મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2016 (11:08 IST)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તરણેતરના મેળાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ  સુરેન્દ્રનગરના તરણેતરમાં પ્રતિવર્ષ યોજાતા તરણેતર લોકમેળાનો તથા ગ્રામીણ ઓલિમ્પીકસનો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો. વિજયભાઇ રૂપાણીએ પારદર્શીતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના મુખ્ય સ્થંભ પર શાસનદાયિત્વ નિભાવીને આ સરકાર લોક સંગે-લોક ઉમંગે વિકાસની નવી ઊંચાઇઓ પાર કરવા પ્રતિબધ્ધ છે તેમ જણાવ્યું હતું. તેમણે સુરેન્દ્રનગરના આ પાંચાળ પ્રદેશની વિશેષતાઓ વર્ણવતાં જણાવ્યું કે, પાંચાળ ભૂમિ તેના જોરૂકા જણ અને જોબનવંતી નારીના ખમીરથી ઉજળી છે. મુખ્યમંત્રીએ તરણેતરના મેળાના વિશેષ આકર્ષણ રૂપ રંગબેરંગી છત્રીનો અંબ્રેલા ડાન્સ બે હજાર કલાકારોએ રજૂ કરીને ગિન્નીસ બૂક ઓફ વર્લ્ડ રેર્કડમાં સ્થાન અંકિત કરવા માટે જિલ્લા વહિવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. વિજયભાઇ એ ગ્રામીણ વિસ્તારોમાં વિસરાતી જતી રમતો ખેલ-કૂદને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇએ આ લોકમેળાના માધ્યમથી નવી ચેતના આપી છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો. તરણેતરના લોકમેળામાં વધુને વધુ વિદેશીઓ ભાગ લે તથા ગુજરાતની સંસ્‍કૃતિથી વિશ્વના વધુને વધુ દેશો વાકેફ થાય તે માટે સફાઈ-પાણી-મનોરંજન-કાયદો-ટ્રાફિક વગેરેની સુચારૂ વ્‍યવસ્‍થા પુરી પાડવાની મુખ્‍યમંત્રીએ પ્રતિબધ્ધતા દર્શાવી હતી. તેમણે ગીરના સિંહોને હંફાવતી જાફરાબાદી ભેંસ સહિત સૌરાષ્‍ટ્રના અલભ્‍ય પશુધનના તરણેતર ખાતે યોજાતા પશુ પ્રદર્શનને આ મેળાની આગવી ઓળખ ગણાવી હતી.