પોલીસમાં ફફડાટ - CID ઑપરેશનમાં એક કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
ગુજરાતના પડોશી રાજ્યોમાંથી દારૂની મોટાપાયે ઘુસણખોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે ઉત્તર ગુજરાતના પ્રવેશદ્વાર શામળાજી પાસે મંગળવારે CID ક્રાઈમની ટીમ દ્વારા ઑપરેશન હાથ ધરાયું હતું. જેમાં ત્રણ ટ્રકોને ઝડતી લેતાં તેમાંથી એક કરોડની કિંમત ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જ્યારે સ્થાનિક પોલીસ આ સંદર્ભે ઉંઘતી ઝડપાઈ હતી.
રાજસ્થાન તરફથી ચાર ટ્રકો ભરીને વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની મંગળવારે સીઆઈડી ક્રાઈમને મળેલી બાતમીના આધારે શામળાજી ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગ કરતાં ત્રણ ટ્રકો ઝડપી પાડી હતી. ત્રણ ટ્રકમાં રાખેલા દારૂની કિંમત એક કરોડ ઉપરાંતની હોવાનું બહાર આવ્યું હતું. ટ્રક સાથે ચાર શખ્સોની પણ અટકાયત કરવામાં આવી છે. હજી એક ટ્રક આવી રહી હોવાની બાતમી હોવાથી ક્રાઈમબ્રાન્ચ સતત પેટ્રોલિંગ કરી વાહન ચેકિંગ કરી રહી છે.રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પડોશી રાજ્યોમાંથી ગેરકાયદે દારૂનો વિપુલ જથ્થો ઠલવાતો હોવાની ફરિયાદોને પગલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા રાજ્યના સરહદી વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સોમવારે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની સીઆઈ સેલની ટીમે નેશનલ હાઇવે 8 પર વલસાડની હદમાંથી રૂ 13,92,000 નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.