નથી કંપનીએ પેશ કરેલા દસ્તાવેજોની ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની વેબસાઈટમાં આંકડા સાથે ચકાસણી કરવામાં આવી હતી તેમાં એવુ માલુમ પડયુ હતું કે 2479 કરોડની નિકાસ મંજુર થઈ હતી અને 990 કરોડની નિકાસ નામંજુર થઈ હતી. કંપની શાખાએ 40 કરોડથી વધુનો માલ ટ્રાન્સફર કર્યો હતો પરંતુ ડીસ્પેચીંગ અને કાયદાકીય ફોર્મ પેશ કરાયા ન હતા.