ગુજરાત વિઘાનસભામાં કોંગ્રેસના વિરોધ વચ્ચે જીએસટી બીલ સહિત ત્રણ સુધારા વિધેયક પાસ થયાં
ગુજરાત વિઘાનસભાના બે દિવસના ટુંકા સત્રમાં જીએસટી બીલ સહિત ત્રણ સુધારા વિઘેયક પાસ થયાં હતાં. એક તરફ કોંગ્રેસનો હલ્લાબોલ અને બીજી તરફ સરકાર વિરોધી સુત્રોચ્ચાર વચ્ચે ગૃહમાં આ બીલ પાસ કરવામાં આવ્યાં હતાં. ગુજરાત વિધાનસભા સત્રમાં આજે બીજા દિવસે જીએસટી બિલ રજૂ થયું અને સર્વાનુમતે પાસ થયું છે. ઉપરાંત, સત્રના બીજા દિવસે સરકાર 3 સુધારા વિધયેક લાવી, જેમાં પક્ષાંતર ધારા અનુસાર સભ્યોને ગેરલાયક ઠેરવતું સુધારા વિધેયક, સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ કોલેજ પ્રવેશ સુધારા વિધેયક અને ગુજરાત કોર્ટ ફી સુધારા વિધેયક રજૂ કરાયાં છે. બીજી તરફ વાત કરીએ વિપક્ષની તો બીજા દિવસના સત્રમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં ઊનાકાંડ, થાનગઢ કાંડ, પાટીદારોનો મામલા સહિતની બાબતોને લઈને જનાક્રોશ રેલી યોજી વિધાનસભા સંકુલ ઘેરવાનો કાર્યક્રમ આપ્યો હતો. ગુજરાત વિધાનસભા સત્રને ઓછામાં ઓછું 5 દિવસ ચલાવવા માટે કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાથી માંડી શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ અવારનવાર રજૂઆત અને ઈચ્છા વ્યક્ત કરાઈ હતી.
જોકે તેમ છતાં આખરે જાણે બીજેપીએ ધાર્યું કર્યું હોય તેમ માત્ર બે દિવસનું સત્ર ગોઠવાયું છે ત્યારે કોંગ્રેસ એક તરફ ગુજરાતમાં થયેલા દલિત અત્યાચાર, પાટીદાર આંદોલન ઉપરાંત થાનગઢ મામલા સહિતની બાબતોને લઈને પોતાની નારાજગી અને પ્રશ્નો ગુજરાત સરકારને કરવા માગતી હતી જે માટે ઓછા દિવસોના સત્રમાં તેમને સમય ન મળે તેવું બન્યું છે. જેને લઈને કોંગ્રેસ અગાઉથી જ નારાજ છે. કોંગ્રેસની આ નારાજગી આજના સદનની બહાર બુલંદ અવાજ સાથે સાંભળવા મળી હતી.ગુજરાત વિધાનસભામાં આજે જીએસટી બિલ રજૂ થયું જેમાં સર્વાનુમતે મંજૂરીની મહોર વાગી હતી. ઉપરાંત સત્રમાં ત્રણ સુધારા વિધેયક પણ રજૂ કરાઇ રહ્યાં છે. જેમાં પક્ષાંતર ધારા, સેલ્ફફાઈનાન્સ મેડિકલ કોલેજમાં પ્રવેશ સુધારણા તથા ગુજરાત કોર્ટ ફી સુધારા વિધેયક પણ રજૂ થયું હતું.