બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: બીજીંગ , મંગળવાર, 3 જાન્યુઆરી 2012 (11:27 IST)

ચીનમાં ભારતીય રાજદ્વારી પર સ્થાનિક લોકોનો હુમલો

P.R
શંઘાઈની એક કોર્ટમાં એક ભારતીય રાજદ્વારી સાથે એ સમયે ખરાબ વર્તણૂંક કરવામાં આવી જ્યારે તે બે ભારતીયોને મુક્ત કરવા પહોંચ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લેતા ભારતે ચીનની સરકાર સમક્ષ કડક શબ્દોમાં વિરોધ દર્શાવ્યો છે.

ચીનની એક કોર્ટમાં સ્થાનિક લોકોના હુમલાનો ભોગ બનેલા ભારતીય રાજદ્વારીને ઈજાઓ પહોંચી હતી તેમજ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એસ. બાલાચંદ્રન નામના શાંઘાઈમાં ફરજ બજાવતા આ ભારતીય રાજદ્વારી ચીનના પૂર્વ પ્રાંતમાં આવેલા વ્યાવસાયિક કેન્દ્ર યીવુમાં સ્થાનિક વેપારીઓ દ્વારા બાકી નીકળતાં નાણાંની ચુકવણી ન કરાતા બંધક બનાવાયેલા ભારતીય વેપારીઓને છોડાવવા માટે કોર્ટમાં પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટના 31 ડિસેમ્બરના રોજ બની હતી જ્યારે બાલાચંદ્રન બંધક બનાવાયેલા બે ભારતીયોને છોડાવવાના પ્રયાસરૂપે કોર્ટમાં પોતાનું કામકાજ પતાવી બહાર નીકળી રહ્યા હતા.

ચીનના યીવુ પ્રાંતમાં સ્થાનિક વેપારીઓએ બે ભારતીયોને બાકી નીકળતાં નાણાં વસુલ કરવા માટે બે સપ્તાહથી બંધક બનાવીને રાખ્યા છે. આ ભારતીયો જ્યાં કામ કરે છે તે કંપનીનો માલિક હાલમાં ચીન છોડીને નાસી ગયો છે અને તેની કંપનીના કર્મચારીઓ સ્થાનિક વેપારીઓના રોષનો ભોગ બન્યા છે.

આ અંગે શાંઘાઈ કોન્સ્યુલેટમાં કોન્સુલ જનરલ તરીકે ફરજ બજાવતા રવિ ગાંગૂલી દાસે સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યુ હતુ કે કોન્સુલ તરીકે ફરજ બજાવતા બાલાચંદ્રન દિપક રાહેજા અને શ્યામસુંદર અગ્રવાલ નામના બે ભારતીયોને સ્થાનિકો પાસેથી છોડાવવાના પ્રયાસ દરમિયાન લોકોના રોષનો ભોગ બન્યા હતા.

તેમણે જણાવ્યુ હતુ કે 46 વર્ષીય બાલાચંદ્રન યીવુની કોર્ટમાં પાંચ કલાકથી ભારતીયોને છોડાવવા માટે વાટાઘાટ કરી રહ્યા હતા અને તેઓ કોર્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમના પર હુમલો થયો હતો. તેમના પર હુમલો થયો ત્યારે કોર્ટના જજ અને પોલીસ પણ ઘટના સ્થળે હાજર હતા. આ સમયે ઘટનાસ્થળે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે ચીનના વેપારીઓ પાસેથી લાખો યુઆનનો માલ લઈને આ ભારતીય કંપનીનો માલિક તેની કોઈપણ ચુકવણી કર્યા વગર જ નાસી ગયો છે અને પોતાની ઉઘરાણી વસુલ કરવા સ્થાનિક વેપારીઓએ કંપનીના બે કર્મચારીઓનું અપહરણ કરી લીધું છે.

આ ઘટના અંગે સ્થાનિક અધિકારીઓએ બાલાચંદ્રનની માફી પણ માંગી હતી. ડાયાબિટિઝના દર્દી એવા બાલાચંદ્રનને ઘૂંટણમાં ઈજાઓ પહોંચી હતી અને હાલમાં તેમની હાલત સ્થિર છે.

ચીનના વેપારીઓનું લાખો યુઆનનું ફૂલેકું ફેરવી જનારી કંપનીનું નામ યુરો ગ્લોબલ ટ્રેડિંગ હતું જેનો માલિક યમન અથવા પાકિસ્તાનનો હોવાનું કહેવાય છે. જ્યારે કંપનીમાં કામ કરનારા ભારતીયો મુંબઈના હતા જેમને પોલીસે છોડાવી તો લીધા હતા પરંતુ તેમના પર હુમલની શક્યતાને ધ્યાનમાં લઈને તેમને પોલીસ કસ્ટડીમાં રખાયા છે. ચીનના વેપારીઓની માંગ છે કે જ્યાં સુધી તેમના બાકી નીકળતા નાણાં ન ચુકવાય ત્યાં સુધી ભારતીયોને છોડવામાં આવે નહીં.

કોમોડિટીના ટ્રેડિંગનું કેન્દ્ર ગણાતા ચીનના યીવુ પ્રાંતમાં 100થી વધુ ભારતીયો રહે છે અને ગયા વર્ષમાં તેમણે અહીંથી 15 અબજ અમેરિકન ડોલરની કોમોડિટીની ખરીદી કરી હતી. તેમના જણાવ્યા અનુસાર આ પ્રકારની ઘટનાઓ અહીં અવારનવાર બનતી રહે છે. જ્યારે પણ ચીનના વેપારીઓને પૈસા ન મળે ત્યારે તેઓ ભારતીયોને ટાર્ગેટ બનાવતા હોય છે.

આ ઘટના પછી દિલ્હી સ્થિત ચીનના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને સમન્સ પાઠવીને ચીનમાં ભારતીય રાજદૂત સાથે થયેલા બનાવ અંગે જવાબ આપવા જણાવાયું છે.