સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 26 ડિસેમ્બર 2020 (08:26 IST)

અમેરિકામાં વિસ્ફોટ, પોલીસ તપાસ શરૂ, 3 ઘાયલ

અમેરિકાના ટૅનેસી પ્રાંતના નૅશવિલ શહેરમાં ક્રિસમસની સવારે ધડાકો થયો છે. પોલીસનું કહે છે કે આ વિસ્ફોટ જાણીજોઈને કરાયો હતો અને તેને એક વાહન સાથે સાંકળીને જોવામાં આવી રહ્યો છે.
 
વિસ્ફોટ સ્થાનિક સમયાનુસાર સવારે છ વાગ્યે થયો જે બાદ સિટી સેન્ટરની ઉપર ધુમાડો ઊઠતો દેખાયો.
 
ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ત્રણ ઘાયલ લોકોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે પરંતુ કોઈ પણ વ્યક્તિ ગંભીરપણે ઈજાગ્રસ્ત થઈ હોવાની આશંકા નથી.
 
વિસ્ફોટના કારણે એક પોલીસ અધિકારના પગમાં ઈજા થઈ છે. પોલીસે સંદિગ્ધ વાહનની એક નવી તસવીર પણ જારી કરી છે, જેમાં તે શુક્રવારે સવારે ઘટનાસ્થળે પહોંચતું દેખાઈ રહ્યું છે.
પોલીસ પ્રવક્તા ડૉન આરૉને પત્રકારોને કહ્યું, "અત્યાર સુધી અમે એટલું જરૂર કહી શકીએ છીએ કે આ વિસ્ફોટ જાણીજોઈને કરાયો હતો."
 
આલ્કોબોલ, તમાકુ અને ફાયર આર્મ્સ બ્યૂરોના તપાસકર્તા અને FBIની ટીમ ઘટનાસ્થળ પર હાજર છે. જોકે વિસ્ફોટના સાચા કારણની હજી સુધી જાણ થઈ શકી નથી.
 
પત્રકારપરિષદમાં પોલીસના પ્રવક્તા ડૉન આરૉને જણાવ્યું કે તેમને સવારે છ વાગ્યાની આસપાસ ગોળી ચાલવાના અવાજ સંબંધિત ફરિયાદો મળી.
 
પોલીસ પ્રવક્તાએ કહ્યું, "જ્યારે એન્ટિ બૉમ્બ સ્કવૉડ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને ત્યાં એક સંદિગ્ધ વાહન મળ્યું. થોડી વાર બાદ આ વાહનમાં વિસ્ફોટ થઈ ગયો."
 
પોલીસનું કહેવું છે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વિસ્ફોટ સમયે વાહનમાં કોઈ હાજર હતું કે નહીં.
 
યૂટ્યૂબ પર પોસ્ટ કરાયેલા એક સીસીટીવી ફૂટેજમાં વિસ્ફોટના અમુક સમય પહેલાંનાં દૃશ્યો જોઈ શકાય છે.
 
ત્યારે એક ચેતવણીનું પણ એલાન કરાયું હતું અને કહેવાયું હતું કે, "જો આપ આ સંદેશ સાંભળી રહ્યા હોવ તો તરત આ જગ્યા ખાલી કરી દો."
 
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે તેના તરત બાદ જ એક વિસ્ફોટના કારણે ચારે તરફ ધુમાડો અને આગની જ્વાળાઓ નજર આવે છે.
 
આ વિસ્તારમાં રહેતા બક મૅકૉયે જણાવ્યું કે વિસ્ફોટના અવાજથી તેમની ઊંઘ ઊડી ગઈ હતી.
 
તેમણે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં દીવાલમાંથી પાણી અને કાટમાળ પડતાં દેખાય છે. વીડિયોના બૅકગ્રાઉન્ડમાં ઍલાર્મનો અવાજ પણ સાંભળી શકાય છે.
 
તેમણે સમાચાર એજન્સી એપીને જણાવ્યું કે, "મારા ઘરની તમામ બારીઓ તૂટી ગઈ અને કાચના ટુકડા પાસેના રૂમમાં વિખેરાઈ ગયા. જો હું એ સમયે ત્યાં ઊભો હોત તો બહુ ખરાબ બન્યું હોત."
 
મૅકૉયે કહ્યું, "આ એક બૉમ્બ વિસ્ફોટ જેવું લાગ્યું, આ મોટો વિસ્ફોટ હતો."
 
આ વિસ્તારમાંથી મળેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ઘરોની બારીઓ તૂટીને વિખેરાઈ ગઈ છે, ઇમારતોને નુકસાન થયું છે અને ઝાડ પણ પડી ગયાં છે.
 
નૅશવિલ શહેર તેના બહેતરીન રેસ્ટોરાં અને નાઇટલાઇફ માટે ઓળખાય છે.
 
શહેરના મેયર જૉન કૂપરે કહ્યું, "એવું લાગ્યું જાણે કોઈ બૉમ્બ વિસ્ફોટ થયો હોય."
 
ટેનેસી પ્રાંતના ગવર્નર બિલ લીએ એક ટ્વીટ કરીને કહ્યું કે તેઓ મામલાની તપાસ કરવા માટે તમામ સંશાધન ઉપલબ્ધ કરાવશે જેથી એ વાતની ખબર પડી શકે કે આ બધું કેવી રીતે થયું અને આની પાછળ કોણ હતું.
 
આ ઘટના વિશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ જાણકારી અપાઈ છે અને વિસ્તૃત જાણકારીની રાહ જોવાઈ રહી છે.