બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

યુપી બાદ હવે રાહુલનું નિશાન ગુજરાત !!

P.R
કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશ બાદ તેમનું ધ્યાન ગુજરાત પર કેન્દ્રીત કરે તેવી શક્યતા છે, જયાં છેલ્લા 17 વર્ષથી કોંગ્રેસનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લી કોંગ્રેસ સરકારનું નેતૃત્વ ચંદુલાલ મહેતાએ 1995માં કર્યુ હતું, અને ત્યારબાદના વર્ષોમાં કોંગ્રેસ સતત સત્તા પર આવવા માટે માત્ર સંઘર્ષ કરતી રહી છે, પરંતુ સત્તા મેળવી શકી નથી.

સુત્રોના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત રાહુલ ગાંધી માટે તેમનું બીજુ મુકામ બની શકે છે. અહીં રાહુલે પહેલેથી યુથ કોંગ્રેસના માધ્યમથી પાયો તૈયાર કરી રાખ્યો છે. 2009માં અહીં યુથ કોંગ્રેસની ચૂંટણીઓ યોજાઇ હતી, ત્યારથી અત્યાર સુધી 9 લાખથી વધુ યુવકો યુથ કોંગ્રેસ સાથે જોડાયા છે.

રાહુલની નજીકની એક વ્યકિતએ સ્પષ્ટ કર્યુ છે કે " રાહુલની ફિલોસોફી બિલકુલ સ્પષ્ટ છે, તે એ રાજ્યો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે, જયાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે, યુપી બાદ રાહુલનું બીજુ મુકામ ગુજરાત હશે."

આ વર્ષે નવેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે, 2007ની ચૂંટણીઓમાં ભાજપે 182માંથી 117 બેઠકો મેળવી હતી, જ્યારે કોંગ્રેસને ફક્ત 59 બેઠકો મળી હતી.

કોંગ્રેસના ઉત્તર પ્રદેશના ચૂંટણી કેમ્પેઇનમાં રાહુલ છવાયેલા રહ્યા. રાહુલના કેમ્પેઇને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ માટે ખુબજ સકારાત્મક વાતાવરણ ઉભુ કર્યુ છે, જ્યા છેલ્લા બે દાયકાથી કોંગ્રેસ બેઠકોને લઇને સંઘર્ષ કરી રહી છે.

રાહુલના નજીકના સુત્રએ કહ્યુ " થોડા વર્ષો પહેલા ઉત્તર પ્રદેશમાં અમારી પાસે ખુબજ ઓછા કાર્યકરો હતા, પરંતુ આજે એક વિશાળ દળ અમારી પાસે છે, જેનો તમામ શ્રેય રાહુલ ગાંધીને જાય છે.

પક્ષને આશા છે કે ગુજરાતમાં પણ રાહુલનો જાદુ છવાશે, પરંતુ અંદરો અંદરના વિખવાદ અને નબળુ નેતૃત્વએ ગુજરાતને લઇને કોંગ્રેસ હાઇકમાન માટે ચિંતાનો વિષય છે.

કોંગ્રેસ હવે યુપીમાં અપનાવેલી સ્ટ્રેટેજી ગુજરાતમાં અપનાવવા માટે આયોજન કરી રહી છે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા તાજેતરમાંજ 15 દિવસનું એક કેમ્પેઇન પુરુ કરવામાં આવ્યું છે, જેમાં નરેન્દ્ર મોદીની સરકારમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને આચરવામાં આવેલી કથિત અનીતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણીઓમાં ગતવર્ષે મળેલી સફળતા અને પંચાયતની ચૂંટણીઓમાં મળેલા વિજયે કોંગ્રેસને આશાનું કિરણ બતાવ્યું છે.