ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (18:11 IST)

દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ હાઈ-વે, વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે

કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતુ કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે વિશ્વનો સૌથી મોટો હાઈવે છે. જેનું રૂ.એક લાખ કરોડના ખર્ચે નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં રૂ.૧.૨૫ લાખ કરોડના માર્ગોના કામો ચાલી રહ્યા છે અને વધુ રૂ.૧.૨૫ લાખ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવેનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં વડોદરાથી મુંબઈ માત્ર સાડા ત્રણ કલાકમાં પહોંચી જવાશે. આ માર્ગને નરીમાન પોઈન્ટ સુધી લંબાવવામાં આવશે.
કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વડોદરા નજીક દુમાડ ચોકડી ખાતે રૂ.૩૪.૫૦ કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૮ અને એક્સપ્રેસ વે પર વડોદરા-સાવલી જંક્શનના સુધાર કામનું વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ કામગીરી પૂર્ણ થતાં દુમાડ ચોકડી ઉપર ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિરાકરણ થશે.
કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, દિલ્હી મુંબઈ ગ્રીન હાઈવે ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ હાઈ-વે છે. ગુજરાતમાં રૂ.૩૬ હજાર કરોડના ખર્ચે ૪૨૩ કિ.મી.ના આઠ લેનના પ્રથમ તબક્કામાં ૧૩૨ કિ.મી.પૈકી ૪૦ ટકા કામ પૂર્ણ થયું છે. વડોદરા અંકલેશ્વર ૧૦૦ કિ.મી. માર્ગનું કામ વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થશે. આ માર્ગ પર યાત્રિકો માટે ૩૩ સ્થળોએ વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. એટલું જ નહિ ભવિષ્યમાં આ માર્ગ પર લોકો અને માલ સામાનનું હેરફેર ડ્રોનથી થાય તેવી સુવિધા વિકસાવવામાં આવશે.
 
તેમણે ઉમેર્યુ, ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વે રૂ.૩ હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. ગુજરાત સહિત દેશભરમાં નિર્માણ થઇ રહેલ વિવિધ માર્ગોની વિગતો તેમણે આપી હતી.
વધુમાં કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસને નવી દિશા આપી હતી. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે, સમાજના છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે પર્યાવરણના જતન માટે મહત્તમ વૃક્ષારોપણ કરવા અને કોરોના મુક્ત ગુજરાત માટે સૌને કોરોના રસી અવશ્ય લેવા અનુરોધ કર્યો હતો.
 
સાંસદ રંજનબેન ભટ્ટે પ્રધાનમંત્રીના જન્મ દિવસે દુમાડ ચોકડી ખાતે બ્રીજના કામનું ખાતમુહૂર્ત થયું એ ગૌરવ અને આનંદની વાત છે એવી લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, દેણા અને છાણી બ્લેક સ્પોટનું કામ ટૂંક સમયમાં શરૂ કરવાની પણ મંત્રીએ સૂચના આપી છે. 
 
પ્રારંભમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રાએ સૌનો આવકાર કરતાં જણાવ્યું કે, દુમાડ ચોકડી જંકશનનું કામ પૂર્ણ થતાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને વાહન વ્યવહારને આવાગમનમાં સરળતા થશે. આ માર્ગ પરના બ્લેક સ્પોટ દુરસ્ત કરવા મંત્રીશ્રીએ અધિકારીઓને સુચનાઓ આપી છે.