શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2018 (12:12 IST)

27 હજાર કરોડનું ટર્ન ઓવર કરનાર જીસીએમએમએફમાં કોણ બનશે ચેરમેન?

દેશભરમાં શ્વેતક્રાંતિની મિસાલ ઉભી કરનાર ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં આજે ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. અંદાજે 27 કરોડનું ટર્ન ઓવર ધરાવતા આ ફેડરેશનમાં ચેરમેન કોણ બનશે? એને લઇને અટકળો તેજ બની છે. જોકે ભાજપની બહુમતી હોવાથી શ્વેતક્રાંતિમાં ભગવો રંગ જરૂર દેખાશે પરંતુ ચેરમેન પદ માટે બાહુબલીઓમાં ભારે ખેંચમતાણ હોવાની ચર્ચાઓ તેજ બની છે. આ સંજોગોમાં વાવ બેઠક પરથી હારેલા પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રામસિંહ પરમાર વચ્ચે ભારે રસાકસી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

ગુજરાતમાં શ્વેતક્રાંતિ કરનાર ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદત પુરી થતાં આજે ચૂંટણી હાથ ધરાઇ છે. વર્તમાન ચેરમેન જેઠાભાઇ પટેલ અને વાઇસ ચેરમેન જેઠાભાઇ ભરવાડની મુદત પુરી થતાં એમના સ્થાન કોણ લેશે? આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. તો બીજી તરફ હાલની સ્થિતિએ રાજ્યના વિવિધ દૂધ સંઘોમાં ભાજપનું વર્ચસ્વ હોવાથી આ ચૂંટણીમાં પણ ભાજપનો જ દબદબો રહેશે પરંતુ 27 હજાર કરોડના ટર્ન ઓવરવાળા ફેડરેશનમાં સત્તા માટે ભાજપના જ બાહુબલીઓમાં ભારે જંગ સર્જાયો છે.  વર્તમાન ચેરમેન જેઠાભાઇ અને વાઇસ ચેરમેન જેઠા ભરવાડ ફરીથી સત્તા માટે કતારમાં જ છે પરંતુ એની સાથોસાથ વાવ બેઠક પરથી તાજેતરમાં હારેલા પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ આ રેસમાં આગળ હોવાનું મનાય છે. તો બીજી તરફ ખેડા દૂધ સંઘના ચેરમેન અને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા રામસિંહ પરમાર પણ આ જંગમાં ભારે મહેનત કરી રહ્યા હોવાનું મનાય છે.  ડેરી સુત્રોના જણાવ્યા અનુસાર શંકર ચૌધરી અને રામસિંહ પરમાર વચ્ચેના જંગમાં ભાજપ દ્વારા રામસિંહ પરમાર પર પસંદગી ઉતારાય તો નવાઇ નહીં, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ભાજપ દ્વારા ખાસ કંઇ આપવામાં આવ્યું નથી એવા સંજોગોમાં પાર્ટી દ્વારા રામસિંહને ફેડરેશનના ચેરમેન બનાવાય એવી સંભાવના પ્રબળ છે. આમ પણ રામસિંહ પરમાર પીઢ સહકારી નેતા છે.