વ્લાદિમીર પુતિનનું પાંચમી વખત રાષ્ટ્રપતિ બનવું હંમેશાંથી નક્કી જ હતું. એમની સામે ત્રણ ઉમેદવાર હતા અને ત્રણેય ક્રેમલિન તરફથી જ ઊભા રખાયા હતા. પણ જ્યારે એમનો વિજય થયો અને કુલ 87 ટકા મત મળ્યા ત્યારે તેમણે કહ્યું કે રશિયાનું લોકતંત્ર પશ્ચિમના કેટલાય દેશોનાં લોકતંત્ર કરતાં વધારે મજબૂત છે.
જોકે, સત્ય એ છે કે આ ચૂંટણીમાં એક પણ ઉમેદવાર એવો નહોતો જેને વિશ્વસનીય કહી શકાય. આ ચૂંટણી દરમિયાન પુતિનના વિરોધી ઍલેક્સી નવેલનીના સમર્થકોએ પ્રતીકાત્મક રીતે વિરોધપ્રદર્શનો કર્યાં છે.
નુન અગેન્સ્ટ પુતિન અભિયાન અંતર્ગત રશિયાનાં મૉસ્કો તથા પીટર્સબર્ગ સહિતનાં કેટલાંય શહેરો અને કેટલાંય રાષ્ટ્રોમાં રશિયન દુતાવાસો સામે લોકો એકઠા થયા અને વિરોધ નોંધાવતાં મતદાન કર્યું, જેને પ્રોટેસ્ટ વોટિંગ કહેવાઈ રહ્યું છે. જોકે, આ પ્રદર્શનોની ચૂંટણી પર ના કોઈ અસર થવાની હતી કે કે ના કોઈ અસર થઈ.
મૉનિટરિંગ ગ્રુપ ઓડિવી-ઇન્ફોએ કહ્યું છે કે રશિયામાં ઓછામાં 80 લોકોની અટકાયત કરવામાં આવી છે. શુક્રવારે કેટલાંક પોલિંગ બૂથો પર હુમલાના સમાચાર પણ મળ્યા હતા. પશ્ચિમી દેશોએ રશિયાની ચૂંટણીની નિંદા કરતાં કહ્યું, “આ ચૂંટણી ન તો સ્વતંત્ર હતી કે ન તો નિષ્પક્ષ.”
જર્મનીએ આ ચૂંટણીની સેન્સરશિપ, દમન અને હિંસા વચ્ચેની છદ્મ ચૂંટણી ગણાવી છે. બ્રિટનના વિદેશમંત્રી ડેવિડ કૅમરૂને રશિયાની ચૂંટણીની નિંદા કરતાં કહ્યું, “યુક્રેનના વિસ્તારોમાં ગેરકાયદે ચૂંટણીઓ કરાવાઈ છે.”
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું, “રશિયાન સરમુખત્યાર વધુ એક ચૂંટણી કરાવી રહ્યા છે.”
નવેલનીના સાથી અને લિથુઆનિયામાં આશ્રય લેનારા નિયોનિડ વોલ્કોફે જણાવ્યું છે કે એક સપ્તાહ પહેલાં જ તેમના પર હથોડાથી ગંભીર હુમલો કરાયો છે. આ ચૂંટણી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું, “પુતિનને જેટલા ટકા મત મળ્યા છે, એનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.”
ઘરો સુધી બૅલેટ બૉક્સ લઈને પહોંચ્યા
રશિયામાં ત્રણ દિવસ સુધી ચૂંટણી ચાલી અને રશિયાના કબજાવાળા યુક્રેનિયન વિસ્તારોમાં એનાથી પણ વધારે મુદ્દત સુધી ચૂંટણીઓ ચાલતી રહી. પ્રયાસ કરાયો કે લોકો ઘરમાંથી બહાર આવે અને ચૂંટણીમાં ભાગ લે.
રવિવારે રશિયાના કબજાવાળા શહેર બર્ડિયાન્સ્કમાં ચૂંટણીપંચના એક અધિકારીના માર્યા જવાના સમાચાર મળ્યા. સ્થાનિક લોકોનું કહેવું છે કે સૈન્ય સાથે રશિયાના સમર્થકો બૅલેટ બૉક્સ લઈને લોકોનાં ઘરોમાં જઈ રહ્યા હતા અને મત લઈ રહ્યા હતા.
આ બધા વચ્ચે જ્યારે પરિણામ જાહેર કરાયાં ત્યારે રશિયાની ટીવી ચૅનલોએ પુતિનના વિજયને મોટો વિજય ગણાવ્યો. રશિયાના એક પત્રકારે એક ચૅનલ સાથેની વાતચીતમાં જણાવ્યું, “પુતિન માટે આ મોટું સમર્થન છે અને પશ્ચિમી દેશોને એક મોટો સંદેશ પણ.”
વિજય બાદ પુતિને જ્યારે પત્રકારો સાથે વાત કરી તો રશિયન રાષ્ટ્રપતિ કૅમ્પેનની ભારે પ્રશંસા કરી. તેમણે ચૂંટણીઅભિયાનને અમેરિકા કરતાં પણ સારું ગણાવ્યું. રશિયાએ ઑનલાઇન વોટિંગ સિસ્ટમનો પણ ઉપયોગ કર્યો. અધિકારીઓનું કહેવું છે કે આ પ્રક્રિયા અંતર્ગત 80 લાખ મત મળ્યા.
તેમણે એવું પણ કહ્યું, “આ પારદર્શી અને એકદમ યોગ્ય છે. અમેરિકા જેવું અહીં નથી કે 10 ડૉલરમાં મત ખરીદી લેવાય.”
સ્વતંત્ર વૉચડૉગ ગોલોઝને મતદાન-પ્રક્રિયાના નીરિક્ષણથી દૂર રખાઈ પણ એમ છતાં કેટલાય રિપોર્ટ સામે આવ્યા અને એમાં ચૂંટણીમાં કરાયેલા ગોટાળાની વાત કહેવાઈ. ત્યાં સુધી કહેવાઈ રહ્યું છે કે સરકારી કર્મચારીઓ પર મતદાન કરવા માટે દબાણ કરાયું હતું.
'મૉલમાં કૉલેજો અને હિંદીમાં ચાલતા વર્ગો', કૅનેડામાં વિદ્યાર્થીઓને કઈ રીતે છેતરવામાં આવે છે?
રશિયાની શાળાનું એ પુસ્તક જે કિશોરોને યુક્રેન સામે યુદ્ધ લડવા પ્રોત્સાહિત કરી રહ્યું છે
પુતિને પ્રથમ વખત લીધું નવેલનીનું નામ
પુતિને ચૂંટણીમાં પોતાના પ્રતિસ્પર્ધીઓનાં પણ વખાણ કર્યાં અને કહ્યું કે તેમણે વધારેમાં વધારે મચદારોને ચૂંટણીપ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રથમ વખત તેમણે ઍલેક્સી નવેલનીનું સરાજાહેર નામ લીધું અને એ પણ ત્યારે જ્યારે એક મહિના પહેલાં આર્કટિકની એક જેલમાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
નવેલનીની હત્યા કરાવી હોવાના આરોપોનો કદાચ પુતિન જવાબ આપવા માગતા હતા.
નવેલની પર વાત કરતાં તેમણે એ અહેવાલો પર મોહર મારી, જેમાં કહેવાઈ રહ્યું હતું કે તેમણે પશ્ચિમી દેશોમાં બંધ રશિયન કેદીઓના બદલામાં નવેલનીના વિદેશ જવાના વિકલ્પ અંગે વિચાર કર્યો હતો. પણ શરત એ રખાઈ હતી કે તેઓ પરત નહીં ફરે.
પુતિને કહ્યું, “મેં કહ્યું હતું કે હું આ માટે તૈયાર છું. જોકે, દુર્ભાગ્યવશ જે થયું તે થયું. શું કરી શકીએ. આ જ જીવન છે.”
નરેન્દ્ર મોદી ફરીથી પીએમ બનશે કે નહીં એ નક્કી આ વખતે ઓબીસી મતદારો કરશે?
પ્રોટેસ્ટ વોટ અને તેનો અર્થ
યુલિયા નાવેલનાયા, જેમણે બર્લિનમાં રશિયન દૂતાવાસની સામે મતદાનનો વિરોધ કર્યો હતો.
યુલિયા નવેલનાયા બર્લિનમાં રશિયન દૂતાવાસ બહાર છ કલાક સુધી ઊભાં રહ્યાં અને પ્રોટેસ્ટ વોટિંગ એટલે કે ચૂંટણીના વિરોધ માટેના મતદાનમાં ભાગ લીધો.
તેમણે કહ્યું કે તેમણે પોતાના બૅલેટ પેપર પર પોતાના પતિ નવેલનીનું નામ લખ્યું છે. તેમણે વિરોધમાં સામેલ થવા આવેલા લોકોનાં વખાણ કર્યાં અને કહ્યું, “આનાથી એવી આશા જાગે છે કે બધું જ ખતમ નથી થયું.”
બ્રિટનમાં એક પ્રદર્શનકારી મતદારે કહ્યું કે મતદાન કરતાં પહેલાં તેઓ સાત કલાક કરતાં વધારે સમય સુધી લાઇનમાં ઊભાં રહ્યાં.
સામાજિક કાર્યકર અને વકીલ લિયોબોફ સોબોલે વૉશિંગ્ટન ડીસીમાં કહ્યું કે “વિરોધમાં જે મતદાન કરાઈ રહ્યું છે તે ક્રેમલિનનાં પરિણામોમાં જોવા નહીં મળે. પણ આ એકજૂથ થવાનું પ્રતીક છે અને એટલે એ જરૂરી છે.”
રશિયાની ચૂંટણી ક્યારે પણ લેવલ પ્લેઇનંગ ફિલ્ડ નહોતી થવાની. એટલે કે એવું નહોતું થવાનું કે સૌને સમાન તકો પ્રાપ્ત થાય.
સામ્યવાદી પક્ષના ઉમેદવાર નિકોલાઇ ખારિતોનોફને ચાર ટકા કરતાં થોડા વધારે મતો મળ્યો અને તેમના સાથી ઉમેદવારોને એમના કરતાં પણ ઓછા મતો મળ્યા.
ત્રણેય ઉમેદવાર ગંભીર નહોતા અને ખારિતોનોફ તો પુતિનનાં તેમના પોતાના ચૂંટણીઅભિયાનમાં વખાણ કરતાં કહી ચૂક્યા હતા કે “પુતિન તમામ ક્ષેત્રોમાં દેશને એકજૂથ રાખવા અને વિજય અપાવવા માટે કામ કરી રહ્યા છે.”
લાખો લોકોએ એ માટે પુતિનને એમના પાંચમા કાર્યાકાળ માટે મત આપ્યા કેમ કે તેમને પાસે અન્ય કોઈ વિકલ્પો જ નહોતા.
આનું સૌથી મોટું કારણ એ હતું કે ક્રેમલિને સંપૂર્ણ રાજકીય પરિદૃશ્યમાં કોઈ પણ વિશ્વસનીય પ્રતિદ્વંદ્વી રહેવા જ નથી દીધા. કાં તો પુતિનના વિરોધીઓને જેલમાં નાખી દેવાય છે, કાં તો તેઓ નિર્વાસનમાં રહી રહ્યા છે.
કેટલાંક સપ્તાહ સુધી તો એવા સમાચાર પણ મળી રહ્યા હતા કે યુદ્ધવિરોધી નેતા બોરિસ નાદેઝદીનને ચૂંટણીમાં ઊભા રહેવાની પરવાનગી મળી શકે એમ છે.
જોકે, ગત મહિને ચૂંટણીપંચે તેમની ઉમેદવારીને ફગાવી દીધી હતી અને એનું કારણ એ હતું કે મોટી સંખ્યામાં રશિયનો તેમને સમર્થન આપે એવું જણાઈ રહ્યું હતું.