રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : સોમવાર, 24 ઑક્ટોબર 2016 (12:12 IST)

ગુજરાત સરકાર નર્મદા બંધની ઉંચાઇ વધારવાનું કામ સમયમર્યાદાથી વહેલું પુરૂં કરશે : નરેન્દ્ર મોદી

ભારતમાં એવીએશન સેકટરનો ખૂબજ ઝડપથી વિકાસ થઇ રહયો છે. એવી લાગણી વ્યકત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં એવી સ્થિતિ સર્જાશે કે ભારતના વિમાની મથકો ઉપર એકજ વર્ષમાં અમેરિકાની જન સંખયા જેટલા લોકો ઉભરાશે.

તેમણે જણાવ્યું હતું કે મધ્યમવર્ગના લોકોમાં હવાઇ મુસાફરીની ઝંખના જાગી છે અને હવાઇ પ્રવાસ પ્રતિષ્ઠાની બાબત ગણાય છે. તેમણે નર્મદા બંધની ઉંચાઇ વધારવાની કામગીરી ખૂબજ ઝડપભેર આગળ વધારવા માટે ગુજરાત સરકારને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સમયમર્યાદા કરતાં પણ વહેલું આ કામ પુરં કરશે એવો મને વિશ્વાસ છે. પ્રધાનમંત્રીએ એએઆઇ દ્વારા અંદાજે રૂ. ૧૬૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટના નવીન એકીકૃત ટર્મીનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું. 

તેમણે નવીન ટર્મીનલ બિલ્ડીંગને વડોદરાનું નજરાણું ગણાવતા જણાવ્યું હતું કે, તેનાથી વડોદરાની ઓળખમાં ચાર ચાંદ લાગશે. અત્યાર સુધી દેશમાં કોઇ એવીએશન પોલીસી જ ન હતી એવી સ્થિતિનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું અમારી સરકારે પ્રથમવાર સુસંકલિત એવીએશન પોલીસી બનાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેના પગલે રોજગાર, આર્થિક કારોબાર અને વિકાસને વેગ મળશે. નીકટ ભવિષ્યમાં ભારત એરપોર્ટ એકટીવીટીના માંપદંડો પાર કરનારો વિશ્વનો ત્રીજો દેશ બનશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ વડોદરાના વિમાની મથકની ગણના દેશના અગ્રગણ્ય વિમાની મથકોમાં થશે તેવી લાગણી વ્યકત કરવાની સાથે તેની પર્યાવરણ મિત્ર લાક્ષણિકતાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. તથા જણાવ્યું હતું કે, આ પ્રકારના આઇકોનીક બિલ્ડીંગ્સથી જનતાને આવા કામો કરવાની પ્રેરણા મળે છે. સરકારના પ્રોત્સાહનથી સામાન્ય નાગરિકો પણ ઓછા ખર્ચે પર્યાવરણ રક્ષક નિર્માણ અપનાવી શકશે. આ સંદર્ભમાં તેમણે વીજ મથકોની ફલાઇ એશમાંથી બનાવેલી ઇંટોનો એરપોર્ટના નિર્માણ કાર્યમાં ઉપયોગ કરવાની પહેલનો ઉલ્લેખ કર્યો હતો. તથા કચરાને કંચનમાં ફેરવવાના આવા પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્થાપત્યના ક્ષેત્રમાં પર્યાવરણ મિત્ર બાંધકામને વરેલી સરકારે કેરલના કોચીનમાં અને હવે વડોદરામાં ગ્રીન મુવમેંટને વેગ આપતા એરપોર્ટસની લોકોને ભેટ આપી છે.

    ભારતમાં પ્રવાસનના વિકાસની અપાર સંભાવનાઓ છે અને પ્રવાસનના ક્ષેત્રમાં એર સેવાની ઘણી જરૂર છે. એવી લાગણી વ્યકત કરતાં તેમણે જણાવ્યું કે, એર ટ્રાફીકથી મલ્ટીપ્લ ઇકોનોમીક ઇફેકટનો લાભ મળે છે. દેશની વિશાળતાના પ્રમાણમાં વધુ વાયુ મથકોની જરૂર છે અને ટાયર ટુ અને ટાયર થ્રી શહેરોને એવીએશન સેકટરનો લાભ મળવાથી વિકાસના નવા આયામો ખુલશે તેમણે જુના અને બીન વપરાશી વિમાની મથકોને નવચેતન બનાવવાની નેમ વ્યકત કરી હતી. અને વિમાની સેવાઓ અને સુવિધાઓના વિસ્તરણનું કામ મિશન મોડમાં અને પીપીપી કન્સેપ્ટ હેઠળ કરવાનો સંકેત આપ્યો હતો.વડોદરામાં દેશની પહેલી રેલવે યુનિવર્સીટી સ્થાપવાના આયોજનને આગામી એક સદી સુધી પ્રભાવ પાથરનારા મહત્વના નિર્ણય તરીકે મૂલવતા તેમણે જણાવ્યું હતું કે, દુનિયા બદલાઇ, અનેક નવા ઇનોવેશન થયા પણ ભારતની રેલવે હજુ જુની જ છે. આ રેલવેને આધુનિક ટેકનોલોજી અને ઇનોવેશનનો વિનિયોગ કરીને દેશની માંગ પ્રમાણે બદલવી છે.

વડોદરાની રેલવે યુનિવર્સીટી ભારતીય રેલની કાયાપલટમાં યોગદાન આપશે એવી લાગણી પ્રધાનમંત્રી એ વ્યકત કરી હતી.  નરેન્દ્રભાઇ મોદી આજે વડોદરાના મહેમાન બન્યા હતા. સામાજિક અધિકારીતા વિભાગ તરફથી ૧૦,૦૦૦ હજાર જેટલા દિંવ્યાંગોને સાધન સહાય વિતરણ અને વડોદરાના નવનિર્મિત એકીકૃત ટર્મીનલ ભવનના ઉદ્ધાટન પ્રસંગે વડાપ્રધાન આજે વડોદરા પધાર્યા હતા. નવા હવાઇ મથકના ઉદ્ધાટન બાદ વડાપ્રધાન રસ્તા માર્ગે હરણી એરપોર્ટથી  નવલખી મેદાન ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ ખાતે ગયા હતા. વડાપ્રધાન જે સ્થળેથી પસાર થયા હતા.

તેની બન્ને તરફ વડોદરાવાસીઓ ગુજરાતના પનોતાપુત્રને ખૂબ જ ઉમળકાથી પ્રેમની હેલી વરસાવી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ખૂબજ ભાવથી લોકોના અભિવાદનો સ્વીકાર્યા હતા. આને કારણે નવલખી મેદાન સુધી વડાપ્રધાનનો કાફલો ખુબજ ઘીમી ગતિએ હંકારાયો હતો. વડોદરાના લોકોનો અદમ્ય ઉત્સાહ આ પ્રસંગે જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાને, વડાપ્રધાનશ્રીએ પોતાની કર્મભૂમિ બનાવી હતી. અને લોકસભામાં ચૂંટાયા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે વડોદરાના લોકોનો એજ જુસ્સો અને પ્રેમ આજે પણ એટલોજ જળવાઇ રહેલો જોવા મળ્યો હતો.