નિરાધાર વૃદ્ધોને માસિક રૂા.૭૦૦ તથા દિવ્યાંગોને માસિક રૂા. ૬૦૦ ની સહાય- ૪,૭૭,૦૦૦ નિરાધાર વૃદ્ધો અને ૭૧૬૧ દિવ્યાંગોને લાભ
રાજયના સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી આત્મારામ પરમારે જણાવ્યું છે કે નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદશન હેઠળ અધ્યતન ટેકનોલોજી દ્વારા પારદર્શી રીતે વૃદ્ધોને નિયમિત સહાય મળી રહે તે માટે નવતર અભિગમ દાખવીને
નિરાધાર વૃદ્ધો તથા દિવ્યાંગોને અપાતી માસિક સહાય સીધે સીધી તેમના બેંન્ક એકાઉન્ટમા જમા કરાશે.
દિવ્યાંગ વ્યકિતઓને અપાતી સહાયની માસિક પેન્શન યોજના અંતર્ગત ડાયરેકટ બેનીફીશીયરી ટ્રાન્સફર યોજનાનો ઓનલાઇન શુંભારંભ કરાવતા મંત્રી એ ઉમેર્યું હતું, કે આ યોજના હેઠળ બી.પી.એલ. યાદીમાં સામાવિષ્ટ ૬૦ વર્ષથી ૭૯ ઉંમરની વ્યકિતઓને કેન્દ્ર સરકારનાં રૂા.ર૦૦ અને રાજય સરકારના રૂા.ર૦૦ એમ કુલ રૂા ૪૦૦ની સહાય તથા ૮૦ વર્ષથી વધુ ઉંમરની વ્યકિતઓને કેન્દ્ર સરકારનાં રૂા.પ૦૦ અને રાજય સરકારનાં રૂા.૨૦૦ એમ કુલ રૂા.૭૦૦ની સહાય આપવામાં આવે છે. દિવ્યાંગ વ્યકિતઓને કેન્દ્ર સરકારનાં રૂા.૩૦૦ અને રાજય સરકારનાં રૂા.૩૦૦ એમ કુલ રૂા. ૬૦૦ની સહાય ચૂકવવામાં આવે છે. જે સંદર્ભે રાજયના લગભગ ૪,૭૭,૦૦૦ જેટલા નિરાધાર વૃદ્ધો તેમજ ૭,૧૬૧ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મળશે. આ તમામ લાભાર્થીઓને આધાર તેમજ બેન્ક એકાઉન્ટ રજૂ કર્યા છે એ તમામ લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સહાયની રકમ જમા કરવામાં આવશે જેનો સીધો લાભ લાભાર્થીઓને મળશે અને લાભાર્થીઓને મનીઓર્ડરની રાહ જોવામાંથી મુકિત મળશે તથા સહાય ત્વરિત મળશે.